Day Special

દેશમાં ઈથેનોલનો વપરાશ વધશે તો પણ ખાંડની સપ્લાય સરપ્લસ રહેશે

દેશમાં ઈથેનોલનો વપરાશ વધશે તો પણ ખાંડની સપ્લાય સરપ્લસ રહેશે content image d4f8a57f 9ca3 4cd8 bf15 0abff2c99b72 - Shakti Krupa | News About India

– ઉભી બજારે : દિલીપ શાહ

– ખાંડ મિલોમાં હવે વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા હવાઈ જહાજમાં વપરાતા ફયુઅલનું ઉત્પાદન શરૂ થવાના એંધાણ!

દેશમાં ખાંડ બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. કોરોનાનો ઉપદ્રવ ઘટતાં તથા દેશના વિવિધ શહેરો તથા રાજ્યોમાં લોકડાઉનના અંકુશો હળવા થઈ રહ્યા છે તથા હવે રિઓપનીંગની પ્રક્રિયાએ વેગ પકડયો છે. આવા માહોલમાં હવે ખાંડ બજાર તથા ઉદ્યોગમાં બલ્ક વપરાશકારોની માગ તથા પૂછપરછો ફરી દેખાતી થઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આ પૂર્વે કોરોના કાળમાં લોકડાઉનના અંકુશો વચ્ચે હોટલ, રેસ્ટોરન્ટો તથા વિવિધ પ્રકારના જાહેર સમારંભો પર સરકારના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા અને એ દરમિયાન ખાંડ બજારમાં હોટલ, રેસ્ટોરન્ટો તથા કેટરીંગ ક્ષેત્ર તરફથી આવતી માગને ખાસ્સો ફટકો પડયો હતો. જોકે આ ગાળામાં ઘરગથ્થુ વપરાશ માટેની ખાંડની માગમાં વૃધ્ધિ પણ થઈ હતી. જોકે હવે કોરોના તથા લોકડાઉન દૂર થતાં તથા સરકારના અંકુશો હળવા થતાં ખાંડ બજારમાં બલ્ક વપરાશકારો ફરી આવતા થયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન ખાંડ ઉદ્યોગમાં ખાંડ ઉપરાંત હવે ઈથેનોલ નામનું પરીબળ જોડાયું છે. આવા ઈથેનોલનો વપરાશ પેટ્રોલિયમ પેદાશોમાં બ્લેન્ડીંગ માટે વધવા માંડયો છે. શેરડીનો જથ્થો હવે ખાંડ બનાવવા ઉપરાંત ઈથેનોલના ઉત્પાદન તરફ પણ વળતો થયો છે. આવા માહોલમાં બીજો એક પ્રશ્ન પણ હવે બજારમાં પૂછાતો થયો છે. ઈથેનોલનો વપરાશ વધશે તો શું દેશમાં ખાંડની અછત ઊભી થશે? એવો પ્રશ્ન ચર્ચાતો થયો છે. જોકે ખાંડ મિલોના સૂત્રોના જણાવ્યા મુજબ ઈથેનોલનો વપરાશ વધશે તો પણ ખાંડનો પૂરવઠો જળવાઈ રહેશે તેથી વપરાશકારોએ ચિંતા કરવાની જરૂર નથી. હકીકતમાં દેશમાં ખાંડની સપ્લાય સરપ્લસ રહેતી આવી છે અને ઈથેનોલની માગ વધશે તો પણ ખાંડના બજાર ભાવ વ્યાજબી મથાળે જળવાઈ રહેવાની ગણતરી આ સૂત્રો બતાવી રહ્યા છે.

દેશમાં જો કોઈ વર્ષે દુકાળ અથવા તો અતિવૃષ્ટિ પડશે અને શેરડીના પાકને અસર પડશે તોજ ખાંડની સપ્લાય ઘટશે અને આવા બનાવોને બાદ કરતાં ઘરઆંગણે ખાંડનો પુરવઠો જળવાઈ રહેશે એવો દાવો આ સૂત્રો કરી રહ્યા છે. દેશમાં ૨૦૨૧- ૨૨ની નવી ખાંડ મોસમ ઓક્ટોબર મહિનાથી શરૂ થઈ ગઈ છે તથા નવી મોસમની શરૂઆતમાં ખાંડનો સિલ્લક સ્ટોક આશરે ૮૧થી ૮૨ લાખ ટન જેટલો રહ્યો હતો. દરમિયાન, નવી મોસમમાં દેશમાં ખાંડનું ઉત્પાદન આશરે ૩૧૪થી ૩૧૫ લાખ ટન આસપાસ થવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા છે. આમ દેશમાં ખાંડનો કુલ ઉપલબ્ધ પુરવઠો આશરે ૪૦૦ લાખ ટનની નજીક રહેવાનું અનુમાન ખાંડ ઉદ્યોગમાં બતાવાઈ રહ્યું છે. આની સામે દેશમાં ખાંડની વાર્ષિક માગ ઘરઆંગણે આશરે ૨૬૪થી ૨૬૫ લાખ ટન આસપાસ મનાઈ રહી છે.

આ જોતાં દેશમાં ખાંડનો સરપ્લસ જથ્થો આશરે ૧૩૦ લાખ ટન આસપાસ રહેવાનો અંદાજ વ્યક્ત થયો છે. આ સરપ્લસ જથ્થા પૈકી ખાંડની નિકાસ કેટલી થશે એના પર બજારના ખેલાડીઓની નજર રહી છે. ખાંડ ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ ઈથેનોલના ઉત્પાદન તરફ શેરડીનો જેટલો જથ્થો વપરાશે એ જથ્થાનું અનુમાન બાંધી આ જથ્થો શેરડીના કુલ જથ્થામાંથી બાદ કરી ત્યારબાદ ખાંડ બનાવવા માટે કેટલી શેરડી ઉપલબ્ધ રહેશે એનો અંદાજ બાંધી એ અંદાજના આધારે દેશમાં આ મોસમમાં ખાંડનું ઉત્પાદન ૩૧૪થી ૩૧૫ લાખ ટન આસપાસ થવાનું અનુમાન બાંધવામાં આવ્યું છે. આ જોતાં ખાંડના વપરાશકારોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી એવું આ તજજ્ઞાો જણાવી રહ્યા છે. ઈથેનોલ બનાવવા શેરડીનો જેટલો જથ્થો ડાઈવર્ટ થશે એટલા જથ્થામાંથી આશરે ૩૩થી ૩૪ લાખ ટન ખાંડ બની શકે તેમ છે. આગામી વર્ષોમાં ખાંડની માગ વધશે અને ઈથેનોલની માગ વધશે તો પણ ખાંડની સપ્લાય માગ સામે સરપ્લસ રહેવાની  ગણતરી જાણકારો બતાવી રહ્યા છે.

દરમિયાન, ખાંડ ઉદ્યોગમાં કો- ઈલેકટ્રોલીસીસની પ્રક્રિયા ઊભી કરવામાં આવે તો આ પ્રક્રિયા દ્વારા સસ્ટેઈનેબલ એવિએશન ફયુઅલ બનાવવાનું શક્ય બની શકે તેમ છે એવું તજજ્ઞાોએ જણાવ્યું હતું. આવું ફયુઅલ હવાઈ જહાજોમાં વાપરી શકાશે. સરકાર સમક્ષ આ વિચાર રજૂ કરવામાં આવ્યો છે તથા સરકાર તરફથી આ વિચારને પોઝીટીવ પ્રતિસાદ પણ મળી રહ્યાના સંકેતો મળ્યા છે. પુના સ્થિત એક કંપની દ્વારા આ પ્રકારના પ્રયોગો શરૂ કરાયાના વાવડ મળ્યા છે. આ પ્રયોગો સફળ થશે તો મહારાષ્ટ્રની ખાંડ મિલોમાં આગામી વર્ષોમાં હવાઈ જહાજમાં  વપરાતું ફયુઅલ બનતું થઈ જશે એવું તજજ્ઞાો જણાવી રહ્યા છે. આવા ફયુઅલની વૈશ્વિક કુલ માગ આશરે ૧૦૦ અબજ ગેલન્સની રહેતી હોય છે. 

દરમિયાન, દેશમાંથી ખાંડની નિકાસ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર તથા જાન્યુઆરીના ચાર મહિનાના ગાળામાં વધી આશરે ૩૧થી ૩૨ લાખ ટન જેટલી થઈ છે જે પાછલી મોસમમાં આ ગાળામાં માંડ ૧૦ લાખ ટન જેટલી થઈ હતી. જોકે તાજેતરમાં વહેતા થયેલા નિર્દેશો મુજબ વિશ્વબજારમાં ખાંડના ભાવ ઉંચેથી નીચા ઉતરતા જોવા મળ્યા છે. બ્રાઝીલની નવી ખાંડ હવે ટૂંકમાં વિશ્વબજારમાં પ્રવેશશે એવા નિર્દેશો મળી રહ્યા છે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button