Day Special

ધનિક વર્ગ ફૂલ્યો ફાલ્યો; ગરીબો વધુ ગરીબ બન્યા : Budget 2022-23

– ડૉ. જયનારાયણ વ્યાસ

– મંગળવારે બજેટ: MSME ક્ષેત્ર બજેટમાં રાહત ઝંખે છે: લઘુ ઉદ્યોગોનો દેશના અર્થતંત્રમાં મોટો ફાળો પણ મંદીની અસર

– ગરીબ પરિવારની આવકમાં ૫૩ ટકાનો ઘટાડો: જ્યારે શ્રીમંત પરિવારની આવક ૩૯ ટકા વધી

ધનિક વર્ગ ફૂલ્યો ફાલ્યો; ગરીબો વધુ ગરીબ બન્યા : Budget 2022-23 content image 70ed450d 5b23 44f4 b69b 0e83de90e5b1 - Shakti Krupa | News About Indiaએવું કહેવાય છે કે સરકારનું અંદાજપત્ર એ મહેતાજીનું સરવૈયું નથી. અંદાજપત્ર થકી આવનાર સમયમાં સરકાર વિકાસ માટે જે ખર્ચ કરવા માંગે છે તે અને એ ખર્ચ કરવા માટે જરૂરી નાણાં ક્યાંથી અને કઈ રીતે ઉભા કરવા માંગે છે તેનું વિવરણ પ્રસ્તુત કરેલું હોય છે. આ કારણથી રાજ્ય અથવા કેન્દ્ર સરકારનું અંદાજપત્ર એ એક પોલીસી ડોક્યુમેન્ટ છે જે આવનાર સમયમાં સહકારે કરવા ધારેલ કામગીરી વિશે નિર્દેશ કરે છે. એક જમાનો હતો જ્યારે લોકો અંદાજપત્રને આવકવેરા, વેચાણવેરા, સેંટ્રલ એક્સાઇઝ, કસ્ટમ્સ ડયુટી તેમજ ઈન્કમટેક્ષના આંકડા જાણી તેના પરથી શું મોંઘું થશે અને શું સસ્તુ થશે તે નક્કી કરતા. આજે એક યા બીજી રીતે કેન્દ્ર સરકારના ખર્ચ અને આવકને અસર કરે એવી જાહેરાતો કેન્દ્ર સરકાર લગભગ આખા વરસ દરમિયાન કરતી રહે છે. એટલે જે પ્રકારનું મહત્વ એ વખતે અંદાજપત્રનું હતું તે ઘણું બદલાયું છે. અને આ સિવાયની નાણાંકીય ખાધ, ચાલું મૂડી ખાતાની ખાધ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, વગેરે દેશ સમક્ષ કેન્દ્ર સરકાર મૂકતી હોય છે. 

ગયા વખતે ટાઈમ મેગેઝિને ૨૦૨૦ના વરસને ચોકડી મારતું ટાઇટલ પેજ મૂકીને આખા વરસને અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ ખાડે ગયેલું વરસ બતાવ્યું હતું. આના માટે મોટી જવાબદારી વૈશ્વિક મહામારી તરીકે વિકરાળ બનીને ફાલેલા કોરોના, ટ્રમ્પની ઢંગધડા વગરની વિદેશનીતિને લગતી જાહેરાતો, અમેરિકા અને ચીન વચ્ચે વકરતી જતી ટ્રેડવોરની પરિસ્થિતિ અને આ બધાની વચ્ચે ક્વાડ તેમજ અફઘાનિસ્તાનની સ્ફોટક પરિસ્થિતિ આવનાર વરસ હેમખેમ પસાર થશે કે કેમ એ બાબતની શંકા-કુશંકાઓ, સંરક્ષણની દ્રષ્ટિએ ભારતની પાકિસ્તાન, ચીન, નેપાળ તેમજ અરુણાચલમાં ગમે તે આયોજનને ખોટું પાડે તે સ્થિતિ, આ બધું જોતાં અને તેમાં પણ કોરોનાની બીજી લહેરનો માર, કોવિડની ટ્રીટમેન્ટ માટે રેમડેસિવિર જેવી દવાઓની અછત, ઓક્સિજન તેમજ વેન્ટિલેટર સાથે હોસ્પિટલમાં પથારીઓની તંગી, આ બધાને કારણે પ્રજાના મનમાં અવઢવ અને અજંપો એ ૨૦૨૧-૨૨ને ઘમરોળી રહ્યાં હતાં. 

નાણાકીય વરસ ૨૦૧૫-૧૬થી દેશનો જીડીપી વૃદ્ધિદર ઘટી રહ્યો હતો. ૨૦૧૫-૧૬માં ૮ ટકા, ૨૦૧૬-૧૭માં ૮.૩ ટકા, ૨૦૧૭-૧૮માં ૭ ટકા, ૨૦૧૮-૧૯માં ૬.૧ ટકા અને ૨૦૧૯-૨૦માં તે ૪.૨ ટકા સુધી ગગડી ગયો. કોરોના મહામારીના વર્ષ ૨૦૨૦-૨૧માં તો જીડીપી વિકાસ દર નકારાત્મક એટલે કે માઇનસ ૭.૩ સુધી ઘટી ગયો. તેમાંય આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં તો તે માઇનસ ૨૪.૪ ટકા નોંધાયો. ૨૦૨૧-૨૨ નાણાં વર્ષના પહેલા ક્વાર્ટરમાં જીડીપી વિકાસ દરે વૃદ્ધિનો માર્ગ પકડયો અને ૨૪.૪ ટકાનો વૃદ્ધિ દર હાંસલ કર્યો. આ જ વરસના જુલાઇ-સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટરમાં પણ જીડીપી વૃદ્ધિ દર ૮.૪ ટકા નોંધાયો.  

ભારતીય અર્થતંત્ર જે નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલા ત્રૈમાસિકીથી માંદગીને બિછાને પડયું હતું, જીડીપી વૃદ્ધિદર ઘટી રહ્યો હતો અને ઔદ્યોગિક ઉત્પાદનથી માંડી વેપાર અને રેસ્ટોરાં તેમજ ટ્રાન્સપોર્ટ,સિનેમા જેવા સેવાકીય ક્ષેત્રો પા પા પગલી ભરતાં હજુ બેઠાં થઇ રહ્યાં હતાં ત્યારે જીડીપી એટલે કે કુલ માલસામાન અને સેવાકીય ક્ષેત્ર થકી અર્થવ્યવસ્થાને દોડતી કરવા માટેના પ્રયત્નો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સરકાર તેમજ જે તે ક્ષેત્રો ચાલી રહ્યાં હતાં તેવી ચિંતાજનક પરિસ્થિતિમાં ૨૦૨૧-૨૨ કેન્દ્રીય અંદાજપત્ર કેવું આવશે એની રાહ હતી. નિર્મલા સીતારમણે ૨૦૨૧-૨૨ના નાણાંકીય વરસ માટે અંદાજપત્ર આ વાવાઝોડા વચ્ચે રજૂ કર્યું હતું જેનાં કેટલાક પાસાં નીચે મુજબ હતાં. 

ફિસ્કલ ડેફીસિટ-નોમિનલ જીડીપીના ૬.૮ ટકા (૨૦૨૦-૨૧માં ૯.૩ ટકા હતી)

અંદાજિત જીડીપી વૃદ્ધિ દર: ૨૦૨૦-૨૧ માટે માઇનસ ૧૦ ટકા (૨૦૨૧-૨૨ માટે ૧૪.૪ ટકા અંદાજિત)

કરંટ એકાઉન્ટ ડેફીસિટ : ૨૦૨૧-૨૨ના બીજા ત્રૈમાસિકી ગાળામાં જીડીપીના ૧.૩ ટકા 

રેવન્યુ ડેફીસિટ: લક્ષ્યાંક જીડીપીના ૫.૧ ટકા 

કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨ જ્યારે રજૂ થવાનું હતું ત્યારે નાણામંત્રી પાસે અપેક્ષા હતી કે –

ફિસ્કલ ડેફીસિટ-નોમિનલ જીડીપીના ૬.૮ ટકા (૨૦૨૦-૨૧માં ૯.૩ ટકા હતી)
અંદાજિત જીડીપી વૃદ્ધિ દર: ૨૦૨૦-૨૧ માટે માઇનસ ૧૦ ટકા (૨૦૨૧-૨૨ માટે ૧૪.૪ ટકા અંદાજિત)
કરંટ એકાઉન્ટ ડેફીસિટ : ૨૦૨૧-૨૨ના બીજા ત્રૈમાસિકી ગાળામાં જીડીપીના ૧.૩ ટકા
રેવન્યુ ડેફીસિટ: લક્ષ્યાંક જીડીપીના ૫.૧ ટકા
કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨ જ્યારે રજૂ થવાનું હતું ત્યારે નાણામંત્રી પાસે અપેક્ષા હતી કે –
આગામી બજેટ ખાડામાં પડી ગયેલી અર્થવ્યવસ્થાને ઊંચકવાનું કામ કરશે.
રોજગારી વધારનારું બજેટ હશે.
ઘરઆંગણાનાં બજારમાં તળિયે પહોંચી ગયેલી માંગને જીવંત કરનારું બજેટ હશે.
ભારતીય અર્થવ્યવસ્થાને પાટે ચડાવનારું અને ત્યારબાદ વિકાસને રસ્તે અર્થવ્યવસ્થાની ગાડી દોડે તે માટેનું બજેટ હશે.
કોવિડની મહામારીમાં વધારાના દસથી બાર કરોડ લોકો ગરીબીની રેખા નીચે પહોંચી ગયા છે એમને ગરીબીની રેખા ઉપર લઈ આવનારું બજેટ હશે.

આ અપેક્ષાઓમાંથી અંશતઃ સફળતા મળી છે અને એને કારણે એક આશાવાદ બંધાયો છે. બરાબર તેવે સમયે કોરોનાની ત્રીજી લહેર અને ઓમિક્રોનના ભયે હજુ પણ આપણે થરથરીએ છીએ. ૨૦૨૨-૨૩નું વરસ આ સંદર્ભમાં જોઈએ તો નાણાં મંત્રી પાસેથી વિદાય થઇ રહેલ વરસના બજેટમાં ખાસ કરીને દેશના મધ્યમ વર્ગને મોટી અપેક્ષાઓ હતી. આ વર્ગ સૌથી વધારે ઘવાયેલો અને અસરગ્રસ્ત છે. અને એટલે વિદાય લઈ રહેલા નાણાકીય વરસના બજેટમાં અર્થવ્યવસ્થાને દોડતી કરવાનું અને મધ્યમ અને મજદૂર વર્ગ માટે રોજગારી પુનઃસ્થાપિત કરવાનું કામ કરવું પડે. ગયા વરસનું કેન્દ્રીય બજેટ રજૂ થયું ત્યારે મોંઘવારીનો દર ૪ ટકા હતો. ડિસેમ્બર ૨૦૨૧માં એ ૫.૫૯ ટકા રહેવા પામ્યા છે. આમ છતાંય લોકોની અપેક્ષા હતી કે ગયા વરસની સરખામણીમાં ચાલુ વરસે જીવનધોરણ સુધરશે. સમાજનો એક મોટો ભાગ આવક અને જાવકના છેડા ભેગા થાય એવું જીવનધોરણ હજુ પણ પામી શક્યો નથી. બજારોમાં ઘરાકી જે પ્રમાણે નીકળવી જોઈએ તે નીકળી નથી અને ભાવવધારો થયો છે. એક રૂઢિચુસ્ત આંક મુજબ લગભગ અડધોઅડધ જેટલી વસતીના જીવનધોરણને આની અસર થઈ છે. આ લોકો જ્યારે બે છેડા ભેગા કરવા મથી રહ્યા છે ત્યારે ધનવાન વધારે ધનવાન બન્યો છે અને મુકેશ અંબાણીને પાછળ પાડીને ગૌતમ અદાણી આ દેશના ટોચના ધનપતિ બન્યા છે. એક મધ્યમ વર્ગના નોકરિયાતનો આખા મહિનાનો પગાર હોય એટલા નાણાં તો આ ધનપતિઓ ગણતરીની પળોમાં કમાઈ લે છે. આમ, દેશની અર્થવ્યવસ્થા ધનવાનને વધારે ધનવાન બનાવી રહી છે અને ગરીબ વધુને વધુ ગરીબીમાં સપડાઈ રહ્યો છે. આ સંદર્ભમાં વિદાય લેતા નાણાકીય વરસમાં સામાન્ય માણસની જે અપેક્ષા હતી તે ઘણા બધા કિસ્સામાં માત્ર ઈચ્છા જ રહી છે. માર્ચ ૩૧, ૨૦૨૨ના રોજ પૂરા થતાં નાણાકીય વરસ માટે જીડીપી વિકાસ દર ૯ થી ૧૦ ટકાની આસપાસ રહેશે એવો અંદાજ છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગના ઉત્પાદનનો વૃદ્ધિ દર જે ઝડપે વધવો જોઈએ તે ઝડપે વધ્યો નથી. ઔદ્યોગિક ક્ષેત્રનું જીડીપીમાં પ્રદાન લગભગ ૨૫ ટકા છે. આમાંથી લગભગ ૩૫ ટકા ઉત્પાદન મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ક્ષેત્રમાંથી આવે છે જેની ગાડી હજુ પૂર ઝડપે દોડતી નથી. નાણાકીય વરસના અંતે હજુ પણ સ્જીસ્ઈ ક્ષેત્રમાં ૪૦ ટકા જેટલો ઘસારો અર્થવ્યવસ્થાએ વેઠવો પડે તો નવાઈ નહીં કહેવાય. 

સરકાર ખર્ચ કરે તેની અસર?

જો સરકાર વધારે ખર્ચ કરે તો એ વિકાસને મદદરૂપ થાય. પણ મોનિટરી પોલિસીમાં નાણાંનો પુરવઠો/નાણાંની તરલતામાં ઉપર નાણાંનીતિ થકી કાપ મૂકવો પડે. પણ આમ કરવા જતા માંગને અસર થાય. કટોકટીને સમયે આઉટપુટ ગેપ અર્થવ્યવસ્થાના ઉત્પાદનથી કેટલી વધારે છે એને ધ્યાનમાં લઈને અર્થવ્યવસ્થાની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવા સંકલિત પોલીસી એક્શન જે થકી વિકાસને દોરી શકાય તે નક્કી કરવું પડે. 

જ્યારથીthe Fiscal Responsibility and Budget Management (FRBM)Act of ૨૦૦૩ અસ્તિત્વમાં આવ્યો ભારત નાણાકીય ખાધને૩ ટકા સુધી મર્યાદિત કરવા મથી રહ્યું છે. નાણાકીય ખાધ નાણાકીય વરસ ૨૦૧૨માં ૫.૮ ટકાથી ઘટાડીને ૩.૪ ટકા નાણાંકીય વરસ ૨૦૧૯માં લાવી શકાઈ હતી. પણ ત્યારબાદ કોવિડ મહામારીને કારણે ઊભી થયેલી કટોકટીમાંથી બહાર નીકળવા નાણાકીય ટેકો જરૂરી બન્યો. આ કારણથી FRBM જોગવાઈઓને બાજુ પર મૂકીને ૨૦૨૧માં નાણાકીય ખાદ્ય ૯.૫ ટકા અને ૨૦૨૨ના નાણાકીય વરસ માટે ૬.૮ ટકા રાખવામાં આવી જે મહામારીને કારણે અર્થવ્યવસ્થાને ગતિ આપવા નાણાંકીય પુરવઠો જોઈતો હતો તેને કારણે નાણાં ખાધ ધીરે ધીરે કાબૂમાં લાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો. 

નાણાકીય ટેકા ઉપરાંત ભારતે મૈત્રીપૂર્ણ પોલીસી અખત્યાર કરી. આજે ભારતીય અર્થવ્યવસ્થામાં વ્યાજના દર અત્યાર સુધીમાં નીચામાં નીચા ૪ ટકા અને લાંબામાં લાંબા એટલે કે સીધા સાત ત્રૈમાસિકીગાળા માટે ચાલુ રાખવામાં આવ્યા છે. પ્રિ-પેન્ડેમિક વ્યાજના દર ૬.૮ ટકા રહેવા પામ્યા હતા. હાલમાં ઊંચી નાણાં ખાધ હોવા છતાં મોનેટરી પોલીસી વિકાસલક્ષી રહી છે એટલું જ નહીં પણ એવું માનીને ચાલે છે કે ફુગાવાનો દર ટૂંક સમયમાં જ મહત્તમ સપાટીએ પહોંચશે. દેશની નાણાકીય વ્યવસ્થા હળવાશથી ચાલે તે માટે સરકારના મહામારી પહેલાના માર્કેટ બોરોવિંગરેટ કરતા બમણા રહેવા પામ્યા હતા. ઊંચી નાણાખાધ આયાતોને મોંઘી બનાવે છે અને ચાલુ ખાતાને વધુ મોંઘો બનાવી બંને બાજુથી મારે છે. 

નાણાકીય ખાધની અસર ફુગાવો, વ્યાજના દરો, ચલણી નાણાની અછત વિગેરે સર્જે છે. નાણાંખાધની અસર ઇક્વિટી ઉપર, જાહેર દેવા ઉપર અને કરન્સી ઉપર થાય છે. જોકે નાણાં ખાધ ઊંચા અને બિનઉત્પાદક જેવા કે સબસીડી પ્રકારના ખર્ચના કારણે ઊભી થાય તો એના કારણે કોર્પોરેટ અનગ ઊભા થતા નથી. કુલ મળીને ઊંચી નાણાકીય ખાધ ટૂંકા ગાળે હકારાત્મક પુરવાર થાય પણ વ્યાજના દર/ટેક્સ થોડા સમય ગાળા પછી ઊંચા જાય છે જે આ ફાયદાઓને ખાઈ જાય. 

નાણાં ખાધને કાબૂમાં રાખવા માટે બજેટ સિવાયના ઉપાયો પર સરકાર ભાર મૂકે એ શક્યતા વધુ છે. જ્યારે બજારમાંથી બોન્ડ બહાર પાડી ઓછું બોરોઇંગ બતાવવા માટે લોન, ગેરંટી કે અન્ય રીતે સરકાર નાણાં ઊભા કરે છે ત્યારે નાણાં ખાધ ઓછી રહે અને નાણાકીય શિસ્તમાં સરકાર ચાલી રહી છે એવો આભાસ ઊભો થાય છે. અત્યારે જ્યારે કેન્દ્રિય બજેટને ફાઈનલ ટચ અપાઇ રહ્યો છે ત્યારે બજેટ ૨૦૨૨-૨૩ માટે કેન્દ્ર સરકાર રાહત આપવા માટે જો સરકારી પટારો ખોલે તો સરકારી ખર્ચ વધી જાય અથવા તો આવક જતી કરવી પડે એમ છે. સરકાર આ સ્થિતિમાં કયો રસ્તો અપનાવે છે તે જોવાનું રહે છે. ગત બજેટની વાત કરીએ તો એમાં ૭૦ ટકા એટલે કે ૧૪.૫૧ લાખ કરોડ જેટલી રકમ રિઝર્વ બેન્ક દ્વારા લેવામાં આવેલ પગલાં થકી ઊભી કરાઇ હતી. 

બજેટ ૨૦૨૨-૨૩ સામે સૌથી મોટો પડકાર ઘણી બધી અપેક્ષાઓને બજેટમાં રાહત, પ્રોત્સાહન અને ફંડિંગની અપેક્ષાના રૂટથી સંતોષવાનો છે. જીડીપીમાં ત્રીજો હિસ્સો ધરાવતા MSME ક્ષેત્રને બજેટમાં રાહત, પ્રોત્સાહન અને ફંડિંગની અપેક્ષા છે. ભારતમાં લગભગ ૬.૩૩ કરોડ જેટલા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ (SME) એકમો છે. આ એકમો થકી રોજગારીમાંઅને દેશના અર્થતંત્રમાં આ ક્ષેત્ર મોટો ફાળો આપે છે. તકલીફની વાત એ છે કે દેશના કુલ ૩૦ ટકા MSME મેન્યુફેક્ચરિંગમાં, ૩૬ ટકા ટ્રેડિંગ કે વ્યાપાર સાથે સંકળાયેલા છે. પણ સૌથી મોટી સમસ્યા કુલ ૬.૩૩ કરોડમાંથી ૬.૩૦ કરોડ એકમો સૂક્ષ્મ (માઈક્રો) છે, ૩.૩૧ લાખ લઘુ અને માત્ર પાંચ લાખ જ મીડીયમ કે મધ્યમ શ્રેણીમાં આવે છે. એકમ જેમ નાનું હોય તેમ તેની સમસ્યા વધારે વિકરાળ હોય છે. ઓછી મૂડી, ઓછા કામદારો અને સામે ખરીદનારાઓ મોટા હોય એટલે આ ક્ષેત્રને કોઇ અણધાર્યા ઝટકો લાગે તો એ સામે ઊભા રહેવાની ક્ષમતા બહુ મર્યાદિત હોય છે. આ કારણથી NPAની લિમિટમાં વધારો, તેમને કરેલ માલસામાનના સપ્લાય સામે સમયસર પેમેન્ટ મળી જાય તે, એકાએક માંગમાં વધારો અથવા ઘટાડો, આ બધામાંથી કોઈ એક પણ સામનો કરવાનો આવે તો બહુ ભારે પડી જાય છે. આમ MSME ક્ષેત્રની ઉપરોક્ત મર્યાદાઓ ઉપરાંત તેમની NPAની વ્યાખ્યા બદલાય અને કોલેટરલ ફ્રી લોનની મર્યાદા વધે તે ઉપરાંત અગાઉ ચર્ચી ગયા તે ક્ષેત્રમાં રાહત મળે એ અપેક્ષા સંતોષવી સરળ નથી.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button