ક્રૂડમાં ઈરાન તથા વેનેન્ઝુએલાથી સપ્લાયમાં વધારો થવાની આશાએ તેજીને બ્રેક…
– ક્રૂડના ઉત્પાદક દેશના સંગઠન ઓપેકની જેમ હવે વપરાશકર્તા દેશોેનું પણ સંગઠન બનાવવા શરૂ થયેલી ચર્ચા!
ક્રૂ ડતેલના ભાવમાં તાજેતરમાં ટૂંકા ગાળામાં જોવા મળેલી અભૂતપૂર્વ ઉછળકુદના પગલે વિશ્વ બજારના પીઢ તથા મોટા-મોટા ખેલાડીઓ તેમ જ ફંડ મેનેજરો સ્તબ્ધ બની ગયા છે. રશિયા તથા યુક્રેન વચ્ચેના વોરની અસર ક્રૂડ બજાર પર નોંધપાત્ર જોવા મળી છે. જો કે આ વોર પૂર્વે પણ ક્રૂડતેલ બજારમાં વૈશ્વિક સ્તરે ભાવ ઉંચકાતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ તાજેતરમાં વોર ઈફેકટના પગલે આવી તેજીને વેગ મળી ગયો હોવાનું વિશ્વ બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલની નિકાસના સંદર્ભમાં સાઉદી અરેબિયા પછી બીજા ક્રમાંકે રશિયા આવે છે તથા વોરના પગલે વિશ્વ બજારમાં રશિયાથી આવતો પુરવઠો ખોરવાઈ જતાં બજારમાં એક તબક્કે સ્પ્રિંગ જેવો ભાવ ઉછાળો જોવા મળ્યો હતો. આવા માહોલમાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના બ્રેન્ટના ભાવ ઝડપી ઉછળી બેરલના ૧૩૯થી ૧૪૦ ડોલર સુધી પહોંચી જતાં બજાર જાણે નવો રેકોર્ડ બનાવવા ધસી ગઈ હતી.
ક્રૂડના ભાવ ઉછળી ૧૪ વર્ષની ટોચે પહોંચી ગયા હતા. જો કે આ પૂર્વે ૨૦૦૮માં ક્રૂડતેલના ભાવ ઉછળી ૧૪૫ ડોલર ઉપર ચાલ્યા ગયા હતા એ ઓલ ટાઈમ ટોચ મનાઈ હતી અને તાજેતરની તેજીમાં જો કે બજાર એ રેકોર્ડ ટોચને હજી આંબી શકી ન હતી પરંતુ વિશ્વના વિવિધ તજજ્ઞાો એવી આગાહી કરતા થઈ ગયા છે કે ક્રૂડતેલના ભાવ આગળ ઉપર વધઘટે ૧૫૦થી ૨૦૦ ડોલર સુધી જતા રહે તો નવાઈ નહીં! વોરના પગલે રશિયાથી ક્રૂડ ઓઈલની આયાત કરવી નહિં એવું અમેરિકા તથા બ્રિટને નક્કી કર્યું છે. રશિયાના વિકલ્પ તરીકે હવે આ દેશો સાઉદી અરેબિયા તથા યુનાઈટેડ આરબ અમીરાત તરફ નજર દોડાવી રહ્યા છે. જો અમેરિકા યમનને સપોર્ટ કરવાનું બંધ કરે તો સાઉદી અરેબિયા તથા યુનાઈટેડ આરબ અમીરત અમેરિકાને ક્રૂડની સપ્લાયમાં સપોર્ટ આપવા તૈયાર હોવાના વાવડ પણ તાજેતરમાં વહેતા થયા છે.
ક્રૂડના ભાવ ઉછળતાં અમેરિકામાં પણ ઓઈલ રીગ્સની સંખ્યા વધવાની તથા તેના પગલે ઉત્પાદન વધવાની આશા જાણકારો બતાવી રહ્યા છે. જો કે અમેરિકામાં હવે સરકાર ગ્રીન એનર્જીની વધુ તરફેણ કરતી થઈ ગઈ છે એ જોતાં ત્યાં હવે ઈલેક્ટ્રીક એનર્જી, સોલાર એનર્જી, ન્યુકલીયર એનર્જી, વિન્ડ એનર્જી વિ. વિવિધ પ્રકારના વૈકલ્પીક ઉર્જાના સાધનો તરફ ત્યાંની સરકાર ઢળતી થવાની શક્યતા છે. હાઈડ્રોજન એનર્જીનો નવો વિકલ્પ પણ સામે આવ્યો છે.
વૈશ્વિક સ્તરે હવે ઈલેક્ટ્રીક વાહનો (ઈવી)ની બજારનું કદ ઉત્તરોત્તર વધી રહ્યું છે. તથા તાજેતરની વોર ઈફેકટ અને તેના પગલે ક્રૂડતેલના ભાવમાં થયેલા ભડકાના પગલે હવે ઈલેક્ટ્રીક વાહનોની બજારને વિકાસની નવી તકો વેગથી મળવાની શક્યતા પણ ઊભી થઈ છે આ જોતાં આગામી વર્ષોમાં હવે વૈશ્વિક સ્તરે ક્રૂડતેલનું મહત્ત્વ ઘટી જવાની તથા ક્રૂડતેલ પર આધાર ઓછો થઈ જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.
વોરના પગલે બ્રેન્ટક્રૂડના ભાવ વધી ઉંચામાં ૧૩૯થી ૧૪૦ ડોલર સુધી ગયા પછી તેજીના વળતા પાણી જોવા મળ્યા છે તથા ત્યારબાદ ભાવ ઝડપી નીચા ઉતરતાં બુધવારે વિશ્વ બજારમાં ભાવ ૧૨થી ૧૩ ટકા તૂટી જતાં એક દિવસીય ભાવમાં આવા કડાકામાં બે વર્ષનો રેકોર્ડ પણ તૂટી ગયાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં ઈરાન તથા વેનેન્ઝૂએલાથી સપ્લાય વધવાની શક્યતા પણ વિશ્વ બજારમાં ચર્ચાતી થઈ છ.ે બ્રેન્ટક્રૂડના ભાવ ૧૩૯થી ૧૪૦ ડોલરની ૧૪ વર્ષની ટોચ પરથી ઝડપી ગબડી તાજેતરમાં નીચામાં ૧૦૫થી ૧૦૬ ડોલર સુધી ઉતરી ફરી વધી ૧૧૭થી ૧૧૮ ડો લર સુધી પહોંચ્યા હતા. આમ ભાવમાં ઉછળ કુદ વ્યાપક બની છે.
ત્યારે હવે અમેરિકામાં ૨૦૧૮ પછી પ્રથમ વખત વ્યાજના દરમાં ટૂંકમાં વધારો થવાના સંકેતો પણ મળ્યા છે. ક્રૂડના ઉત્પાદક દેશોએ બનાવેલા સંગઠનને ઓપેકના નામે ઓળખવામાં આવે છે અને આ ઓપેકમાં સાથી દેશોમાં રશિયાનો પણ સમાવેશ થયો છે. ક્રૂડના ઉત્પાદક દેશોએ બનાવેલા સંગઠન જેવું જ સંગઠન ક્રૂડતેલના વપરાશકર્તા દેશો કેમ ના બનાવી શકે? એવો પ્રશ્ન પણ હવે વિશ્વ બજારમાં પૂછાતો થયો છે. ક્રૂડના વપરાશકર્તા દેશોનું પણ સંગટન બનાવવાનો વિચાર ભારતના ભૂતપૂર્વ ઓઈલ સેક્રેટરીએ વહેતો મૂક્યો છે.
એક બાજુ યુરોપના દેશો રશિયાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ યુરોપના દેશોએ રશિયાથી ક્રૂડતેલની આયાત પણ ચાલુ રાખતાં આશ્ચર્યની લાગણી જન્મી છે. ક્રૂડમાં હવે ઈથેનોલ તથા ખાદ્યતેલો (બાયોફયુઅલ)નું બ્લેન્ડીંગ વધવાની શક્યતા પણ વધી છે. ક્રૂડતેલ ઉછળતાં તેના પગલે તાજેતરમાં વિશ્વ બજારમાં પામતેલ તથા સોયાતેલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ઓપેકના દેશો ઉત્પાદન વધારવાની જાહેરાત કરે છે વિવિધ દેશોએ પોતાના વ્યુહાત્મક સ્ટોકમાંથી આશરે ૬૦૦ લાખ બેરલ્સ ક્રૂડનો જથ્થો રિલીઝ કરવાનો પણ નિર્ણય કર્યો છે. તથા આવો વધુ જથ્થો રિલીઝ કરવાના સંકેતો પણ આપ્યા છે.