નબળા રૂપિયાથી નિકાસમાં મદદ મળશે પણ ઉદ્યોગોના માર્જિન પર દબાણ આવશે
– નબળો રૂપિયો સમગ્ર અર્થતંત્ર માટે ચિંતાજનક બાબત
– તાજેતરમાં ડોલર સામે રૂપિયા એ 77.01ની ઐતિહાસિક નીચી સપાટી બનાવી, યુદ્ધ બાદ 3.2% જેટલો તૂટયો
ક્રૂ ડ ઓઇલની આગઝરતી તેજીથી દાઝેલુ ભારત હાલ તેના ચલણ રૂપિયાના મૂલ્યમાં ધોવાણથી પીડાઇ રહ્યુ છે. તાજેતરમાં ડોલર સામે રૂપિયા અત્યાર સુધીની સૌથી નીચી સપાટી ૭૭.૦૧ને સ્પર્શ્યો હતો. હાલના સમયે ક્રૂડ ઓઇલમાં ઉછાળો – ભારતના આયાત બિલમાં કમરતોડ વધારો કરશે અને પરિણામરૂપ રાજકોષીય ખાધ અને ચાલુ ખાતાની ખાધ વધવાની સમસ્યા ઉભી થશે. રશિયા-યુક્રેનના યુદ્ધથી સમગ્ર દુનિયામાં મોંઘવારી બેફામ બની છે, જેમાં ઓઇલ-ગેસ, સ્ટીલ, કૃષિ પેદાશો, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ નોંધપાત્ર વધ્યા છે, જેના લીધે પહેલાથી જ ઉંચા ઉત્પાદન ખર્ચનો સામનો કરી રહેલી કંપનીઓના માર્જિનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.
આવી પરિસ્થિતિઓમાં મોટી કંપનીઓના કરન્સી હેજિંગ ખર્ચમાં પણ વધારો થાય છે. ખર્ચમાં વધારો કંપનીઓના રોકડ પ્રવાહને અસર કરી શકે છે અને હાઉસિંગ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં સંભવિત વિલંબ થવાની શક્યતા રહે છે.
મોટાભાગના આયાતી કેપિટલ ગુડ્સની કિંમત પણ એવા સમયે વધી રહી છે જ્યારે સરકારે આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે મૂડી ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં લગભગ ૪૦ અબજ ડોલરની મશીનરી અને ઓટો કમ્પોનન્ટ્સ સહિત અન્ય ૧૩ અબજ ડોલરના ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટની આયાત કરી છે. આ બંને સેગમેન્ટ સાથે મળીને દેશની મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટનો ૧૧% જેટલો હિસ્સો ધરાવે છે.
ઉદ્યોગ જગતના નિષ્ણાંતો કહે છે કે, રૂપિયાના મૂલ્યમાં ધોવાણ એ મોંઘા કાચા માલ, મજૂરી અને ટાન્સપોર્ટે સ્વરૂપે રિયલ એસ્ટેટને અસર કરે છે, જેની લાંબા ગાળે પ્રોજેક્ટની વાયેબિલિટી પર ઉંડી અસર થાય છે. નબળો રૂપિયો ક્રૂડ ઓઇલના આયાત બિલમાં વધારો કરશે, જે ઊંચા ઇંધણ અને લોજિસ્ટિક્સ ખર્ચ તરફ દોરી જશે. ભારતીય ચલણમાં ચાલુ વર્ષે ડોલર સામે ૩.૫ ટકા જેટલો નબળો પડયો છે અને ૨૪ ફેબ્રુઆરીના રોજ યુક્રેનમાં રશિયાની લશ્કરી કાર્યવાહી બાદથી ૩.૨% જેટલુ ધોવાણ થયુ છે.
માત્ર ક્રૂડ ઓઈલ જ નહીં પરંતુ વિવિધ ઉદ્યોગો માટેના એક ચાવીરૂપ કાચા માલ, કોલસાના ભાવમાં પણ વધારો થવાની તૈયારી છે. નાણાકીય વર્ષ ૨૦૨૨ના ત્રીજા ક્વાર્ટરમાં કોકિંગ કોલની કિંમત ૬૫-૭૦ ટકા વધ્યા બાદ માર્ચ ક્વાર્ટરમાં હજી ૧૫ ટકા ભાવ વધવાની દહેશત છે. ઉપરાંત સ્થાનિક મિલોએ તાજેતરમાં સ્ટીલ સહિત અન્ય ઔદ્યોગિક ધાતુઓની કિંમત વધારી છે. જેનાથી રિયલ એસ્ટેટ, ઇલેક્ટ્રીક – ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, ઓટોમોબાઇલ સેક્ટર સહિત ઘણા ઉદ્યોગો પ્રભાવિત થશે. ભારતમાં મોટા ભાગના સ્થાનિક ઉત્પાદકો કરન્સી હેજિંગ ધરાવતા હોતા નથી. આથી તેમને ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ફરજિયાતપણે ગ્રાહકો પર ખસેડવાની ફરજ પડે છે જે ક્યારેક વેચાણમાં ઘટાડો અને ફુગાવાજન્ય મંદીમાં પરિણમે છે.
પ્લાસ્ટિક અને એફએમસીજી જેવી ઇન્ડસ્ટ્રીઝ જેઓ તૈયાર માલના ઉત્પાદન માટે રિ-મટિરિયલની આયાત કરે છે તેમનું માર્જિન આગામી ત્રિમાસિક દરમિયાન રૂપિયામાં નબળાઈને લીધે દબાણ હેઠળ રહેશે. નબળો રૂપિયો કેટલાંક જ ઉદ્યોગોને મદદરૂપ બને છે પરંતુ સાર્વત્રિક રીતે જોઇએ તો સમગ્ર અર્થતંત્ર માટે નકારાત્મક બબત છે.