અર્થતંત્ર હવે મહામારીની અસરમાંથી મુક્ત થવા તરફ, પણ ફુગાવાની ચિંતા
– અર્થકારણના આટાપાટા – ધવલ મહેતા
– રેપોરેટ વધ્યા બાદ અર્થતંત્રનો રીકવરી રેટ ઘટવાની સંભાવના
ભારતનું અર્થકારણ કોવિદની મહામારીમાથી લગભગ બહાર નીકળીને રીકવરી કરી રહ્યું છે. દુનિયાના દરેક દેશનુ અર્થકારણ રીસેશન (મંદી), ડીપ્રેશન (મહામંદી), રીકવરી (મંદીમાંથી બહાર નીકળવું) અને ગ્રોથ (ફરી એકવાર ઊંચો આર્થિક વૃદ્ધિ દર હાંસલ કરવો) એમ ચાર અવસ્થાઓમાંથી પસાર થાય છે. મંદી દરમિયાન આર્થિક વૃધ્ધિ દર ઘટતો જાય છે અને ડીપ્રેશન દરમિયાન તે રાષ્ટ્રીય આવકના સૌથી નીચા બીંદુ પર પહોંચી જાય છે. જે બાદ અર્થકારણમાં ‘રીકવરી’ થાય છે. ભારતનું અર્થકારણ ૨૦૨૧-૨૦૨૨નું ફા. વર્ષ જે ૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજે પૂર થશે તે ૯ ટકાના દરે વધશે તેવો અંદાજ છે. ૧ એપ્રીલ ૨૦૨૨થી ૩૧મી માર્ચ ૨૦૨૩ના ફાયનાન્સીયલ વર્ષ દરમિયાન ભારતનો આર્થિક વૃધ્ધિ દર ૮ ટકા રહેશે તેવું અનુમાન છે. બજેટમા આ વિકાસ દર ૧૧.૧ ટકા દર્શાવાયો છે પરંતુ તેમાથી ૩.૧ ટકાના ફુગાવાદરને બાદ કરીએ તો ૨૦૨૨-૨૦૨૩નો આર્થિક વૃધ્ધિ દર ૮ ટકા થઇ જાય છે. મોદીનું સ્વપ્નુ ૨૦૩૦મા ભારતની રાષ્ટ્રીય આવકને ૧૦ ટ્રીલીયન ડોલર્સ સુધી લઇ જવાનુ છે.
એમ જો શક્ય બને તો ભારતની માથાદીઠ રાષ્ટ્રીય આવક જે અત્યારે ૨૦૦૦ ડોલર્સની આસપાસ છે (ચીનની લગભગ ૧૦,૦૦૦ ડોલર્સ છે) તે ૨૦૩૦માં વધીને ૬,૬૬૬ ડોલર્સ થઇ જાય પંરતુ તે માટે ભારતની વસતી અત્યારે જે ૧૪૦ કરોડની આસપાસ થઇ ગઇ છે તે ઇ.સ. ૨૦૩૦મા ૧૫૦ કરોડથી વધવી ના જોઇએ. જો ભારતની માથાદીઠ આવક ૬,૬૬૬ ડોલર્સ થાય અને જો તેની યોગ્ય વહેચણી થાય તો ભારતમાંથી ગરીબી દૂર થઇ જાય. આનુ મુખ્ય કારણ એ છે કે આટલા ઊચા વૃધ્ધિદરને સિધ્ધ કરવા ભારતની રાષ્ટ્રીય આવકના દર વર્ષે ૪૦ ટકા કુલ મૂડી રોકાણ થવુ જોઇએ જ્યારે ૨૦૨૧-૨૦૨૨મા ભારતના અર્થકારણમા તેની રાષ્ટ્રીય આવકના માત્ર ૨૯.૬ ટકા થયું હતું જેને સરકાર વધારીને ૩૬ ટકા સુધી લઇ જવા માંગે છે.અલબત્ત ભારત સરકારની જીએસટીની માસીક આવક એક ટ્રીલીયન (ટ્રીલીયન એટલે એક લાખ કરોડ)થી પણ વધી ગઈ છે અને ભારતમા પર્સનલ અને કોર્પોરેટ ટેક્ષનું કલેકશન પણ વધતુ જાય છે તે સારી બાબત છે પરંતુ ભારતીય જાહેર સાહસોના ડીસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા ઘણી નીરાશાજનક છે. ભારત સરકારે ટાટાને એરલાઈનનો ધંધો વેચી શકી તે અપવાદરૂપ ઘટના છે. અર્થકારણ માટે આશાજનક બાબત છે.
ભારતમા ફુગાવાનો દર ૫થી ૬ ટકાની વચ્ચે રહે છે પરંતુ તે ૬ ટકાથી વધુ જતો રહેશે તો સરકાર માટે ભયરૂપ સાબીત થશે. ભારતમા ક્રૂડ ઓઇલ તથા પેટ્રોલના વધતા ભાવોએ અન્ય હજારો ચીજવસ્તુઓના ભાવ વધારી દીધા છે. અર્થશાસ્ત્રમા તેને ‘કોસ્ટ-પુશ ઇન્ફ્લેશન’ કહે છે અને તેને નાથવાનુ કામ કઠિન હોય છે. રીઝર્વ બેંક છૂટક બજારોના ભાવોમા ૪.૫ ટકા સુધી વધારો ચલાવશે તેમ જણાવે છે. વધુ ભાવ વધારો થયો તો કદાચ રીઝર્વ બેંકનો રેપોરેટ ઊંચો જશે જે દેશના નાણાની લીક્વીડીટી ઓછી કરશે જેને કારણે ભારતીય અર્થકારણનો રીકવરી રેટ ઘટી જશે. ભારતમા જાન્યુઆરી ૨૦૨૨મા ફુગાવાએ ૬ ટકાની મર્યાદા રેખા ઓળંગી છે.
ખેતી ક્ષેત્રે કમાલ
૨૦૨૧-૨૨ના ખેત વર્ષ દરમિયાન (ખેતીનુ વર્ષ ૧ જુલાઈથી ૩૦ જુન હોય છે જ્યારે નાણાકીય વર્ષ ૧લી એપ્રીલથી ૩૧મી માર્ચ હોય છે) ઘઉંનુ ચણાનુ અને રાઈનુ રેકોર્ડ ઉત્પાદન થશે. ઘઉંનુ ઉત્પાદન ૨૦૨૧-૨૦૨૨ના ખેતી વર્ષ દરમિયાન ૧૧.૧૩ કરોડ ટન થશે જે ગયા વર્ષ કરતા ૧.૬ ટકા વધારે હશે. મસ્ટાર્ડ (રાઈ)નુ ઉત્પાદન ૧.૧૧ કરોડ ટન થશે જે ગયા વર્ષના ઉત્પાદન કરતા ૧૨.૫૪ ટકા વધારે રહેશે. ચણાનુ ઉત્પાદન ગયા વર્ષના કરતા ૧૦.૧૬ ટકા વધીને ૧.૧૫ કરોડ ટન રહેશે. ખરીફ અને રવિ બન્ને ઋતુઓનુ ઘઉંનુ કુલ ઉત્પાદન ૩૧.૬ કરોડ ટન રહેશે જે ગયા વર્ષ કરતા ૧.૭ ટકા વધારે હશે. રવિ પાકમાં ઘઉં, ચણા અને રાઈ (મસ્ટાર્ડ) ઉત્પાદન સૌથી અગત્યનુ હોય છે અને રવિપાક આવતા થોડાક જ અઠવાડિયામા બજારમા વિજયનાદ સાથે દાખલ થશે. તે કારણે કદાચ ફુગાવો કાંઇક ઘટશે.