જીરામાં હોળી બાદ સીઝન ગતિમાં આવે તેવી વકીથી લાલચોળ તેજી
– કોમોડિટી કરંટ : જયવદન ગાંધી
રવિ સીઝનનો પાક બજારમાં આવતા કૃષિ બજારોમાં ધમધમાટ વધી ગયો છે. અનાજ, મસાલા, દાળો, તેલીબીયા સહિત મોટા ભાગની ચીજોમાં બજારો ઊંચી હોવાથી ખેડૂતોની આવકોમાં નોંધપાત્ર વધારો થતા મોદી સરકારનું વર્ષ ૨૦૨૨માં ખેડૂત આવકો ડબલ કરવાનું લક્ષ્યાંક મહદઅંશે પૂર્ણ થાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ઘણા મહિનાઓથી સરકાર માટે શિરદર્દ બનેલી ખાદ્ય તેલો અને દાળોની મોંઘવારીને કંટ્રોલ કરવા અથાગ પ્રયત્નો છતાં બજાર ઘટવાનું નામ લેતી નથી. સપ્ટેમ્બરથી અત્યાર સુધી સરકારે અલગ અલગ ખાદ્ય તેલોની આયાત ડયુટી ચાર- ચાર વાર ઘટાડવા છતાં તેલો મોંઘા બની રહ્યા છે. દાળોમાં પણ આ જ પરિસ્થિતિને કારણે સરકાર વધુ કડક બનીને ખાસ કરીને મગની આયાત ઉપર બ્રેક મારી ટ્રેડ પોલિસીમાંથી દૂર કરીને પ્રતિબંધિત શ્રેણીમાં સમાવેશ કર્યો છે. દશેક દિવસ અગાઉ તાત્કાલીક અસરથી લાગુ કરેલા પ્રતિબંધને કારણે એડવાન્સ સોદા કરેલા વેપારી વર્ગને નુકસાન થવાની ભીતિ છે. દાળોના એસોસીએશનના મતાનુસાર આયાત પ્રતિબંધથી અછત વધવાની સંભાવનાએ ભાવોમાં ઉછાળો થવાની શક્યતા તેજ છે. દાળોનો વપરાશ આગામી દશેક વર્ષમાં ૨૩૫ મિલિયન ટનથી વધીને ૩૫૦ મિલિયન ટન હોવાની ગણત્રીએ સરકાર ઓસ્ટ્રેલિયા તથા કેનેડાથી આયાત થતી દાળોની ડયુટી શૂન્ય કરી છે. જ્યારે અમેરિકાથી આયાત થતી દાળોની ડયુટી ૩૦ ટકાથી ઘટાડીને ૨૨ ટકા કરી છે. હાલમાં સારી ક્વોલીટીના મગના ભાવો પ્રતિ ક્વિન્ટલે ૭૨૦૦થી ૭૩૦૦ રૂપિયાની આસપાસ છે સરકારે મગના ટેકાના ભાવો ૭૨૭૫ રૂપિયા જાહેર કર્યા છે. જો કે સરકારની હાલની નીતિથી ખેડૂતોને ઉંચા ભાવો મળે તેમ છે.
વિદેશી બજારોમાં ખાદ્ય તેલોમાં તેજી હોવાની અસરથી સ્થાનિક બજારોમાં મગફળી, સોયાબીન, રાયડો, તલ જેવા તેલીબીયાના બજારો પણ ગરમી પકડી રહ્યા છે. ખાસ કરીને રાયડાને બાદ કરતા મોટા ભાગના ખાદ્યતેલોમાં બજારો ઉંચી છે. રાયડાનું ઉત્પાદન આ વર્ષે રેકોર્ડ બ્રેક થાય તેવી સ્થિતિ છે. સાથે સાથે ઘઉં તથા ચણાનું ઉત્પાદન એકાદ કરોડ ટન બમ્પર રહ તેમ છે. ઘઉંનું ઉત્પાદન બે ટકાના વધારા સાથે ૧૧ કરોડ ટનની આસપાસ અને ચણાનું ઉત્પાદન દશેક ટકાના ઉછાળા સાથે ૧.૩૦ કરોડ ટનની આસપાસ રહે તેમ છે. તેલોમાં આત્મનિર્ભર બનવા માટે સરકારે તેલીબીયાનું ઉત્પાદન આગામી પાંચ વર્ષમાં ૩.૫૦ કરોડ ટનથી વધારીને ૫.૪૦ કરોડ ટન સુધી લઈ જવા લક્ષ્યાંક રાખેલ છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ તેલીબીયાના ઉત્પાદન પ્રોત્સાહન માટે ૬૦૦ કરોડ રૂપિયા સુધી નાણાંની ફાળવણી કરી છે. અનાજનું સૌથી વધુ ઉત્પાદન કરતા પંજાબ તથા હરિયાણા ખેડૂતોને ઉપજના સારા ભાવ મળે તે માટે સરકારી ખરીદીમાં વધારો કર્યો છે. વર્ષે દહાડે લગભગ બારેક કરોડ ટન જેટલું અનાજ ખરીદી કરીને દોઢેક કરોડ જેટલા ખેડૂતોને લાભ આપવાનો સરકારે લક્ષ્યાંક રાખ્યો છે.
તેલીબીયામાં રાયડામાં મિલરોની માંગ વધવાની સામે હાલમાં બજારોમાં આવકોનું પ્રેશર નહિ હોવાથી ભાવો ઉછળીને ૮૨૦૦ ઉપર ગયા છે. એરંડાનું ગત વર્ષે ૧૩.૪૫ લાખ ટનના ઉત્પાદનની સામે આ વર્ષે ઘટાડો થઈ ૧૩ લાખ ટન જેટલું થવાના અનુમાનની સાથે સાથે છેલ્લા ત્રણેક મહિનાથી એરંડિયાની નિકાસ પણ ૧૬ ટકા ઓછી થતાં એરંડા વાયદો ઉછળીને ૭૦૦૦ની સપાટી કુદાવી છે. આ જ સ્થિતિ રહે તો એરંડા વાયદો આગામી સમયમાં ૭૩૦૦થી ૭૫૦૦ સુધી ઉંચો થાય તેવી સંભાવના તેજ છે. સોયાબીન ઉત્પાદિત બ્રાઝિલ તથા આર્જેન્ટિનામાં આ વર્ષે ઓછું ઉત્પાદન હોવાથી વિદેશી બજારો ગરમી પકડતા સોયાબીન વાયદો પણ ઉછળીને ૭૦૦૦ની પાર થયો છે. હાલમાં રશિયા તથા યુક્રેનના રાજકીય સંકેતોની અસર પણ ખાદ્યતેલો ઉપર પડતા તેજી વધી છે. સોયાબીનના સ્થાનિક બજારોમાં પણ ખેડૂતોને ૬૭૦૦થી ઉપર આકર્ષક ભાવો મળી રહ્યા છે. જો હજુ પણ તેજી સોયાબીનમાં આગળ વધીને ૭૫૦૦ સુધી ઉંચે જઈ શકે તેમ છે.
દરમ્યાન મસાલા બજારમાં સૌથી વધુ ગરમી જીરામાં આજકાલ જોવા મળી રહી છે. જીરા વાયદો ૨૨૦૦૦ સુધી રેકોર્ડ સ્તરે આવી જતા દોઢેક મહિનામાં ૩૦ ટકાનો વધારો થઈ ચૂક્યો છે. જીરાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થવાની ગણત્રીએ જીરાના હાજરમાં પણ ફંડામેન્ટલ સપોર્ટને કારણે વાયદા બજાર વન-વે ઉંચે આગળ વધતા સટ્ટાકીય માહોલ મજબૂત બન્યો છે. જીરાની આવકો પૂરજોશમાં હોળી બાદ શરૂ થાય તેવી સંભાવના છે.
હાલમાં જીરાની ૧૦૦૦થી ૧૫૦૦ બોરી નવા માલ આવકો છે. ગત સીઝનમાં જીરાના સારો નહિ મળતા ખેડૂતોની રૂચિ ઓછી થતાં વાવેતરમા ઘટાડો ઉપરાંત માવઠાઓ જેવા પરિબળોને કારણે બગાડના કિસ્સાથી ઉત્પાદન ઓછું થવાની શક્યતાઓને પગલે જીરામાં તેજી સતત આગળ વધતાં જીરા બજાર લાલચોળ સ્વરૂપ પકડી રહ્યું છે.
બીજી તરફ કન્ટેનરોની અછતને કારણે તેમજ ભાડામાં પાંચ ગણો વધારો થતાં નિકાસી કામકાજ ઉપર અસર પડતા લેવાલીની ઉણપ છે. જો કે સ્ટોકિસ્ટોની લેવાલી રહેતા પંદરેક દિવસમાં જીરાના ભાવો પ્રતિ મણે ૬૦૦થી ૭૦૦નો ઉછાળો થતા સરેરાશ બજાર ૩૮૦૦થી ૪૧૦૦ની ઉંચી રેન્જમાં છે. જીરાનો જૂનો સ્ટોક ૧૮થી ૨૦ લાખ બોરીની સામે નવું ઉત્પાદન ૫૦ લાખ બોરીથી નીચે રહેવાની ગણત્રીએ બજારમાં ટોન મજબૂત બની રહ્યો છે. આ જ સ્થિતિ રહે તો જૂન અંત સુધીમાં જીરા વાયદો પ્રતિ ક્વિન્ટલે ૨૫૦૦૦ની સપાટી કુદાવે તેવી સંભાવનાઓ તેજ છે.