આયાતી ખાદ્યતેલોમાં કાચા-રિફાઈન્ડ માલોની ડયૂટી વચ્ચે તફાવત ઘટતાં વધેલો અજંપો
– આવી સ્થિતિમાં દરિયાપારથી રિફાઈન્ડ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ વધતાં ઘરઆંગણે રિફાઈનરીઓને પડેલો ફટકો
દેશમાંં ખાદ્યતેલોની બજારમાં તાજેતરમાં પ્રવાહો ઝડપથી પલ્ટાતા જોવા મળ્યા છે. ઘરઆંગણે આત્મનિર્ભરતાનો મંત્ર વહેતો થયો છે અને તેના પગલે દેશમાં તેલિબિંયાનું વાવેતર વધારવા તથા ખાદ્યતેલોની આયાત ઘટાડવા સરકારે પ્રયત્નો શરૂ કર્યા છે. આવા પ્રયત્નો હવે નક્કર રીતે કેટલા આગળ વધે છે તેના પર બજારના ખેલાડીઓની નજર રહી છે. દરમિયાન, દેશમાં તાજેતરમાં વિવિધ ખાદ્યતેલોના ભાવ ઊંચા જતા જોવા મળ્યા છે અને સરકારની નજર તેના પર પણ રહી છે. આ પ્રશ્ને સરકાર ચિંતીત પણ જણાઈ છે તથા ભાવ વૃદ્ધીને અંકુશમાં રાખવા સરકાર છાશવારે નવા-નવા ફતવાઓ પણ બહાર પાડતી જોવા મળી છે. તાજેતરમાં સરકારે સ્ટોક મર્યાદાનું શસ્ત્ર ઉગામ્યું છે. જો કે બજારના જાણકારોના જણાવ્યા મુજબ હકીકતમાં વિશ્વ બજારમાં તાજેતરમાં ખાદ્યતેલોના ભાવ નોંધપાત્ર વધી ગયા છે અને તેની અસર ઘરઆંગણે જોવા મળી છે. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે પામતેલ, સોયાતેલ, સનફલાવર તેલ વિ. જેવા આયાતી ખાદ્યતેલોની ઈમ્પોર્ટ કોસ્ટ ઊંચી ગઈ છે. અધુરામાં પૂરૂં કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળતાં તથા રૂપિયો નબળો પડતાં તેના પગલે પણ ઘરઆંગણે ખાદ્યતેલોની આયાત પડતરમાં વૃદ્ધી દેખાઈ છે. આયાત પડતર વધતાં દેશના બજારોમાં આયાતી ખાદ્યતેલોના ભાવ ઉછળતાં જોવા મળ્યા છે. ઘરઆંગણે ભાવ વધવા છતાં આયાત પડતર ઉંધી રહી હોવાનું પણ જાણકારોએ જણાવ્યું હતું. આ સૂત્રોના જણાવ્યા મુજબ બજારભાવ કરતાં આયાત પડતર ઊંચી રહેતાં ઘરઆગંણે બજારના આંતરપ્રવાહો મક્કમ રહ્યા છે. વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ક્રૂડતેલના ભાવ વધી સાત વર્ષની ટોચે પહોૅચી જતાં તેની અસર ખાદ્યતેલોના વૈશ્વિક ભાવ પર પોઝીટીવ જોવા મળી છે. ક્રૂડ તેલ વધતાં બાયોફયુઅલ માટે ખાદ્યતેલોનો ઉપાડ વધતો હોય છે. અને ભાવ ઉંચા જતા હોય છે. ઘરઆંગણે આયાતી ખાદ્યતેલોના ભાવને પણ તેની તેજીની હૂંફ મળે છે અને તેના પગલે દેશી ખાદ્યતેલોના ભાવ પણ વધી જતા હોય છે. આમ ખાદ્યતેલોની બજારમાં તાજેતરમાં આવેલી તેજીનું મુખ્ય પરિબળ વિશ્વ બજાર છે અને વિશ્વ બજાર પર સરકારનો કોઈ અંકુશ હોતો નથી. આવી પરિસ્થિતિમાં ઘરઆંગણે તેજીને રોકવ ાસરકાર છાશવારે નવા-નવા ઓર્ડરો બહાર પાડે છે છતાં બજાર મચક આપતી નથી એવી પરિસ્થિતિ તાજેતરમાં દેખાઈ છે.
સરકારે તાજેતરમાં ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટીમાં ફેરફારો કર્યા હતા ત્યારે ઘરઆંગણે આયાત થતા ક્રૂડ પામ ઓઈલ સીપીઓ તથા રિફાઈન્ડ પામતેલની ઈંમ્પોર્ટ ડયુટી વચ્ચેનો તફાવત ઘટી જતાં ઘરઆંગણે કાચા (ક્રૂડ) ખાદ્યતેલો આયાત કરીને દેશમાં તેને રિફાઈન કરતી ઓઈલ રિફાઈનરીઓને મોટો ફટકો પડયો છે. સરકાર આવી વિચિત્ર નીતિ શા માટે અપનાવે છે? એવો પ્રશ્ન બજારમાં પૂછાતો થયો છે. જોકે ત્યારબાદ સરકારે તાજેતરમાં આવી ભૂલને સુધારવાનો પ્રયાસ કર્યો છે પરંતુ આવો પ્રયાસ પણ અધકચરો જણાયો છે એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. સરકારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ પરનો એગ્રીકલ્ચરલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સેસ એઆઈડીસી ૭.૫૦ ટકાથી ઘટાડી પાંચ ટકા કરવાની જાહેરાત કરી છે. આના પગલે દેશમાં કાચું પામતેલ તથા રિફાઈન્ડ પામતેલ પરની ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટી ગયેલો તફાવત ફરી વધ્યો છે. જો કે આ પગલું હજી અપૂરતું છે અને હજી પણ આવા ડયુટી તફાવતમાં વધુ વૃદ્ધી કરવી જરૂરી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા છે. સરકારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ પરનો એગ્રી સેસ ઘટાડતાં હવે દેશમાં કાચા પામતેલ તથા રિફાઈન્ડ પામતેલ પરની ઈમ્પોર્ટ ડયુટી વચ્ચેનો તફાવત વધી સાડા આઠ ટકાનો થયો છે. ડયુટીના નવા દર ૩૦મી સપ્ટેમ્બર સુધી અમલમાં રહે ે રીતે નક્કી કરવામાં આવ્યા છે. કાચા ખાદ્યતેલો તથા રિફા. ખાદ્યતેલો પરની ઈમ્પોર્ટ ડયુટી વચ્ચેનો તફાવત જે સાડા આઠ ટકા થયો છે તે હકીકતમાં ઓછામાં ઓછો ૧૧ ટકા હોવો જરૂરી છે એવું તેલ ઉદ્યોગના તજજ્ઞાો જણાવી રહ્યા છે. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ પરનો એગ્રીસેસ ઘટાડીને અઢી ટકો કરવો આવશ્યક હોવાનું મંતવ્ય બજારમાં બતાવાઈ રહ્યું છે. ઘરઆંગણે ખાદ્યતેલોનું રિફાઈનિંગ કરતી રિફાઈનરીઓમાં કરોડો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ થયું છે અને જો દેશમાં રિફાઈન્ડ ખાદ્યતેલોની આયાત વધે તો આવી રિફાઈનરીઓ બંધ પડી જાય એવી સ્થિતિ ઊભી થઈ શકે છે. હકીકતમાં આરબીડી પામોલીન તથા રિફા. પામતેલની આયાતને રિસ્ટ્રીકેટેડ લીસ્ટમાં મુકવી જરૂરી હોવાનું તજજ્ઞાો જણાવી રહ્યા છે. દરમિયાન, તેલ-બિયાં પરની સ્ટોક મર્યાદાનો અમલ કરવા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારો પર દબાણ વધારવામાં આવ્યું છે. આવી સ્ટોક મર્યાદા ૩૦મી જૂન સુધી કરવામાં આવી છે. જો કે હાલના સંજોગો જોતાં દેશમાં ખાદ્યતેલોના ઉંચા ભાવ મે મહિના સુધી ચાલુ રહેશે એવી શક્યતા પણ બજારમાં ચર્ચાઈ રહી છે.