ખોટી જગ્યાએ અપીલ દાખલ કરી હોય તો અધિકાર જતો નથી રહેતો
– વેચાણવેરો : સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ સ્ટેટ ટેક્ષ અને સેન્ટ્રલ ટેક્ષ એમ બે ભાગ છે. જેના લીધે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની કચેરી એમ બન્નેમાંથી કોઈ એક કચેરી સપ્લાયર માટે ક્ષેત્રફળ ( jurisdictional) કાર્યાલય હોય છે.GST કાયદા હેઠળ અપીલ દાખલ કરવા માટે કયા અધિકારીને અપીલ ના દસ્તાવેજ મોકલી આપવા તે બાબતે મૂંઝવણ રહેવાની. આવી અવ-ઢવના કારણે ઘણી વખત સપ્લાયરનો અપીલ કરવાનો અધિકાર છીનવી લેવાતો હોય છે. આ બાબતે ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા મેં ટ્રોપિકલ બેવરેજીઝ પ્રા.લી.ના કેસમાં (૨૦૨૨(૧)TMI 697- Tripura High Court) ખૂબ જ રસપ્રદ ચૂકાદો આપ્યો છે જેની આજના લેખમાં ચર્ચા કરી છે. એક રાજ્ય એક વેરો એવો સિધ્ધાન્ત ધ્યાને રાખીને આ ચૂકાદો સર્વેને બંધન કરતા થાય.
કેસની હકીકત
અરજદાર દ્વારા GST પોર્ટલ ઉપર અપીલ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ અસલ દસ્તાવેજ અને અપીલના કાગળ અરજદાર દ્વારા સ્ટેટ ટેક્ષ અધિકારીની કચેરીમાં દાખલ કરવામાં આવ્યા હતા. આના લીધે અપીલની ફાઈનલ પહોંચ આપવામાં આવી ન હતી અને અરજદારને તમામ અસલ દસ્તાવેજ પરત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અરજદારે સેન્ટ્રલ ટેક્ષ અધિકારીને અસલ દસ્તાવેજ આપવામાં આવેલ જે સ્વીકારવામાં આવ્યા ન હતા. તદ્દ ઉપરાંત અરજદાર દ્વારા રાજ્યના પોર્ટલ ઉપર અપીલ દાખલ કરવાના બદલે કેન્દ્રના પોર્ટલ ઉપર અપીલ દાખલ કરી હતી. જ્યારે અધિકારીએ પોર્ટલ ઉપર તપાસ કરી ફાઈનલ પહોંચ આપવા માટે ત્યારે રાજ્યના અધિકારીને અપીલ ન દેખાઈ માટે કાગળ પરત કર્યા. જ્યારે અપીલ સ્વીકારવામાં ન આવી ત્યારે અરજદારે વડી અદાલત સમક્ષ રીટ દાખલ કરી.
વડી અદાલતનો ચૂકાદો
ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા એમ નોંધ્યુ કે અરજદાર દ્વારા ખોટા પોર્ટલ ઉપર અપીલ દાખલ થઈ ગઈ હતી. એવું દેખાય છે અરજદારને ખબર નથી કે તેણે સેન્ટરના પોર્ટલના બદલે રાજ્યના પોર્ટલ ઉપર અપીલ દાખલ કરી છે. કેસના ગુણદોષમાં જયા વગર માન.વડી અદાલતે એમ ઠરાવ્યું કે :
૧) અરજદાર નવેસરથી અપીલ ઓનલાઈન સ્ટેટ પોર્ટલ ઉપર દાખલ કરશે.
૨) ખોટા ફોરમ ઉપર અપીલ દાખલ કરવાથી અપીલ દાખલ કરવાનો વિલંબ માફ કરવામાં આવશે.
૩) જો અધિકારીના ધ્યાનમાં આવે છે કે કોઈ વ્યક્તિથી અપીલ ખોટી જગ્યાએ દાખલ થઈ ગઈ છે તેવા કિસ્સામાં તેમની ફરજ છે કે અરજદારને તેની જાણ કરે કારણકે આ GST કાયદા હેઠળની સુવિધાઓ નવી છે અને તેનો સુધારો કરવામાં સમય ખૂબ જશે. આમ, અરજદારનો અધિકાર સચવાયો અને ન્યાય મળ્યો.