અમેરિકામાં ટૂંકમાં થનારી વ્યાજ વૃધ્ધિએ સોનાને પછાડતાં ઝવેરી બજારમાં ઝડપી કડાકો
– બુલિયન બિટ્સ : દિનેશ પારેખ
– વિશ્વ બજારમાં સોનાએ ૧૮૦૦ ડોલરની સપાટી ગુમાવીઃ ક્રૂડતેલ ઉછળવા છતાં સોનામાં ફંડોની વધેલી વેચવાલીએ બજારમાં આશ્ચર્ય સજર્યું
વિશ્વબજારમાં ફેડની મીટીંગમાં વ્યાજનો દર માર્ચ માલથી વધારવામાં આવશે તથા ટ્રેજરીબીલ તથા બોન્ડની ખરીદીમાં જબરો કાપ મૂકીને થોડાક સમયમાં નાણા છાપવાનું બંધ કરીને બજારમાં નાણાના પ્રવાહને ઘટાડાશે તેવા ડીસેમ્બર માસની ફેડની મીટીંગમાં પસાર થયેલા નિર્ણયનો મક્કમ રીતે અમલ કરવામાં આવશે તેવી ફેડની જાહેરાતે સોનાના ભાવમાં ૬૦થી ૭૦ ડોલર પ્રતિ ઔંસનો ધબડકો બોલાવ્યો. સોનું ૧૮૫૨ ડોલર પ્રતિ ઔંસની સપાટીથી ગગડીને ૧૭૮૮ ડોલર પ્રતિ ઔંસનો ભાવ ક્વોટ કરીને તેજીના પ્રવાહને બ્રેક લગાડી.
ફેડના ચેરમેન જેરોમ પોવેલના મક્કમ વકતવ્યને કારણે સોના બજાર સાથે સાથે સ્ટોક મારકેટમાં પણ ધબડકો બોલાયો છે. ફેડના વ્યાજના દર વધારવાના સીગ્નલે ફુગાવા સામેની લડતનો સામનો કરવાનો નિર્ણય અમેરિકાના સુધરતા અર્થતંત્રનું સકારાત્મક ચિત્ર ઉભું કરે છે.
ફેડરલ ઓપન મારકેટ કમીટીની પોલીસીમાં ડીસેમ્બર માસના નિર્ણયને ફરી સીક્કો લગાડીને વ્યાજના દરને વધારવાનો નિર્ણય માર્ચ માસથી કરવામાં આવશે તેવી બહાલી મળી છે. તેમાં જોબના આંકડાઓ સારા આવતા તથા બેકારી ઘટીને સામાન્ય લોકોની આવકમાં સુધારો થતા ફુગાવાને નિયંત્રિત કરીને ડોલરને મજબૂત બનાવી નવી નાણાકીય સ્થિતિને સુધારી નવજીવન સંચારીત કરીને પેન્ડામીક ઓમીક્રોનના ભયને ઘટાડી લોકોમાં આત્મવિશ્વાસ વધે તેવા પગલા લીધા છે.
વિશ્વબજારમાં ફેડના નિર્ણયના સમાચારે ચાંદીના ભાવમાં ૧૫૦ સેન્ટ પ્રતિ ઔંસનું ગાબડું પાડયું અને ૨૪૦૦ સેન્ટ પ્રતિ ઔંસવાળી ચાંદીના ભાવો ઘટીને ૨૨૫૦ સેન્ટ પ્રતિ ઔંસના ભાવો ક્વોટ કરવા લાગ્યા. ચાંદીની તેજીની ચાલને અચાનક બ્રેક લાગતા રોકાણકારો સ્તબ્ધ બન્યા અને ચાંદીની ખરીદી પર બ્રેક લગાડીને ચાંદીની ચાલનું અવલોકન કરવા લાગ્યા અને ત્યારબાદ ક્યા ભાવે ચાંદી ખરીદવી તેનો નિર્ણય લેશે.
વર્ષ ૨૦૧૬ બાદ કોવીડના આવ્યા પછી ચાંદીના સ્ટોકમાં સતત ઘટાડો નોંધાયો છે અને હાજર ચાંદીનો ઉપાડ વધુ પ્રમાણમાં થયો છે. ચાંદીના ભાવમાં અસ્થિરતા રહેશે. જુની ચાંદીના સ્ક્રેપની આવક પણ ઘટી છે, માંગ અને પુરવઠા વચ્ચે ગાળો રહે છે તે ચાંદીને લાંબા ગાળે ભાવમાં વધારો કરવાનું કારણ બને. એકંદરે ૨૦૨૨માં ચાંદી ૨૨૦૦ અને ૨૭૦૦ સેન્ટ પ્રતિ ઔંસ વચ્ચે અથડાય તેવી ગણતરી મૂકાય છે.
સ્થાનિક સોના બજાર પર વૈશ્વિક નરમ સોનાના ભાવના સમાચારથી જોઈએ તેટલો ઘટાડો નથી થયો કારણ કે ડોલર સામે રૂપિયો વધુ નરમ થતા આયાતી સોનાની પડતર ઉંચી રહે છે. સોનાનો વાયદો ઉંચામાં રૂ.૪૮૮૪૦ પ્રતિ દસ ગ્રામ થયો હતો તે ઘટીને રૂ.૪૮૩૦૦ પ્રતિ દસ ગ્રામ થયો હતો ત્યારે હાજર સોનું ઉંચામાં રૂ.૪૯૮૫૦ પ્રતિ દસ ગ્રામ ક્વોટ થયા બાદ ગુરુવારે વૈશ્વિક ઘટાડા બાદ સોનાનો ભાવ રૂ.૪૯૫૦૦ પ્રતિ દસ ગ્રામ નોંધાતા સોનાના ભાવમાં રૂ.૩૫૦ પ્રતિ દસ ગ્રામનો ઘટાડો નોંધાયો.
રીફાઈનરીઓ ડોરેગોલ્ડ બાર મંગાવીને સોનું રીફાઈન કરીને દરેક રાજ્યોમાં સોનું વેચે છે. ૨૦૨૨ના વર્ષમાં સોનાની આયાત કદાચ ઘટશે અને ૭૫૦ ટનને આંબશે નહીં કારણ કે ફરી પેન્ડામીક ઓમીક્રોનનો વાયરો શરૂ થતા ફરી લોકડાઉનની પરિસ્થિતિ ઉદભવી છે. તેમાં ઘરાકોની અવરજવર ઘટશે તેનો સામનો કરવો પડશે. છતાં વેકસીનના ડોઝ લેવાતા તથા બુસ્ટર ડોઝ શરૂ થતા ઓમીક્રોન સામે લડતમાં સફળતા મેળવીને નવું યોગ્ય વાતાવરણ ઉભું થશે, બજાર ફરી જીવંત બને એવી આશા રખાય છે. નવા દાગીના સાથે સાથે રોકાણકારો સોનાની લગડી ખરીદવા વધુ ઉત્સુક છે. નવું જનરેશન સોનાના સીક્કા તથા સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવામાં વધુ રસ ધરાવે છે તેથી ગોલ્ડ બોન્ડમાં રોકાણ વધશે અને આયાતી સોના પર દબાણ ઓછું થતાં ભારતની ફોરેન એક્સચેન્જની ખાધ ઓછી થાય.
એકંદરે સોનાનો ભાવ રૂ.૪૯૦૦૦ અને રૂ.૫૦૦૦૦ પ્રતિ દસ ગ્રામની વચ્ચે અથડાશે. સ્થાનિક ચાંદીના ભાવો વૈશ્વિક નરમાઈના સમાચારે રૂ.૧૫૦૦ પ્રતિ કિલોનો ઘટાડો દાખવે છે. બુલીયનના વેપારીઓ રૂ.૨૦૦ પ્રતિ કિલોના ભાવ ફેરે ચાંદીની લેવેચ કરે છે અને વાયદા બજારના ભાવની વધઘટ પ્રમાણે હાજર ચાંદીના ભાવો ક્વોટ કરે છે અને બન્ને વચ્ચે રૂ.૧૭૫૦ પ્રતિ કિલોનો ગાળો રહે છે.
ગુરુવારે ચાંદીનો વાયદો રૂ.૬૩૦૦૦ પ્રતિ કિલોની આસપાસ ક્વોટ થતો હતો ત્યારે હાજર ચાંદી રૂ.૬૪૬૫૦ પ્રતિ કિલો બોલાતી હતી. આયાતી ચાંદીના ભાવો હાજર કરતા રૂ.૨૫૦ પ્રતિ કિલોના ડીસ્કાઉન્ટ ભાવે વેચાતી હતી. તેથી બીલમાં અને વગર બીલમાં ચાંદીના ભાવ વચ્ચે રૂ.૨૫૦ પ્રતિ કિલોના ગાળો હતો.
શોરૂમમાં ઘરાકી સાધારણ છે. દુકાનદારોને ફરી કોવિડ-૧૯ જેવા પેન્ડામીકનો ભય સતાવે છે અને ઘરાકી ઠપ્પ પડશે છતાં તેઓનું ચાંદીના દાગીના તથા વાસણનો વેપાર સારો રહેશે તેવી આશા છે.
જુની ચાંદીની આવક નહીવત છે. બજારને તથા ઉદ્યોગને ચાંદીનો પૂરવઠોને પુરો પાડવા આયાતકારો મહત્ત્વનો ભાગ ભજવે છે. એકંદરે ચાંદી રૂ.૬૪૦૦૦ અને રૂ.૬૫૦૦૦ પ્રતિ કિલો વચ્ચે અથડાશે.