ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં પ્રવેશેલા ભારતને 'અભેદ્ય' સુરક્ષા કવચની જરૂર
– 2021માં સાયબર એટેકમાં 290 ટકાનો વધારો
– ભારત, મેક્સિકો, સાઉથ કોરિયા, ફિનલેન્ડ, ઓમાન અને સ્પેન જેવા દેશોમાં સાયબર એટેકની વાસ્તવિક સંખ્યા અને નોંધાયેલા એટેકની સંખ્યા વચ્ચે સૌથી વધુ તફાવત
ભા રત હાલ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થયુ છે અને દરેક ક્ષેત્ર, ઉદ્યોગમાં આઇટી ટેકનોલોજી, ડિજિટલાઇઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. ડિજિટલાઇઝેશનના અઢળક ફાયદાઓ છે તો કેટલાંક જોખમ અને નુકસાન પણ છે. મોટી સંખ્યામાં ઉદ્યોગો દ્વારા ડિજિટલાઇઝેશનની સ્વીકૃતિની સાથે, ભારત અત્યાધુનિક સાયબર સમસ્યાઓનો સામનો કરી રહ્યુ છે.
એક સાયબર થ્રેટ રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૨૧માં ભારતે માત્ર તેના મહત્વપૂર્ણ – જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ફાઇનાન્શિયલ સિસ્ટમ્સ પર જ નહીં પરંતુ તેના અસંખ્ય નાના ઉદ્યોગો-કંપનીઓ પર પણ સાયબર એટેકનો સામનો કરવો પડયો હતો જેઓ લોકડાઉન બાદ ડિજિટલ યુગમાં પ્રવેશ્યા હતા.
ચાઈનીઝ ડબલ ડ્રેગન (એપીટી ૪૧) અને ઉત્તર કોરિયન લાઝારસ (એપીટી ૩૮) દ્વારા થઇ રહેલા માલવેર સાયબર એટેકને વધુમાં વધુ રોકવા પ્રયાસ થઇ રહ્યો છે જે દેશના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાકીય સેવાઓને ટાર્ગેટ બનાવે છે.
ઉત્તર કોરિયાના સાયબર હુમલાખોર એપીટી ગ્રૂપના વધતા સાયબર એટેક એ ચિંતાનો વિષય છે કારણ કે તેઓ દુતાવાસ અને સરકારી માહિતી એજન્સીઓને ટાર્ગેટ બનાવે છે. એવી કંપનીઓ પણ ટાર્ગેટ બની છે જેમણે ક્યારેય સાયબર એટેક થયાની જાણ કરી ન હતી. ભારત, મેક્સિકો, સાઉથ કોરિયા, ફિનલેન્ડ, ઓમાન અને સ્પેન જેવા દેશોમાં સાયબર એટેકની વાસ્તવિક સંખ્યા અને નોંધાયેલા સાયબર એટેકની સંખ્યા વચ્ચેનો તફાવત સૌથી વધુ છે. જ્યારે જાપાન અને અન્ય કેટલાક દેશોમાં આ તફાવત ઘણો ઓછો છે.
રિપોર્ટ મુજબ, ચોરી કરાયેલા એઆઇ-આધારિત ટુલ્સના વ્યાપક ઉપયોગને કારણે ભારત સાયબર એટેકની સમસ્યાનો સામનો કરી રહ્યું છે જે અત્યંત ગુપ્ત અને ગંભીર માલવેર વાયરસ બનાવવામાં મદદ કરી છે, કનેક્ટિવિટી અને બેન્ડવિડ્થની વધતી જતી ઉપલબ્ધતા, ડિજિટલ રિસ્કનું વધતુ સ્તર, દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં સતત વધારો, ભૌગોલિક રાજકીય તણાવ, ફાઇનાન્સિયલ સર્વિસનો વધતો પગપેસારો અને એડવાન્સ્ડ પર્સિસ્ટન્ટ થ્રેટ જૂથોની વધતી સંખ્યા ચિંતાજનક બાબતો છે.
ભારતમાં વર્ષ ૨૦૨૧ દરમિયાન સાયબર એટેકની ઘટનાઓમાં ૨૯૦ ટકાનો ચિંતાજનક વધારો થયો છે. ભારત માલવેર એટેકના ટેસ્ટિંગ માટેનું મેદાન બની રહ્યુ હોય તેવા સંકેત મળ્યા છે. આ સાયબર હુમલાઓ સંસ્થાઓના પ્રતિકાર અને પ્રતિકાર યંત્રણાનો અભ્યાસ કરવા, ભવિષ્યમાં અન્ય દેશો પર સફળ સાયબર એટેકની ક્ષમતાને સુધારવા, ખંડણી માટે ડેટાની ચોરી કરવા, તેમની શક્તિ અને યુક્તિ માટે નવા માલવેરનું ટેસ્ટિંગ કરવા અને છેલ્લે માલવેર પ્રોપગેશન સ્ટ્રીમ્સ (પેટર્ન)નો અભ્યાસ કરવા માટે પણ કરાય છે.
વર્ષ ૨૦૨૦ની તુલનાએ વર્ષ ૨૦૨૧માં મહત્વપૂર્ણ સરકારી વિભાગો સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાયબર એટેકની ઘટનાઓમાં ૭૦ ટકાનો વધારો થયો છે. તેવી જ રીતે બેન્કિગ અને ફાઇનાન્સ સેક્ટરમાં સાયબર એટેકની સંખ્યા ૨૬ ટકા, ડિફેન્સ સેક્ટરમાં ૨ ટકા, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૧૦૧ ટકા વધી છે.
વર્ષ ૨૦૨૧ના બીજા છ માસિકગાળામાં મેન્યુફેકચરિંગ, ડિફેન્સ, યુટિલિટીઝ, સપ્લાય ચેઇન અને ઓઇલ-ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની કંપનીઓને ટાર્ગેટ કરવા માટે મોટી સંખ્યામાં બોટનેટ્સ બનાવાયા હતા. બોટનેટ એ ઈન્ટરનેટ-કનેક્ટેડ ડિવાઇસની સંખ્યા છે, જેમાંથી પ્રત્યેક એક અથવા તેથી વધારે બોટ્સ સંચાલિત થાય છે. બોટનેટનો ઉપયોગ સાયબર એટેક કરવા, ડેટા ચોરી કરવા, સ્પામ મોકલવા અને હુમલાખોરને ડિવાઇસ અને તેના કનેક્શન સુધી પહોંચી ઉપલબ્ધ કરાવવા માટે થાય છે.
ગયા વર્ષે આક્ટોબરમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની આઇસીસી મેન્સ-ટી૨૦ વર્લ્ડ કપ મેચ દરમિયાન પડોશી દુશ્મન દેશ પાકિસ્તાનમાંથી સીધા થઇ રહેલા ગંભીર સાયબર એટેકની નોંધ લેવાઇ હતી. ભારતમાં ફિઝિકલ અને વર્ચ્યુઅલ હનીપોટ્સ દ્વારા પકડી પાડવામાં આવેલા ઇનબાઉન્ડ સાયબર એટેકની સંખ્યા એક દિવસમાં લગભગ ત્રણ લાખ એટેકે પહોંચી ગઇ હતી. ૨૪ ઓક્ટોબરે ભારતીય સમય મુજબ મધ્યરાત સુધી સાયબર એટેકની સંખ્યા નોંધપાત્ર વધીને ૪.૯ લાખના આંકને આંબી ગઈ હતી.
વિરોધી સંસ્થાઓ ભારતના મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર સતત સાયબર એટેક કરવાનો રસ ધરાવતી હોય તેવું લાગે છે. ચોરાયેલી માહિતીઓ ડાર્ક વેબ જેવા પ્લેટફોર્મ પર લીક કરવામાં આવે છે.
વર્ષ ૨૦૨૧માં ભારતની સરકારી એજન્સીઓ અને કંપનીઓ-ઉદ્યોગો પર સંખ્યાબંધ સાયબર એટેક થયા હવે વર્ષ ૨૦૨૨માં પણ તેની સંખ્યા ચાલુ રહેવાની શક્યતા છે. આ સમસ્યાનું સમાધાન અને સામનો કરવા માટે ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત કરવાની હાકલ કરાઇ છે.