ખાદ્યતેલોના ભાવમાં રેકોર્ડ તેજીઃ રશિયા-યુક્રેન વિખવાદ વચ્ચે વિશ્વ બજારમાં પણ આગેકૂચ
– વૈશ્વિક તેજી તથા ઘરઆંગણે રૂપિયો નબળો પડતાં ખાદ્યતેલોની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈઃ ક્રૂડની તેજીની અસર પણ ખાદ્યતેલોમાં જોવા મળી
દેશમાં ંતેલ-તેલીબીયાં બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં પ્રવાહો ઝડપથી પલ્ટાતા જોવા મળ્યા છે. આ પૂર્વે ઘરઆંગણે માગ કરતા સ્થાનિક પુરવઠો ઓછો રહેતાં દરિયાપારથી આવતા ખાદ્યતેલો પર આધાર વધ્યો હતો. જો કે ત્યાર પછી સરકારે આયાત પર આવો આધાર ઘટાડવા તથા દેશમાં ઉત્પાદન વધારવા માટે વિવિધ પ્રયત્નો શરૂ કર્યા છે. ઘરઆંગણે પામતેલનું ઉત્પાદન વધારવા મોટી યોજના બનાવવામાં આવી છે. જો કે સરકારના આવા પગલા હવે પછી કેટલા કારગત નિવડે છે એ તો આવનારો સમય જ કહેશે પરંતુ એ દરમિયાનતાજેતરમાં રશિયા તથા યુક્રેન વચ્ચે યુદ્ધ તથા વિવિધ અન્ય કારણોસર દેશમાં ખાદ્યતેલોના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી આવતાં તેલીબીંયા ઉગાડતા ખેડૂતોને અપેક્ષા કરતા ઊંચા ભાવ મળતા થયા છે અને આના પગલે આગળ ઉપર તેલીબીયાંનું ઉત્પાદન ઊંચું જવાની શક્યતા સર્જાઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, રશિયા-યુક્રેન વચ્ચેના વિવાદના પગલે ભારતમાં તથા વિશ્વના વિવિધ દેશોમાં સનફલાવર તેલનો પુરવઠો ખોરવાઈ ગયાના વાવડ મળ્યા છે. વૈશ્વિક સ્તરે સનફલાવરનું ઉત્પાદન વિશેષરૂપે યુક્રેન તથા રશિયામાં થાય છે અને વિશ્વ બજારમાં સનફલાવર તેલનો મોટાભાગનો પુરવટો આ બે દેશોમાંથી આવતો હોય છે. જોકે આ બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ થતાં વિશ્વ બજારમાં આ બે દેશોમાંથી આવતો સનફલાવરનો પુરવઠો રુંધાતાં અન્ય ખાદ્યતેલો પર માગનું દબાણ વધ્યાના સમાચાર મળ્યા છે. આના પગલે વિશ્વ બજારમાં પામતેલ, સોયાતેલ સહિતના વિવિધ ખાદ્યતેલોમાં રેકોર્ડ તેજી આવ્યાના સમાચાર મળ્યા છે. વિશ્વ બજારમાં ભાવ વધી વિક્રમ ટોચે પહોંચ્યા છે. મલેશિયામાં પામતેલના ભાવ વધી ૭૦૦૦ રિંગીટ (મલેશિયન કરન્સી)ના મથાળે પહોંચી ગયા છે. અમેરિકા, આર્જેન્ટીના તથા બ્રાઝીલમાં સોયાબીન તથા સોયાતેલના ભાવ ઉછળતા જોવા મળ્યા છે.
વિશ્વ બજાર આસમાને પહોંચતા ઘરઆંગણે આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ કોસ્ટ આયાત પડતર ઝડપથી ઊંચી ગઈ છે અને તેના પગલે દેશના ખાદ્યતેલોના બજારોમાં તોફાની તેજી જોવા મળી છે. અધુરામાં પુરૂં કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાતાં તેના પગલે પણ દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ પડતર વધી ગઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. સરકારે આયાતી ખાદ્યતેલોની ઈંમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુ પણ વધારી છે. આયાતકરો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જ દર પણ વધ્યા છે. આમ ખાદ્યતેલોની બજારોમાં રેકોર્ડ બ્રેક તેજી માટે વિવિધ કારણો બજારોનો રોજેરોજ મળતા થયા છે. જો કે બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ખાદ્યતેલોમાં ભાવ ઉછળતા નવી માગ પણ ધીમી પડી છે. દરમિયાન, કોરોના તથા લોકડાઉનના પડકારો શમતા તથા હવે દેશમાં વિવિધ શહેરોમાં રિઓપનિંગની પ્રક્રિયા શરૂ થતાં તથા હોટલ્સ, રેસ્ટોરન્ટો તથા જાહેર સમારંભો ફરી શરૂ થતાં તેના પગલે બલ્ક વપરાશકારો, બલ્ક બાયરો ખાદ્યતેલોની બજારમાં ફરી દાખલ થતા જોવા મળ્યા છે. આની અસર પણ બજાર ભાવ પર પોઝીટીવ જોવા મળી છે. આયાતી ખાદ્યતેલો પાછળ ઘરઆંગણે સિંગતેલ, કપાસિયા તેલ, મસ્ટર્ડ રાયડો તેલ, કોપરેલ વિ. જેવાં વિવિધ દેશી ખાદ્યતેલોના ભાવમાં પણ તેજીનો ચમકારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના બજારોમાં સિંગતેલ તથા કપાસિયા તેલના ભાવ ઉંચકાયા છે. કપાસ તથા રૂમાં આ વર્ષે પાક અપેક્ષાથી ઓછો થતાં હાજર માલની અછત વચ્ચે ઘરઆંગણે રૂની આયાત વધારવા માગ શરૂ થઈ છે ત્યારે દેશના બજારોમાં કપાસ, રૂ, કપાસિયા તથા કપાસિયા તેલના ભાવમાં રેકોર્ડ ઉછાળો તાજેતરમાં જોવા મળ્યો છે. ઈન્ડોનેશિયા દ્વારા પામતેલની નિકાસ પર વિવિધ અંકુશો તાજેતરમાં લાદવામાં આવતાં મલેશિયાના પામતેલ બજારમાં માગ વધતા ભાવ તીવ્ર ગતિએ ઉછળતા જોવા મળ્યા છે.
ઘરઆંગણે ખાદ્યતેલોના ભાવ ઉછળતાં તથા ફુગાવો વધતાં સરકાર ચિંતીત બની છે. તાજેતરમાં સ્ટોક મર્યાદા લાદવા કેન્દ્ર સરકારે રાજ્યોને અપીલ કરી છે. આયાત જકાતમાં પણ ઘટાડો કરાયો છે. જો કે દેશમાં આયાત જકાત ઘટાડવામાં આવે છે ત્યારે વિશ્વ બજારમાં ભાવ વધી જતા હોય છે . હકીકતમાં આયાત જકાત ઘટાડવાને બદલે સરકારે જીએસટીમાં રાહત આપવી જરૂરી હોવાનો અભિપ્રાય બજારના જાણકારો બતાવી રહ્યા છે. ભારતે ઈન્ડોનેશિયાને પામતેલનો પુરવઠો વધારવા વિનંતી કરી છે. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં તેની અસર પણ વૈશ્વિક ખાદ્યતેલોના ભાવ પર તેજીની પડી છે. ક્રૂડતેલના ભાવ વધતાં બાયોફયુઅલમાં ખાદ્યતેલોનો વપરાશ વધતો હોય છે અને તેના પગલે પણ ખાદ્યતેલોમાં તેજી આવતી હોય છે. રશિયા-યુક્રેન વિવાદના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી નવ વર્ષની ટોચે પહોંચ્યા છે.