ખાદ્ય અને ખાતર સબસિડીમાં વધારો થવાની સંભાવના
– આ બેઉ સબસિડી વૈશ્વિક કોમોડિટીના ભાવ પર નિર્ભર છે. હાલ આ ભાવ ઊંચા છે તેથી તેમાં ઘટાડો થવાની શક્યતા જણાતી નથી
કેન્દ્રીય બજેટ ૨૦૨૨માં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ખાદ્ય અને ખાતર સબસિડીમાં જબરદસ્ત વધારો જોવા મળી શકે છે. આ ચાલુ નાણાકીય વર્ષના સુધારેલા અંદાજની નજીક હોવાની અપેક્ષા છે. વિશ્લેષકો ના મત મુજબ વૈશ્વિક કોમોડિટીની કિંમતો સતત ઊંચી રહી છે. અને સમાજનો સૌથી ગરીબ વર્ગ હજુ પણ કોવિડ-૧૯ રોગચાળાના દબાણ હેઠળ છે. ૨૦૨૧-૨૨માં ખાદ્ય અને ખાતર માટે અંદાજપત્રીય સબસિડીનો ખર્ચ અનુક્રમે રૂ.૨.૪૩ લાખ કરોડ અને રૂ.૭૯૫૩૦ કરોડ હતો.
સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કોવિડ રાહત તરીકે મફત અનાજ યોજનાની અવધિ લંબાવવાની સાથે નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે ખાદ્ય સબસિડીનો સુધારેલ અંદાજ આશરે રૂ.૩.૯ લાખ કરોડ હોઈ શકે છે.
પોટેશિયમ, નાઈટ્રોજન અને ફોસ્ફરસ- ખાતર બનાવવામાં વપરાતા કાચા માલના ભાવ વધ્યા હોવાથી કેન્દ્રએ ખાતરની સબસિડી મે મહિનામાં વધારીને રૂ.૧૪૭૭૫ કરોડ અને ઓક્ટોબરમાં રૂ.૨૮૬૬૫ કરોડ કરી હતી. આ સાથે વર્ષ માટે સુધારેલ સબસિડી ખર્ચ રૂ.૧.૨૩ લાખ કરોડ રહ્યો હતો.
ખાદ્ય અને ખાતરની સબસિડી વૈશ્વિક કોમોડિટીના ભાવો પર નિર્ભર છે અને ભાવ ઊંચા રહેવાની શક્યતા હોવાથી તેના માટે બજેટ બનાવવું પડશે. ક્રૂડ ઓઈલના ભાવ હજુ થોડા સમય માટે ઊંચા રહેવાની ધારણા છે.
ચાલુ નાણાકીય વર્ષમાં તિજોરી માટે એક સારી બાબત ઇંધણ સબસિડી મોરચે અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવને વધુ નિયંત્રણમુક્ત કરવાની હતી. આનો અર્થ એ થયો કે જ્યારે છૂટક પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે, ત્યારે ઇંધણ સબસિડીમાં ઘટાડો થઈ શકે છે.
સૂત્રોનું કહેવું છે કે અંદાજે રૂ.૧૩૦૦૦ કરોડની અંદાજપત્રીય રકમમાંથી આ વર્ષે બહુ ઓછો ખર્ચ થયો હશે કારણકે એલપીજી સિલિન્ડરની કિંમતો તેમના બજાર દરની લગભગ નજીક હતી. જ્યારે પેટ્રોલ અને ડીઝલના કિસ્સામાં સરકાર હવે સબસિડીની રાહત આપતી નથી.
બજેટમાં ખાદ્ય સબસિડી ઘટાડી શકાતી નથી કારણકે રોગચાળાને લગતી રાહત ચાલુ રાખી શકાય છે અને જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય કિંમતો ઉંચી ન રહે ત્યાં સુધી ખાતરની સબસિડી નીચે ન આવી શકે.
સબસિડીના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને સહન કરવાનો વારો આવ્યો છે. ૨૦૨૦-૨૧ માટે ખોરાક અને ખાતરના ખર્ચમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટેના સુધારેલા અંદાજ મુજબ, ખાદ્ય સબસિડી રૂ.૪.૨૨ લાખ કરોડ હોઈ શકે છે, જે રૂ.૧.૧૫ લાખ કરોડના બજેટ અંદાજ કરતાં ઘણી વધારે છે. આ વધારાનો ખર્ચ કોવિડ-૧૯ની પ્રથમ લહેર દરમિયાન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના લગભગ ૮૦ કરોડ લાભાર્થીઓ માટે શરૂ કરાયેલ મફત અનાજ અને કઠોળ વિતરણ યોજનાને કારણે હતો.