છેલ્લા ત્રણ મહિનામાં અર્થતંત્ર ઉપર પડેલો રૂ.54,963 કરોડનો આયાત ખર્ચનો બોજો
– ક્રૂડ ઓઈલના ઊંચા ભાવથી અર્થતંત્ર, ગ્રાહકો અને સરકાર બધા ઉપર બોજ વધશે
– ભાવ વધવાથી ગ્રાહકોના ખિસ્સાના રૂ.1.60 લાખ કરોડ હળવા થશે
ક્રૂ ડ ઓઈલના ઊંચા ભાવનો એક મોટો ફટકો ભારત ઉપર પડવાનો છે. જેપી મોર્ગન ઇન્ડિયાના રીસર્ચ અનુસાર ક્રૂડ ઓઈલનો ભાવ ૧૦ ડોલર વધે તો દેશની જીડીપીના ૦.૪ ટકા રકમ માત્ર ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ પાછળ દેશની બહાર જતી રહે તેની અસર દેશના આર્થિક વિકાસ, ગ્રાહકોની ખરીદશક્તિ, કંપનીઓની કમાણી અને કેન્દ્ર સરકારની નાણાકીય સ્થિતિ ઉપર પણ પડી શકે છે. ગ્રાહકો ઉપર રૂ.૧.૬૦ લાખ કરોડનો બોજ પડશે એવો અંદાજ કોટક ઇન્સ્ટીટયુશનલ રીસર્ચનો છે. જેપી મોર્ગનના અંદાજને સાચો માનીએ તો રૂ. ૫૪,૯૬૩ કરોડનો બોજ દેશના અર્થતંત્ર ઉપર છેલ્લા ત્રણ મહિનામાં આવી પડયો છે!
ક્રૂડ ઓઈલના ઊંચા ભાવની અસરથી કોઇપણ ક્ષેત્ર બાકાત રહી શકે એમ નથી. તેના રીફાઇનીંગથી પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ, પેટ્રો કેમિકલ્સ, જેટ ફ્યુઅલ, કેરોસીન સહીત અનેક ચીજો બને છે. મોટાભાગની ચીજોનો ઉપયોગ મુસાફર કે માલ પરિવહન માટે થાય છે. ક્રૂડના ભાવ વધે એટલે પરિવહન મોંઘુ થાય છે અને તેની અસર સીધી પ્રજાના ગ્રાહક વપરાશ ઉપર પડે છે. બીજી તરફ, આયાત માટે વધતો ખર્ચ ભારત દેશ માટે ખર્ચ છે, તેનાથી અર્થતંત્રને સીધો ઉત્પાદનમાં કોઈ ફાયદો થતો નથી એટલે દેશના અર્થતંત્ર ઉપર તે બોજ ગણવામાં આવે છે.
તા.૨ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ ઉપર એક્સાઈઝ ડયુટીમાં ઘટાડો કરી ભારતની પ્રજાને વિક્રમી ઇંધણના ભાવમાં રાહત આપી હતી. આ પછી ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે પણ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણીના કારણે પેટ્રોલ, ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. ચુંટણીઓ પૂર્ણ થઇ ગઈ છે, પરિણામ આવી ગયા છે એટલે આગામી દિવસોમાં તેમાં વૃદ્ધિ થાય એવી શક્યતા છે.
વર્તમાન સપ્તાહમાં બ્રેન્ટ વેરાઈટીના ક્રૂડ ઓઈલનો વાયદો ૧૩૫ ડોલર પ્રતિ બેરલની સપાટી ઉપર અને અમેરિકન વેસ્ટર્ન ટેક્સાસ વેરાઈટી ૧૩૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા. જોકે, ભારતમાં ઇંધણના ભાવ નક્કી કરવા માટે ઇન્ડીયન બાસ્કેટ ઓફ ક્રૂડ ઓઈલ ગણવામાં આવે છે. ઇન્ડિયન બાસ્કેટ ઓફ ક્રૂડ ઓઈલમાં ઓમાન અને દુબઈ ગ્રેડના ક્રૂડ ઓઈલનું પ્રમાણ ૬૮.૨ ટકા અને બાકીના ૩૧.૮ ટકા બ્રેન્ટ ક્ડ ઓઈલની સરેરાશ કરી ગણવામાં આવે છે. એટલે ક્રૂડના વાયદા કરતા ભારતના બાસ્કેટના ભાવ અલગ હોય છે.
ઊંચા ભાવના કારણે આયાત 51 ટકા વધી
ક્રૂડના કારણે દેશની આયાત વધી રહી છે. દેશમાં વર્ષે સરેરાશ ૧૪૦ કરોડ બેરલ ક્રૂડ ઓઈલની આયાત થાય છે. ડિસેમ્બર ૨૦૨૧થી ફેબ્રુઆરી ૨૦૨૨ વચ્ચે ભારતે કુલ ૪૨.૩ અબજ ડોલરના ક્રૂડની આયાત કરી હતી. આ આયાત ડિસેમ્બર ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૧ની ૨૮.૦૮ અબજ ડોલરની આયાત કરતા ૫૧ ટકા વધારે છે!
અબજ ડોલર | આ વર્ષે | ગત વર્ષે |
| આયાત | આયાત |
ડિસે. ૨૦૨૧ | ૧૫.૯૦૪ | ૯.૬૨૯ |
જાન્યુ. ૨૦૨૨ | ૧૧.૪૩૧ | ૯.૪૨૪ |
ફેબ્રુ. ૨૦૨૨ | ૧૫.૦૪૨ | ૯.૦૩૧ |
કુલ | ૪૨.૩૭ | ૨૮.૦૮ |
છેલ્લા ભાવ ફરક પછી ક્રૂડ ૪૪.૭૯ ડોલર વધ્યું
નવેમ્બર મહિનામાં ઇન્ડિયન બાસ્કેટનો સરેરાશ ભાવ ૮૩.૪૫ ડોલર પ્રતિ બેરલ હતો જે તા.૯ માર્ચના રોજ વધી ૧૨૮.૨૪ ડોલર પ્રતિ બેરલ થઇ ગયો છે. આ ૪૪.૭૯ ડોલર કે ૫૬.૬૭ ટકાના વધારાની અસર હજુ ભારતીયો ઉપર પડી જ નથી. માર્ચ મહિનામાં આવેલા ક્રૂડ ઓઈલના ઉછાળા માટે યુક્રેન ઉપર રશિયાની ચઢાઈ સૌથી મોટું કારણ માનવામાં આવે છે. એટલે માર્ચ મહિનાની ભાવ સપાટી ગણીએ નહી તો પણ ડિસેમ્બર સામે ફેબ્રુઆરીમાં ભાવ ૨૩.૨૫ ડોલર વધી ગયા છે.
માસ | ઇન્ડિયન ડોલર પ્રતિ બેરલ |
ડિસેમ્બર | ૮૩.૪૫ |
જાન્યુઆરી | ૯૭.૦૯ |
ફેબ્રુઆરી | ૧૦૮.૭ |
તા. ૯ માર્ચના | ૧૨૮.૨૪ |
ઊંચા ભાવથી દેશ ઉપર રૂ.54,963 કરોડનો બોજ
ડિસેમ્બર મહિના પછી ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે અને તેમાં ફેબ્રુઆરી સુધીમાં ૨૩.૨૫ ડોલરનો વધારો થયો છે. ચાલુ જેપી મોર્ગનની ધારણા અનુસાર ક્ડના ભાવમાં ૧૦ ડોલરના વધારાથી વાષક જીડીપીના ૦.૪ ટકા રકમ દેશની બહાર માત્ર ક્ડની આયાત ચુકવવા પાછળ જતી રહે છે. નાણકીય વર્ષ એટલે કે ૨૦૨૧-૨૨માં દેશની જીડીપી રૂ.૨૩૬.૪૪ લાખ કરોડ રહે તેવો અંદાજ છે એટલે સરેરાશ ડર મહિનાની જીડીપી રૂ.૧૯.૭૦ લાખ કરોડની થાય છે. જો જેપી મોર્ગનનો અંદાજ સાચો હોય અથવા તેને સાચો માની લેવામાં આવે તો ઊંચા ભાવના કારણે ભારતમાંથી રૂ.૫૪,૯૬૩ કરોડ દેશની બહાર માત્ર આયાત ખર્ચ પાછળ જતા રહ્યા છે.
ગ્રાહકો ઉપર રૂ.1.60 લાખ કરોડનો બોજ!
ક્રૂડ ઓઈલના ઊંચા ભાવના કારણે ભારતીય ગ્રાહકો ઉપર પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસના ઊંચા ભાવના કર્રને લગભગ ૨૨ અબજ ડોલર કે રૂ.૧.૬૦ લાખ કરોડનો બોજ આવી પડે એવી ચિંતા કોટક ઇન્સ્ટીટયુશનલ ઇક્વિટીએ આજે એક રિસર્ચ નોટમાં વ્યક્ત કરી છે. ભારત તેની જરૂરીયાતના ૮૦ ટકા ક્રૂડ ઓઈલ, ૫૦ ટકા રાંધણ ગેસ અને ટકા નેચરલ ગેસની આયાત કરે છે. આ દરેક ચીજોના ભાવ સતત વધી રહ્યા છે અને તેની અસર ચોક્કસ રીતે ભારતના ગ્રાહકો ઉપર પડવાની છે.
એકસાથે બધો જ વધારો કરવામાં આવે તો ભારતમાં ઇંધણના ભાવ વર્તમાન ૯૪-૯૫થી સીધા વધી રૂ.૧૩૦ પ્રતિ લીટર થઇ જશે. એટલે કોટકના મતે કેન્દ્ર સરકાર ક્રૂડ ઓઈલના ઊંચા ભાવની બધી જ અસર ગ્રાહક સુધી નહી પહોંચવા દે. કેન્દ્ર સરકાર બન્ને ઇંધણમાં રૂ.૧૦ લીટરનો ટેક્સ ઘટાડે એવી શક્યતા છે.
આ ઘટાડા પછી પણ ક્રૂડ ઓઈલના ભાવ સરેરાશ ૧૨૦ ડોલર પ્રતિ બેરલ રહે, ભારત સરકાર એક્સાઈઝ ઘટાડે તો પણ ભારતીય ઉપર ઊંચા ભાવનો બોજ આવી પાડવાનો છે. આ બોજ લગભગ રૂ.૧.૬૦ લાખ કરોડ થશે એટલે કે ૨૨ અબજ ડોલર! સરેરાશ ૧૨૦ ડોલર પ્રતિ બેરલના ક્રૂડ ઓઈલના ભાવના કારણે પેટ્રોલ વપરાશના લીધે દેશની જનતા ઉપર રૂ. ૫૨,૨૦૦ કરોડ, ડિઝલના લીધે રૂ.૨૨,૯૦૦ કરોડ અને રાંધણ ગેસના લીધે રૂ.૮૭,૫૦૦ કરોડનો બોજ ભારત ઉપર પડી શકે એવી આગાહી કોટક ઇન્સ્ટીટયુશનલ ઇક્વીટીઝ દ્વારા આજે કરવામાં આવી છે.
ઇંધણના ઊંચા ભાવથી માંગ ઘટે છે
પેટ્રોલ અને ડિઝલના ઊંચા ભાવથી માંગ ઉપર સીધી અસર થાય છે. માર્ચ ૨૦૨૦માં કેન્દ્ર સરકરે પોતાની કરની આવક જાળવી રાખવા માટે પેટ્રોલ અને ડિઝલ ઉપર એક્સાઈઝમાં જંગી વધારો કર્યો હતો. આ ભાવ વધારાના કારણે પેટ્રોલ પ્રતિ લીટર રૂ.૭૦ થી ડિસેમ્બર ૨૦૨૧માં રૂ.૧૦૫ સુધી પહોંચી ગયું હતું. ઊંચા ભાવના કારણે ટુ-વ્હીલર વાહનોની માંગ સતત ઘટી રહી છે. સામાન્ય લોકો માટે શહેરી પરિવહનનું સૌથી મહત્વનું સાધન છે. છતાં, પેટ્રોલના ઊંચા ભાવના કારણે તેની પડતર મોંઘી થઇ ગઈ છે અને ખરીદી ઘટી છે. ફેબ્રુઆરી મહિનામાં દેશમાં ટુ-વ્હીલરનું વેચાણ ગત વર્ષ કરતા ૧૦.૭ ટકા ઘટયું છે. કોરોના ત્રાટકયો એ પહેલા ૧૩ લાખ વાહનોના વેચાણ સામે આ વર્ષે વેચાણ ૨૪ ટકા ઘટી ૯.૮૩ લાખ થયું છે.