દરેક સ્થળે રોજગાર છે, પરંતુ તેને શોધવા માટે આપણે પરિશ્રમ કરતા નથી
થોડાક દિવસ અગાઉ, એક સમાચારે મારું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ સમાચાર તામિલનાડૂમાં એમ્પ્લોયમેન્ટ એકસચેન્જના રજિસ્ટર પર નોંધણી થયેલી વ્યક્તિઓની સંખ્યાને લગતા હતા. આ સંખ્યા નીચે પ્રમાણે જણાવાઈ હતી.
કુલ સંખ્યા | ૭૫,૮૮,૩૫૯ |
૧૮ વર્ષથી નીચેની વયના | – |
વ્યક્તિઓની સંખ્યા | ૧૭,૮૧,૬૯૫ |
૧૯-૨૩ વર્ષના | ૧૬,૧૪,૫૮૨ |
૨૪-૩૫ વર્ષના | ૨૮,૬૦,૩૫૯ |
૩૬-૫૭ વર્ષના | ૧૩,૨૦,૩૩૭ |
૫૮ કે તેથી વધુ વયના | ૦૦,૧૧,૩૮૬ |
આ આંકડા હતાશાજનક છે. તામિલનાડૂ એ વિક્સિત રાજ્યોની યાદીમાં આવે છે. જ્યાં ઉત્તર પ્રદેશ અથવા બિહાર કરતા સારો વિકાસ થયો છે. બિહાર તથા ઉત્તર પ્રદેશના બેરોજગારીના સાચા આંકડા બહાર આવે તો તે ભારે આઘાતજનક જોવા મળી શકે છે.
રોજગારો અદ્રષ્ય
બેરોજગારો માટે રોજગારો કયાં છે? તે છૂપાયેલા છે, તેને નરી આંખે શોધવા પડે છે. ૩૧મી માર્ચ ૨૦૨૧ના કેન્દ્ર સરકારમાં ૮,૭૨,૨૪૩ જગા ખાલી પડી હતી અને આમાંથી સરકારે ૭૮૨૬૪ જગા ભરી હતી. અંદાજે આઠ લાખ જગા ખાલી રહી હતી.
દરેક સ્થળે રોજગાર છે, પરંતુ તેને શોધવા માટે આપણે પરિશ્રમ કરતા નથી. નારાયણ હેલ્થ, ચેઈન ઓફ હોસ્પિટલ્સના સ્થાપક ડો. દેવી શેટ્ટીના વિડીયો વાર્તાલાપને મેં સાંભળ્યો હતો. તેમના વાર્તાલાપના અંશો આ પ્રમાણે છેઃ
”અન્ડર-ગ્રેજ્યુએશન તથા પોસ્ટ-ગ્રેજ્યુએશન સીટસની આપણે ત્યાં ભારે અછત છે.
”આપણે કેરેબિયન વિસ્તારમાં જઈએ તો, ત્યાં ૩૫ તબીબી કોલેજો છે, જે એક શોપિંગ મોલમાં ભાડાંની ૫૦,૦૦૦ ચોરસ ફૂટ જગામાં અમેરિકા માટે ડોકટરોને તાલીમ આપે છે. આપણે એક તબીબી કોલેજ પાછળ રૂપિયા ૪૦૦ કરોડ ખર્ચીને ઈમારત શા માટે ઊભી કરીએ છીએ? આ એક હાસ્યાસ્પદ છે.
”૧૦૦ તબીબોને તાલીમ આપવા તબીબી કોલેજમાં ૧૪૦ ફેકલ્ટી સભ્યોની આવશ્યકતા નથી. ૧૪૦ ફેકલ્ટી સભ્યો ૧૦૦૦ વિદ્યાર્થી સાથેની એક કોલેજ ચલાવી શકે છે. આખું વિશ્વ બદલાઈ ગયું છે, પણ આપણે નહીં.
”તબીબી શિક્ષણ આપણે ત્યાં ધનવાનોનો વેપાર બની ગયો છે. … ગરીબ પરિવારોના બાળકો આજે ડોકટર બનવાનું સ્વપન જોઈ શકતા નથી. આના ગંભીર પરિણામો આવી શકે છે. વિશ્વભરમાં નામાંકિત તબીબો હાથમાં જાદુ સાથે મોટેભાગે ગરીબ ઘરોમાંથી આવ્યાના દાખલા છે. તબીબી વિજ્ઞાાનમાં બદલાવ લાવવાની આ બાળકોમાં તમન્ના હોય છે.
”દર ૧૨ મિનિટે એક ગર્ભવતિ સ્ત્રીએ પ્રસુતિવેળા શા માટે મોતને ભેટવું પડે છેે? ૩,૦૦,૦૦૦ બાળકો જે દિવસે જન્મે છે તે જ દિવસે જ શા માટે મોતને ભેટે છે? ૧૨ લાખ બાળકો શા માટે તેમના પ્રથમ જન્મદિન પહેલા જ પ્રભુને પ્યારા થઈ જાય છે? આ અસ્વિકાર્ય છે.
”આપણને ૨,૦૦,૦૦૦ ગાયનેકોલોજિસ્ટસની આવશ્યકતા છે જેની સામે આપણી પાસે ૫૦,૦૦૦થી પણ ઓછા છે. તેમાંના અડધા તો પ્રસુતિ સંબંધિત ઉપચાર કરતા નથી. આપણને ૨,૦૦,૦૦૦ એનેસ્થેટિસ્ટની આવશ્યકતા છે, પરંતુ તેની સંખ્યા પણ ૫૦,૦૦૦થી ઓછી છે. બાળકોની સારવાર માટે ૨,૦૦,૦૦૦ બાળચિકિત્સકની જરૂર છે, તે પણ ૫૦,૦૦૦થી ઓછા છે. ૧,૫૦,૦૦૦ની આવશ્યકતા સામે રેડિયોલોજિસ્ટની સંખ્યા ૧૦,૫૦૦ છે.
”આપણા દેશને વધારાની બજેટ ફાળવણી કરતા ઉદાર તબીબી, નર્સિગ તથા પેરા મડિકલ શિક્ષણની જરૂર છે.”
બિનઉદારમતવાદી સરકાર
ડો. શેટ્ટીના જણાવ્યા પ્રમાણે, એકલા આરોગ્યસંભાળ ક્ષેત્રમાં જ સાધારણ પરિશ્રમ સાથે હજારો રોજગાર નિર્માણ કરવાનો અવકાશ છે. આજ રીતે શિક્ષણ, શહેર વિકાસ, નદી, પશુસંવર્ધન, ફોરેસ્ટ્રી, ફૂડ પ્રોસેસિંગ, કૃષિ વગેરે ક્ષેત્રમાં લાખો રોજગાર ઊભા કરી શકાય એમ છે, અલબત્ત સામાન્ય પરિશ્રમ સાથે.
સરકારો નબળી છે. સરકારી ક્ષેત્રમાં જેની તાતી આવશ્યકતા છે, તે રોજગારો ઊભા કરતા તે ખચકાઈ રહી છે, કારણ કે આ સરકારો એવા ભ્રમમાં છે, કે, ‘નાની સરકાર એ સારી સરકાર’ હોય છે. સરકારોમાં પણ જ્ઞાાનનો અભાવ છે. ડો. શેટ્ટીએ અંગુલીનિર્દેશ કર્યો હતો કે, આપણે સ્મારકો ઊભા કરી રહ્યા છીએ, પરંતુ કાર્યરત અને પર્યાપ્ત તબીબી કોલેજો ઊભી કરતા નથી જેના અભાવે અનેક મહિલાઓ તથા બાળકો મૃત્યુ પામે છે. બિનઉદારમતવાદી, ઠંડો અભિગમ અને ભૂલભરેલા ખર્ચ તરફ તેમણે કરેલો આ અંગુલીનિર્દેશ દરેક સરકારી વિભાગમાં જોવા મળે છે. રોજગાર ઊભા કરવા માટે આપણને આવશ્યકતા છે, ૫૦,૦૦૦ ચોરસ ફૂટ શોપિંગ મોલ તબીબી કોલેજ જેવી નવીનતાની, એમ ડો. શેટ્ટીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
સાહસિકો રોજગાર નિર્માણ કરે છે
સાહસિકોને અનેક બાબતો માટે જવાબદાર ગણવામાં આવે છે, પરંતુ તેઓ અજાણ્યા સાહસો કરીને એવી સ્થિતિની રચના કરે છે, જેનું પહેલા અસ્તિત્વ નથી હોતું અને આ પ્રક્રિયામાં તેઓ સંપતિ અને રોજગાર નિર્માણ કરે છે. ગોટ્ટલિબ ડેઈમ્લર, હેન્રી ફોર્ડ, સેમ વોલ્ટન, સ્ટીવ જોબ્સ, જેફ બેઝોસ, એલન મસ્ક, માર્ક ઝકરબર્ગ આના ઉદાહરણો છે. તેમણે હાથ ધરેલા સાહસોમાં અનેકનું અગાઉ અસ્તિત્વ નહોતું અને તેને કારણે લાખો રોજગાર નિર્માણ થયા છે.
રોજગાર એ ભારતની સૌથી મુખ્ય આવશ્યકતા છે. ઉપર ઉલ્લેખાયેલા ક્ષેત્રો શિક્ષક, ટેકનિશિયન્સ, એન્જિનિયર્સ, વન રક્ષક, પોલ્ટ્રી ફાર્મર્સ વગેરે જેવા લાખો રોજગાર નિર્માણ કરી શકે છે. આપણા દેશમાં એમએસએમઈ ક્ષેત્ર સૌથી વધુ રોજગાર પૂરા પાડતું ક્ષેત્ર છે. એક વખત રોજગાર નિર્માણ થઈ જવા બાદ તેનું પરિવર્તીત ચક્ર શરૂ થઈ જાય છે એટલે કે સુસંગત રોજગાર, આવક, સંપતિ, વેરા વગેરે.
પરંતુ અહીં રોજગાર નિર્માણ માટે વિચારે છે જ કોણ? ન તો, આરોગ્ય મંત્રાલય, જેની ઓફિસની બહાર વ્યાપક તક રાહ જોઈને બેઠી છે, જેને ખંખોળવાની જ રહે છે યા ન તો નાણાં મંત્રાલય જેણે નાણાં વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ રજુ કર્યું છે. નાણાં પ્રધાનના ૯૦ મિનિટસ તથા ૧૫૭ ફકરાં સાથેની બજેટ સ્પીચમાં જોબ્સ (રોજગાર) શબ્દનો ઉપયોગ માત્ર ત્રણ વેળા જ સાંભળવા મળ્યો હતો!