અનેક શક્તિશાળી પાસાં છતાં ઉત્તર પ્રદેશ દેશના નિષ્ફળ રાજ્યોની યાદીમાં શા માટે ગણાય છે?
– ઉત્તર પ્રદેશમાં માથાદીઠ આવકનો આંક ભારતના સરેરાશ આવક સ્તર કરતા અડધાથી પણ ઓછો
– ૧.૨૩ કરોડના આંક સાથે આંતરરાજ્ય સ્થળાંતરમાં સૌથી વધુ સ્થળાંતર ઉત્તર પ્રદેશમાંથી થયું હતું
આર્થિક તથા રાજકીય રીતે સફળ રાજ્ય બની શકે તેવી દરેક શક્તિ ઉત્તર પ્રદેશ પાસે છે. ઉત્તર પ્રદેશ ૨૪૩૨૮૬ ચોરસ કિ.મી. જેટલી વિસ્તૃત જમીન ધરાવે છે, ૨૦.૪૦ કરોડની લોકસંખ્યા અને તેમાં થતો વધારો, ગંગા અને યમુના જેવી સતત વહેતી નદીઓ અને પરિશ્રમી નાગરિકો ઉત્તર પ્રદેશનું જમા પાસુ છે. જવાહરલાલ નેહરુ, લાલ બહાદૂર શાસ્ત્રી, ઈંદિરા ગાંધી, ચરણ સિંહ, રાજીવ ગાંધી, વી. પી. સિંહ, ચંદ્ર શેખર અને એ. બી. વાજપેયી આ દરેક વડા પ્રધાનો ઉત્તર પ્રદેશમાંથી ચૂંટાઈને આવ્યા હતા. આમછતાં અનેક વર્ષોથી ઉત્તર પ્રદેશને નિષ્ફળ રાજ્ય તરીકે જ ગણવામાં આવી રહ્યું છે.
નિષ્ફળ રાજ્યની અહીં હું વ્યાખ્યાકરવા માગુ છું. વૈશ્વિક સ્તરે સ્વીકારાયેલ માનવ વિકાસ નિર્દેશાંકોથી આપણે શરૂઆત કરીએ. આ ઉપરાંત જીએસડીપીનો વિકાસ દર, માથા દીઠ આવક તથારાજ્યના દેવાબોજના આંકડાને પણ ધ્યાનમાં લઈએ, આરોગ્ય તથા શિક્ષણનું ચિત્ર તથા ગુનાખોરી, બેરોજગારી તથા સ્થળાંતરના આંકડાને પણ ઉમેરીયે. આ દરેકનું ટોટલ નબળું આવે તો તે રાજ્ય નિષ્ફળ રાજયની વ્યાખ્યામાં આવી જાય છે.
લંગડાતું અર્થતંત્ર
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ છેલ્લે ૧૯૮૦થી ૧૯૮૯ દરમિયાન સત્તા પર હતી. છેલ્લા ૩૨ વર્ષમાં, આ રાજ્ય પર ભાજપ, સપા અને બસપા આ ત્રણ પક્ષો સત્તા ભોગવતી રહી છે. સારીનરસી દરેક બાબતો માટે આ પક્ષોએ જ જવાબદારી લેવી રહી. ભાજપના આદિત્યનાથ ૨૦૧૭થી આ રાજ્યના મુખ્ય પ્રધાન છે.
કામગીરીની કસોટીના મારા ત્રણ મુદ્દા એટલે વર્ક, વેલ્ફેર તથા વેલ્થ. મેક્રો ઈકોનોમિક ડેટાને ધ્યાનમાં લઈ ઉત્તર પ્રદેશનું આ ત્રણ મુદ્દા પર મૂલ્યાંકન કરીએ. આદિત્યનાથના શાસનકાળમાં જીએસડીપીમાં સતત ઘટાડો થયો છે.
વર્ષ | ટકાવારી |
૨૦૧૬-૧૭ | ૧૧.૪૦ ટકા |
૨૦૧૭-૧૮ | ૪.૬૦ |
૨૦૧૮-૧૯ | ૬.૩૦ |
૨૦૧૯-૨૦ | ૩.૮૦ |
૨૦૨૦-૨૧ | -૬.૪૦ |
ઉત્તર પ્રદેશમાં માથાદીઠ આવકનો આંક ભારતના સરેરાશ આવક સ્તર કરતા અડધાથી ઓછી છે. નાણાં વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૨૦-૨૧ના ગાળામાં માથાદીઠ આવકમાં ૧.૯૦ ટકા જેટલો ઘટાડો થયો છે. આ ચાર વર્ષના ગાળામાં રાજ્યના દેવાબોજમાં ૪૦ ટકા વધારો થયો છે. માર્ચ ૨૦૨૧ના અંતે રાજ્ય પર રૂપિયા ૬,૬૨,૮૯૧ કરોડનું દેવું હતું જે જીએસડીપીના ૩૪.૨૦ ટકા જેટલું હતું. નીતિ આયોગના મલ્ટીડાયમેશનલ પોવર્ટી ઈન્ડેકસ રિપોર્ટ ૨૦૨૧ પ્રમાણે, રાજ્યના ૩૭.૯૦ ટકા લોકો ગરીબ છે. ૧૨ જિલ્લાઓમાં આ પ્રમાણ ૫૦ ટકાથી વધુ છે અને ત્રણ જિલ્લામાં તો તે ૭૦ ટકા છે. આનો નિષ્કર્ષ એ નીકળી શકે છે કે, ઉત્તર પ્રદેશ એક ગરીબ રાજ્ય છેે.
વહીવટની ગેરહાજરી
યુવાનો સૌથી વધુ અસર પામ્યાછે. ઉત્તર પ્રદેશમાં બેરોજગારીનો દર દેશમાં ઊંચા દરોમાંનો એક છે. એપ્રિલ, ૨૦૧૮માં ૧૫થી ૨૯ વર્ષની વચ્ચેની વયનાઓનો બેરોજગારીનો દર દ્વીઅંકમાં હતો અને આ વયજુથ માટે ભારતના દર કરતા પણ તે ઊંચો હતો. ૨૫થી ૨૯ વર્ષની વચ્ચે વયની મહિલાઓમાં જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૦માં બેરોજગારીનો દર ૪૦.૮૦ હતો. શહેરી વિસ્તારોમાં ચારમાંથી એક યુવાન બેરોજગાર હતો એમ એપ્રિલ ૨૦૧૮થી માર્ચ ૨૦૨૧ માટેના પીએલએફએસ ડેટા જણાવે છે.
આને પરિણામે ઉત્તર પ્રદેશમાંથી સ્થળાંતર થાય છે. માર્ચ ૨૦૨૦ના જરનલ ઓફ માઈગ્રેશન અફેર્સ, પ્રમાણે, આંતરરાજ્ય સ્થળાંતરમાં સૌથી વધુ સ્થળાંતર ઉત્તર પ્રદેશમાંથી થયું હતું. સ્થળાંતરનો આંક ૧.૨૩ કરોડ રહ્યો હતો એટલે કે રાજ્યની કુલ વસતિના ૧૬માંથી એક વ્યક્તિએ સ્થળાંતર કર્યું હતું. માર્ચ ૨૦૨૦ના દેશભરમાં લોકડાઉન બાદ લાખો લોકો પોતાને વતન પાછા ફરવા લાગ્યા હતા જેમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો હતા.
નબળા વહીવટ સાથેના ગરીબ રાજ્ય એવા ઉત્તર પ્રદેશમાં કલ્યાણકારી સ્થિતિ પણ નબળી રહી છે. શિક્ષણ પાછળ માથાદીઠ ખર્ચનો આંક સૌથી નીચો રહ્યો છે. શિક્ષક દીઠ વિદ્યાર્થીનું પ્રમાણ ઊંચુ રહ્યું છે. આ રાજ્યમાં ૨.૭૭ લાખ શિક્ષકોની અછત છે. શિક્ષણની જરૂરિયાતો પૂરી કરવા ૩૮.૭૦ ટકા લોકોએ ટયુશન લેવાની ફરજ પડે છે, જે શાળા વ્યવસ્થા નિષ્ફળ રહેતી હોવાના સંકેત આપે છે. ૮માંથી એક વિદ્યાર્થી ૮માં ધોરણથી જ ભણતર છોડી દે છે. હાયર સેકન્ડરી સ્તરે ગ્રોસ એનરોલમેન્ટનું પ્રમાણ ૪૬.૮૮ ટકા અને કોલેજ તથા યુનિવર્સિટી સ્તરે આ આંક ૨૫.૩૦ ટકા જોવા મળે છે.
આરોગ્યસંભાળની સ્થિતિ પણ એટલી સારી નથી. ઉત્તર પ્રદેશનો એનએમઆર (૩૫.૭૦), આઈએમઆર (૫૦.૪૦) તથા પાંચની હેઠળનાઓ મોર્ટાલિટી દર ૫૯.૮૦ સાથે રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો ઊંચો છે. ડોકટરો તથા નર્સોની સંખ્યા પણ ઘણી ઓછી છે.
એક લાખની વસતિ દીઠ જિલ્લા હોસ્પિટલોમાં માત્ર ૧૩ બેડસ છે. નીતિ આયોગના હેલ્થ ઈન્ડેકસમાં, ૨૦૧૯-૨૦ના સમાપ્ત થયેલા ચાર રાઉન્ડસમાં ઉત્તર પ્રદેશ નીચલા ક્રમે હતું.
ચૂંટણીઓ બાદ, શું?
એવું જણાય છે કે, ઉત્તર પ્રદેશની ચૂંટણી ભાજપ તથા સપા વચ્ચેનો જ જંગ છે. જે લોકો બદલાવ માટે મત આપે છે અને તેમાં તેઓ સફળ થાય છે તો પણ, ચૂંટણી બાદ કશું બદલાતું નથી તેવું તેમને કદાચ જોવા મળતું હશે. ઉત્તર પ્રદેશને કોણે નિષ્ફળ બનાવ્યું તેનો ઉત્તર કદાચ આપણને ૨૦૨૨માં મળે તેવી શકયતા નથી.