કોરોનાની અસર ઉતરી નથી, હજુ લોકો લોન લઇ નિર્વાહ ચલાવી રહ્યા છે
કોરોનાના સમયમાં લોકોની આવક અને રોજગારી બન્ને ઉપર અસર પડી છે. બેરોજગારી કેટલી વધી છે તેના અંગે સરકારી કોઈ આંકડા નથી પણ સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ) દર મહીને જણાવે છે કે દેશમાં લાખો લોકો બેરોજગારીમાં જીવી રહ્યા છે. આ બેરોજગારી અને આવક ઉપર પડેલા ફટકાની અસર સીધી જોઈ શકાય છે કે લોકો વધુને વધુ સોનું ગિરવે મૂકી કે પર્સનલ લોન લઇ જીવન ગુજરાન ચલાવવા મજબૂર થયા છે.
બેંકો અને નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસી)ના આંકડાઓ ઉપરથી સ્પષ્ટ છે કે ચાલુ વર્ષે, એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે લોકોએ સોના સામે રૂ.૮૨,૪૫૬ કરોડની લોન લીધી છે જે આગળના વર્ષ (જયારે મહામારી શરૂ થઇ હતી ૨૦૨૦-૨૧)ના સમગ્ર વર્ષના રૂ.૯૭,૫૪૦ કરતા ઓછી છે પણ આ વર્ષના આંકડામાં હજુ ત્રણ મહિનાની વિગતો બાકી છે. આ વર્ષે એનબીએફસી પાસેથી લોકોએ સોનું કે ઘરેણા ગિરવે મૂકી, નવ મહિનામાં રૂ.૭૨,૪૩૪ કરોડની લોન મેળવી છે.
આ સિવાય, પર્સનલ લોન એટલે કે આવકના પુરાવા આપી રોકડ ઉપાડ આપતી લોનનું પ્રમાણ પણ વધ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ રૂ.૧,૫૭,૦૫૮ કરોડની કુલ લોન સામે એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૧ના નવ મહિનામાં લોકો રૂ..૧,૯૪,,૭૮૭ કરોડની લોન મેળવી છે.
એવી ચીજો કે જેમાં ખરીદી થાય છે અને તેનાથી માંગમાં વૃદ્ધિ જોવા મળે – કન્ઝયુમર ગુડ્સ, હાઉસિંગ કે વાહનો ખરીદવા માટે – એવી લોનના પ્રમાણમાં આગળના વર્ષ કરતા ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે લોકો ખરીદી કરવા માટે નહી પણ પોતાનું ગુજરાન ચાલુ રાખવા માટે લોન લેવા મજબૂર બન્યા છે એમ કહી શકાય. વર્ષ ૨૦૨૦-૨૧માં વાહનો માટેની લોન રૂ.૫૯,૫૫૨ કરોડ હતી જે આ વર્ષે ઘટી રૂ.૪૭,૬૮૬ કરોડ થઇ છે. હાઉસિંગ માટેની લોન રૂ.૩,૨૯,૮૮૧ કરોડ સામે ઘટી રૂ.૨,૩૭,૮૨૬ કરોડ થઇ છે. જોકે, કન્ઝયુમર ગુડ્સ ખરીદવા માટેની લોન ગત વર્ષના રૂ. ૪૧,૫૨૪ કરોડથી વધી આ વર્ષે નવ મહિનામાં રૂ.૫૦,૩૪૬ કરોડ થઇ છે.
શમ્ખભ તરફથી લોન વધી
સૌથી મહત્વની વાત આંકડાઓ ઉપરથી સામે આવી રહી છે કે વ્યક્તિગત લોનમાં એનબીએફસીનો હિસ્સો સતત વધી રહ્યો છે અને બેંકનો હિસ્સો ઓછો છે. આ વાતનો મતલબ છે કે એનબીએફસી જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી તાત્કાલિક લોન આપી રહી છે, પેપર લેસ લોન આપી રહી છે અને બાય નાઉ પે લેટર લોકપ્રિય થઇ રહ્યું છે તે જોવા મળે છે. બેંકો કરતા એનબીએફસી ઊંચું વ્યાજ વસૂલતી હોવા છતાં તેનો હિસ્સો વધારે છે. બીજી તરફ, દેશમાં વ્યાજના દર વિક્રમી રીતે નીચા હોવા છતાં બેંકોની જટિલ પ્રક્રિયાના કારણે ગ્રાહકો તેનો લાભ ઉઠાવી શકતા નથી.
હિસ્સાના દ્રષ્ટિએ એનબીએફસી ગોલ્ડ લોનમાં ૮૦ ટકા, હાઉસિંગમાં ૭૫ ટકા, કન્ઝયુમર ડયુરેબલ લોનમાં ૯૫ ટકા અને ઓટો લોનમાં ૭૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. માત્ર રોકડ ઉપાડની લોન એવી છે જેમાં બેંકો પાસે હિસ્સો વધારે છે. એનું કારણ બેંકોમાં સેલેરી એકાઉન્ટ હોવાની સરળતા પણ હોય શકે છે.
નાના રાજ્યોમાં લોન વૃદ્ધિ ઝડપી છે
એનબીએફસી કંપનીઓની સંસ્થા ફાઈનાન્સ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એફઆઈડીસી)ના આંકડાઓ અનુસાર ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી જેવા દેશના અર્થતંત્રમાં મોટો હિસ્સો ધરાવતા રાજ્યોમાં ડિસેમ્બર ૨૦૨૧ ક્વાર્ટરમાં વર્ષ ૨૦૨૦ કરતા ધિરાણ ઘટયું છે. એટલે કે ગત વર્ષે જેટલી લોન મંજુર થઇ હતી તેના કરતા તેમાં ઘટાડો જોવા મળ્યો છે. સામે, લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઓરિસ્સા, ગોવા, જેવા રાજ્યોમાં ધિરાણ વૃદ્ધિ ૧૫ થી ૨૦ ટકા વધી છે. આ રાજ્યોમાં આર્થિક પ્રવૃત્તિ અન્ય રાજ્યો કરતા ઓછી હોય, આવકનું ઉપાર્જન ઓછું થતું હોય ત્યારે તેમાં ધિરાણ વધી શકે એવું પણ તારણ નીકળી શકે. મોટા રાજ્યોમાં તમિલનાડુ, કેરળ અને રાજસ્થાનમાં લોન વૃદ્ધિનો દર પાંચથી સાત ટકા જેટલો જોવા મળ્યો છે.
વ્યક્તિગત લોન લઇ લોકો નિર્વાહ કરી રહ્યા છે
રૂ. કરોડ | ઓટો | કન્ઝયુમર | હાઉસિંગ | પર્સનલ | ગોલ્ડ |
૨૦૧૯-૨૦ | |||||
NBFC | ૫૮,૫૨૩ | ૬૦,૯૨૨ | ૧,૮૬,૯૬૩ | ૮૩,૪૩૦ | ૪૬,૨૭૮ |
બેંકો | ૧૮,૪૬૩ | ૩,૫૧૩ | ૧,૪૯,૩૩૩ | ૧,૦૩,૦૫૧ | ૮,૫૫૩ |
૨૦૨૦-૨૧ | |||||
NBFC | ૪૧,૫૩૦ | ૪૩,૦૯૭ | ૨,૦૬,૯૬૦ | ૫૫,૯૮૫ | ૭૦,૧૪૨ |
બેંકો | ૧૮,૦૨૨ | -૧૫૩૭ | ૧,૨૨,૯૨૧ | ૧,૦૧,૦૭૩ | ૨૭,૩૯૮ |
૨૦૨૧-૨૨ (એપ્રિલથી ડિસેમ્બર) | |||||
NBFC | ૩૭,૯૦૭ | ૪૬,૦૪૩ | ૧,૭૬,૪૭૮ | ૬૭,૩૫૭ | ૭૨,૪૩૪ |
બેંકો | ૯,૭૭૯ | ૪,૩૦૩ | ૬૧,૩૪૮ | ૧,૨૭,૪૩૦ | ૧૦,૦૨૨ |