કસ્ટમ્સ ડયૂટીની ચૂકવણીને નિકાસની જવાબદારી વિના મશીનની આયાત કરો
– એન્ટેના-વિવેક મહેતા
– કસ્ટમ્સ ડયૂટી ચૂકવ્યા વિના કાચો માલ આયાત કરીને પછી ફિનિશ્ડ પ્રોડક્ટની નિકાસ ન કરે ત્યારે જ કસ્ટમ્સ ડયૂટી વ્યાજના ભારણ વિના ભરી શકાશે
ભારત સરકારે દેશના મેન્યુફેક્ચરર્સ માટે કસ્ટમ્સ બોન્ડેડ વેર હાઉસ સ્કીમની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ડયૂટીની ચૂકવણી કર્યા વિના અને નિકાસ કરવાની જવાબદારી વિના જ મશીનરીની આયાત કરી શકાય છે. તેવી જ રીતે આયાતી કાચા માલમાંથી તૈયાર કરવામાં આવેલા ફિનિશ્ડ પ્રોડક્ટની નિકાસ કરી દેવામાં આવશે તો તેના પર પણ આયાત ડયૂટી ભરવાની ફરજ પાડવામાં આવશે નહિ. આજ રીતે ફિનિશ્ડ ગુડ્સનો ગોદામમાં જ નાશ કરવામાં આવ્યો હશે તો પણ તેને માટેના કાચા માલની આયાત પર કસ્ટમ્સ ડયૂટી ચૂકવવાની જવાબદારીનો બોજ નાખવામાં આવશે નહિ. હા, નવી કંપનીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. પરંતુ આ લાભ લેતા પૂર્વે તેમણે યોજનાના ફાયદા અને ગેરફાયદા અંગે પાકી સમજણ મેળવી લેવી જરૂરી છે. હા, આ યોજનાનો લાભ લેવા માટે આગળ આવનારા મેન્યુફેક્ચરર્સને અન્ય યોજનાઓ હેઠળ એટલે કે રોડટેપ-રેમિશન ઓફ ડયૂટીઝ એન્ડ ટેક્સિસ ઓન એક્સપોર્ટ પ્રોડક્ટ્સ કે પછી ડ્રો બેક યોજના હેઠળ મળવાપાત્ર લાભ આપવામાં આવશે નહિ.
આમ તો આ યોજના માટેનું નોટિફિકેશન ઓક્ટોબર ૨૦૧૯માં બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ યોજનાની જાણકારી બહુ જ ઓછા લોકોને છે. આયાતનિકાસના જાણકાર મનીશ જૈન કહે છે, ‘યોજના હેઠળ મેન્યુફેક્ચરર્સને ભારતમાં કસ્ટમ્સ ડયૂટી ભર્યા વિના જ મશીનરીની આયાત કરવાની છૂટ મળે છે. તેની સામે નિકાસ કરવાની જવાબદારીનો બોજ પણ નાખવામાં આવતો નથી. હા, મશીનની આયાત કરનાર તેના થકી તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનોની નિકાસ કરે તો તેમને ઇનપુટ પરની કસ્ટમ્સ ડયૂટી ભરવાની આવશે જ નહિ. જો મેન્યુફેક્ચરર્સ તે મશીનથી તૈયાર કરેલા ઉત્પાદનોને ભારતના જ બજારમાં વેચે તે સમયે તેને આયાત કરેલી મશીનરી પરની ડયૂટીની ચૂકવવા જણાવવામાં આવશે. મશીન આયાત કરતી વખતે જે ડયૂટી ભરી નહોતી તે ભરવા જણાવવામાં આવશે. આ ડયૂટી એક સામટી ભરવા જણાવવામાં આવશે નહિ. આમ મશીનરીની આયાત કર્યા તારીખથી સ્થાનિક બજારમાં તે મશીનથી ઉત્પાદિત કરેલો માલ વેચે ત્યાં સુધી ડયૂટી ભરવાના બોજમાંથી રાહત મળશે.’
આ યોજનાથી બે મોટા લાભ મળે છે. એક, આયાત કરેલી મશીનરી સંપૂર્ણ ડયૂટી ફ્રી થઈ જાય છે. બે, આયાત કરેલા કાચા માલની આયાત વખતે ભરવાની થતી કસ્ટમ્સ ડયૂટી પણ ફિનિશ્ડ પ્રોડક્ટના વેચાણની ક્ષણ સુધી ભરવાની આવશે નહિ. કોઈ મેન્યુફેક્ચરરને કાચા માલનો સ્ટોક કરી લેવો હશે તો તેઓ કસ્ટમ્સ ડયૂટીની ચિંતા કર્યા વિના જ તેની આયાત કરી શકે છે. કસ્ટમ્સ ડયૂટીની વિલંબિત ચૂકવણી કરવા માટે તેમણે તે રકમ પર વ્યાજ પણ ચૂકવવું પડશે નહિ. હા, તેને માટે તેમણે તૈયાર કરેલા પ્રોડક્ટ્સની નિકાસ કરેલી હોવી જોઈએ. બાકીના કાચા માલને ગોદામમાં જ ડિસ્ટ્રોય કરી દેવામાં આવે તો તેના પરની આયાત ડયૂટી ચૂકવવાની આવશે નહિ. જો આ કાચો માલ ભારતમાં જ અન્ય કોઈને વેચી દેવામાં આવે તો તેના પર ભરવાપાત્ર બનતી આયાત ડયૂટી ભરવી પડશે. આ જ રીતે કાચા માલમાંથી ફિનિશ્ડ પ્રોડક્ટ્સ તૈયાર કરીને તે પણ ભારતના જ બજારમાં વેચી દેવામાં આવે તો તેવા સંજોગોમાં પણ આયાતી કાચા માલ પર ભરવાની થતી કસ્ટમ્સ ડયૂટી ભરવાની થશે. હા, તેમને કસ્ટમ્સ એક્ટની કલમ ૭૫ હેઠળ આપવામાં આવતા ડ્રો બેકના લાભ આપવામાં આવશે નહિ. ઉપરાંત તેમન રોડટેપના લાભ પણ આપવામાં આવશે નહિ.
આ યોજનાનો લાભ લેવા માટે કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરીને તે યોજનામાં તમને રસ હોવાનું જણાવું પડશે. આ માટે અરજી કરવી પડશે. આ અરજી સાથે પાનકાર્ડ, આધારકાર્ડ, જમીનના લેઆઉટને લગતા દસ્તાવેજો આપવા પડશે. તેને આધારે જે તે વિસ્તારના કસ્ટમ્સ કમિશનર માટે યોજનાનો લાભ લેવા માટે મંજૂરીઓ લેવાની રહેશે.
આ યોજનાને કારણે બીજો એક લાભ પણ મળે છે. જે નિકાસકારો નિકાસની વસ્તુઓ માટે જમા કરાવેલા જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની જે રકમનું અત્યાર સુધી રિફંડ નહોતા મેળવી શકતા તે રકમનું રિફંડ પણ આ યોજના હેઠળ મેળવી શકશે. જોકે એક્સપોર્ટ ઓરિયેન્ટેડ યુનિટ્સને તથા એડવાન્સ લાઈસન્સ હોલ્ડરને આ યોજનાનો લાભ આપવામાં આવતો જ નથી. આ યોજનાનો લાભ લેવા માટે જે તે વિસ્તારના કસ્ટમ્સ કમિશનર પાસે મંજૂરી માગીને ગોદામ બનાવવા માટેની અરજી પણ કરી શકશે. બોન્ડેડ વેર હાઉસમાં મેન્યુફેક્ચરિંગ અને અન્ય કાર્યવાહીઓ કરવાની પણ છૂટ મેળવવા માટે પણ અરજી કરી શકાશે.