Day Special

અર્થતંત્રની હાલત ખોખલી : લક્ઝરી ચીજો વેચાય છે, આવશ્યકતામાં ગ્રાહકો ઉદાસીન

અર્થતંત્રની હાલત ખોખલી : લક્ઝરી ચીજો વેચાય છે, આવશ્યકતામાં ગ્રાહકો ઉદાસીન content image 05853011 7267 4399 a020 cf14e9c32687 - Shakti Krupa | News About India– આઈફોનનું વેચાણ રેકર્ડ સ્તરે, કાર ખરીદવા સાત લાખ લોકો રાહમાં પણ સાબુ, શેમ્પુ, ડિટરજન્ટની માંગ ઓછી

ભારતીય અર્થતંત્રમાં કઈક અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મોટરકારની માંગ એટલી વધી છે કે ડિલીવરી માટે લોકો રાહ જોઈ રહ્યા છે. સેમીકન્ડકરની અછતના કારણે માંગ સામે ઉત્પાદન ઓછું છે અને લગભગ સાત લાખ ગાડીઓ માટે કંપનીઓએ ગ્રાહક પાસેથી એડવાન્સ નાણા લીધા છે પણ માલ મળતો નથી. બીજી તરફ, ટુ-વ્હીલરની માંગ દસ વર્ષમાં સૌથી ઓછી છે. દેશમાં મોબાઈલની માંગ એકંદરે સામાન્ય રીતે વધી છે પણ ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે ભારતમાં આઈફોનના (જે મોંઘા ફોન ગણાય) તેનું વેચાણ ઐતિહાસિક રીતે વધ્યું છે. રીઅલ એસ્ટેટમાં જમીન, મકાન અને ઓફીસની માંગ વધી છે પણ કન્ઝયુમર ગુડ્સની માંગ બહુ સામાન્ય વધી છે. 

ફાસ્ટ મુવિંગ કન્ઝયુમર ગુડ્સ (એફએમસીજી) એટલે સાબુ, શેમ્પુ, કોલ્ડક્રીમ, ફેશવોશ, પેકેટમાં વેચાતા ચા, બિસ્કીટ, અનાજ, લોટ વગેરેમાંથી કેટલીક ચીજો તો એવી છે કે જેની માંગ ઘટી છે! આ કંપનીઓ વેચાણ વધારવા માટે, નફો જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. શેરબજારમાં નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ એક વર્ષની ઉંચી સપાટી (ઓક્ટોબર ૨૦૨૧) પછી ૧૨ ઘટી ગયો છે. દેશની દિગ્ગજ એફએમસીજી કંપનીઓના શેર ઘટી રહ્યા છે. અને ચિંતા છે કે ગ્રાહકોની ખરીદી અટકી પડી છે ત્યારે કંપનીઓ કેવી રીતે નફો રળી શેરહોલ્ડરને વળતર આપશે? 

વેચાણ વધે છે નફો નહી

એફએમસીજી કંપનીઓ સામે બીજો એક મોટો પડકાર છે વધી રહેલી કાચામાલની પડતર. ક્રૂડ ઓઈલ, ખાદ્યતેલ, કેમિકલ્સ અને પેકિંગ મટીરીયલના ભાવ સતત વધી રહ્યા છે. આ વધેલા ભાવના કારણે કંપનીઓએ પોતાના ઉત્પાદનના ભાવ વધારવા ફરજ પડી છે અને તેના કારણે ગ્રાહકોના હાથમાં પ્રોડક્ટ મોંઘી બની રહી છે. એક તરફ, લોકોની આવક ઘટી છે અને બીજી તરફ ચીજો મોંઘી થઇ રહી હોવાથી માત્ર આવશ્યક ચીજોની ખરીદી થઇ રહી છે. આ ઉપરાંત, કંપનીઓનું વેચાણ વધી રહ્યો છે પણ નફામાં વૃદ્ધિ ઘટી છે અથવા તો સામાન્ય વધી છે એટલે પણ શેરના ભાવ ઘટી રહ્યા છે. 

એફએમસીજી ક્ષેત્રે દેશની દિગ્ગજ સાત કંપનીઓ (હિન્દુસ્તાન યુનીલીવર, આઈટીસી, ગોદરેજ કન્ઝયુમર, તાતા કન્ઝયુમર, નેસ્લે, બ્રિટાનીયા અને ઈમામી)નું કુલ વેચાણ સપ્ટેમ્બર સામે ડિસેમ્બરમાં નવ ટકા વધ્યું છે પણ સામે નફો માત્ર ૨.૪ ટકા જ વધ્યું છે.

એફએમસીજી વેચાણમાં ઘટાડો

દેશની ૭૫ લાખ જેટલી દુકાનો પાસેથી ડેટા એકત્ર કરતી કંપની બિઝોમના જણાવ્યા અનુસાર જાન્યુઆરી મહિનામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી હતી. આ લહેર પ્રથમ અને બીજી લહેર કરતા ઓછી ઘાતક હોવા છતાં દેશમાં ચાલુ કરીયાણાની દુકાનો આગલા મહિના કરતા ૫.૩ ટકા ઘટી હતી. માસિક વેચાણ (વોલ્યુમ એટલે વજન, નંગમાં) ૧૦ ટકા જેટલું ઘટી ગયું હતું. ડિસેમ્બર મહિનામાં વેચાણ ૨.૩ ટકા વધ્યું હતું જયારે નવેમ્બરમાં તેમાં ૧૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. 

બિનજરૂરી ખરીદીથી ગ્રાહકો દૂર ભાગી રહ્યા છે

બિઝોમના વધુમાં જણાવે છે કે એવી કેટલીક કેટેગરીની પ્રોડક્ટ છે જેમાં વેચાણ ગત મહિના કરતા જ નહી પણ વાર્ષિક ધોરણે પણ તીવ્ર રીતે ઘટી ગયું છે. સાબુ, શેમ્પુ, શેવિંગ, ક્રીમ, હેર કલર જેવી વ્યક્તિગત નિખાર આપતી ચીજોનું વેચાણ જાન્યુઆરીમાં ૯.૧ ટકા ઘટયું હતું. ઘર સજાવટની ચીજોનું વેચાણ ૨૨.૪ ટકા અને બેકરી અને ચોકલેટ જેવી ચીજોનું વેચાણ માસિક ધોરણે ૧૩.૯ ટકા ઘટી ગયું છે. આ ત્રણ કેટેગરીમાં વાર્ષિક ધોરણે પણ અનુક્મે ૮.૧ ટકા, ૩૯.૫ ટકા અને ૪૧.૬ ટકાનો ઘટાડો દર્શાવે છે. આ સીધો નિર્દેશ કરે છે કે મહામારીના કારણે મધ્યમવર્ગની આવક ઘટી જતા તે માત્ર આવશ્યક ચીજોની ખરીદી કરે છે, બિનજરૂરી કે જેના વગર ચાલે છે એવી ચીજોની ખરીદી ઘટી છે અથવા તો અટકી ગઈ છે.

ગ્રામ્ય કરતા શહેરી માંગ ઉપર વધારે અસર

કરીયાણાનું દુકાનેથી વેચાતી મોટાભાગની આ ચીજોના આંકડા દર્શાવે છે કે ગ્રામ્ય ભારત કરતા શહેરી વિસ્તારમાં અસર વધારે જોવા મળી રહી છે. એક, મહામારીની અસર ગ્રામ્ય કરતા શહેરમાં વધારે હતી. બીજું, મહામારી ઉપર અંકુશ મેળવવા માટે સરકારે લોકડાઉન, સ્થાનિક નિયંત્રણો જે મુક્યા હતા તે શહેરમાં વધારે હતા અને ત્રીજું, મહામારીથી અર્થતંત્રમાં ટ્રાવેલ્સ, ટુરિઝમ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ જેવા વ્યક્તિગત સંપર્ક વાળા ક્ષેત્રને વધારી અસર થઇ હતી સામે ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્રમાં અવિરત વૃદ્ધિ જોવા મળી છે. શહેરમાં રોજગારી માટે આવતા લોકોની આવક ઉપર પણ અસર પડી હોવાથી શહેરમાં માંગ ઘટાડો વધારે છે. વાર્ષિક ધોરણે શહેરોમાં એફએમસીજી ચીજોની માંગ ૨૭.૪ ટકા ઘટેલી જોવા મળે છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તેમાં ૨૧ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જોકે, જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બરની સરખામણીએ બન્ને ક્ષેત્રમાં માંગ ઘટી છે. આ મહીને ગ્રામ્યમાં ૭ ટકા અને શહેરોમાં ૧૮.૨ ટકાનો માંગમાં ઘટાડો જોવા મળે છે.

દેશ કરતા ગુજરાતની બજારોમાં માંગ વધારે ઘટી

બિઝોમ દેશની ૭૫ લાખ દુકાનો સાથે ગુજરાતમાં ત્રણ લાખ જેટલા સ્ટોર્સમાંથી ડેટા એકત્ર કરી માહિતી આપે છે. નવેેમ્બર મહિનામાં ગુજરાતમાં એફએમસીજી વેચાણ ૧૫.૯ ટકા ઘટયું હતું જયારે ડિસેમ્બરમાં તે આગલા મહિના કરતા ૭.૬ ટકા વધ્યું હતું. એટલે કે હજુ ઓક્ટોબર મહિનાના વેચાણ જેટલી સ્થિતિ સુધરી નથી. આ સમયે જ ત્રીજી લેહર ત્રાટકતા ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં ફરી વેચાણમાં ૧૫.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જે દેશની સરેરાશ ૧૦ ટકા કરતા વધારે છે. સતત બીજા મહીને રાજ્યના સૌથી મોટા શહેરો અમદાવાદ અને સુરતમાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે સામે રાજકોટ અને વડોદરા ડિસેમ્બર મહિનાની તેજી પછી ફરી નુકસાનમાં સરી પડયા છે.

ગુજરાતમાં એફએમસીજી વેચાણ

શહેર

વેચાણ વૃદ્ધિ ટકામાં

 

ડિસેમ્બર

જાન્યુઆરી

અમદાવાદ

-૮

-૩.૮

સુરત

-૪.૪

-૨.૬

વડોદરા

૬.૬

-૧૦.૯

રાજકોટ

૧૫.૧

-૧૩

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button