નબળા રૂપિયાને ટેકો આપવા રિઝર્વ બેન્કે ડોલર વેચવાની ફરજ પડશે
– મોંઘવારી વધતા માંગ ઘટશે જેની સીધી પ્રતિકુળ અસર દેશના ઉત્પાદન, મૂડીરોકાણ અને આર્ર્થિક વિકાસ પર થશે
કોરોના મહામારીના બે વર્ષ સુધી પડેલા કમરતોડ ફટકાથી માંડ માંડ રિકવરીના પાટે જઇ રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થાને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધથી ફરી મોટો આંચકો લાગ્યો છે. કેટલાંક તો આ યુદ્ધને ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત હોવાનું જણાવી રહ્યા છે. એક વાત સ્પષ્ટ છે કે યુદ્ધથી ક્યારેય કોઇનું ભલુ થયુ નથી પછી તે કોઇ વ્યક્તિ હોય, દેશ હોય કે દુનિયા હોય. આ યુદ્ધથી બેઠુ થવાનો પ્રયાસ કરી રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને ફરી મુઠમાર વાગ્યો છે. ભારત માટે ઇકોનોમિક રિકવરીની દ્રષ્ટિએ ‘યે રાસ્તા નહીં આસાં’ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. યુદ્ધ બાદ ભારતે ચારેય બાજુથી પડકારો – મુશ્કેલીઓનો સામનો કરવા સજ્જ રહેવુ પડશે.
ભારતના પરિપેક્ષ્યની રીતે આ યુદ્ધના પરિણામ સ્વરૂપ ક્ડ ઓઇલ – ગેસ – ખાદ્યતેલો સહિત ઘણી ચીજોની કિંમતો વધતા મોંઘવારી બેફામ બનશે – ખાદ્યચીજો , શેરબજારમાં મોટા કડાકા આવશે, વિદેશી રોકાણકારોની વેચવાલી વધુ તીવ્ર બનશે, રાજકોષીય ખાધ – ચાલુ ખાતાની ખાધ વધુ પહોળી થશે, યુએસ ફેડ રિઝર્વની વ્યાજદરમાં વૃદ્ધિની પ્રતિકુળ અસરો થશે. રશિયા-યુક્રેેનના યુદ્ધની ભારતીય અર્થતંત્ર પરની અસરોને વિગતવાર સમજીયે…
મોંઘવારી બેફામ બનશે
મહામારી બાદ મોંઘવારી બેફામ બની છે. યુદ્ધને પગલે ક્ડ ઓઇલની કિંમતો ૧૦૫ ડોલર પ્રતિ બેરલને કુદાવી ગઇ છે. ક્રૂડની સાથે સાથે પાછળ કુદરતી ગેસના વાયદામાં ઉછાળો આવ્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ક્ડ ૩૦ ટકા જેટલુ ઉછળ્યુ છે. ભારત દુનિયામાં ક્રૂડનો સૌથી મોટો આયાતકાર દેશ હોવાથી કિંમત વધતા સૌથી વધુ મુશ્કેલી તેને જ પડશે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પત્યા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમત લગભગ પાંચથી ૧૦ રૂપિયાની વચ્ચે વધવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેવી જ રીતે રાંધણ ગેસની કિંમતોમાં વધારો તોળાઇ રહ્યો છે જે મોંઘવારીમાં પિસાઇ રહેલા લોકોના ઘરનું બજેટ ખોરવાઇ નાંખશે.
રાજકોષીય ખાધ, CAD પહોંળી જશે…
રાજકોષીય ખાધ અને ચાલુ ખાતાની ખાધને અંકુશમાં રાખવાના ભારતના પ્રયાસો પર આ યુદ્ધ પાણી ફેરવી શકે છે. ક્રૂડમાં તેજીથી તેની પડતર મોંઘી થશે. ક્રૂડ ખરીદવા, તેના વેચાણ પર સબસીડિ પાછળ ભારત દરવર્ષે અબજ ડોલર ખર્ચ કરે છે જે સરકારી તિજોરી પર દબાણ લાવે છે. જેથી ભારતની રાજકોષીય ખાધ અને ચાલુ ખાતાની ખાધ (કરન્સ એકાઉન્ટ ડેફિસિટ/ભછઘ) વધુ પહોંળી થઇ શકે છે. ભારત દરરોજ ૪૦ લાખ બેરલ ક્ડની આયાત કરે છે, જો તેના ભાવ ૧૦ ડોલર વધે તો દૈનિક ૪ કરોડ ડોલરનો વધારાનો બોજ પડશે. સરકારે તાજેતરના બજેટમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે રાજકોષીય ખાધનો અંદાજ રૂ. ૧૬,૬૧,૧૯૬ કરોડ મૂક્યો છે. તો વર્ષ ૨૦૨૧-૨૨માં તે વધારીને રૂ. ૧૫,૯૧,૦૮૯ કરોડ કર્યો છે જે બજેટ અંદાજમાં રૂ. ૧૫,૦૬,૮૧૨ કરોડ હતો. ટકાવારીની રીતે ચાલુ વર્ષે રાજકોષીય ખાધ દેશની જીડીપીના ૬.૯ ટકા અને આગામી વર્ષે ૬.૪ ટકા રહેવાનો અંદાજ છે. જો કે યુદ્ધ બાદ આ અંદાજો અસ્તવ્યસ્ત થઇ શકે છે.
US ફેડની વ્યાજ વૃદ્ધિ
ફુગાવો વધવાનું મુખ્ય કારણ ક્ડ સહિતના એનર્જી ોતની કિંમતો આસમાને પહોંચી છે. તાજેતરમાં ક્રુડમાં ભડકા બાદ મોંઘવારીને ડામવા અમેરિકાની ફેડ રિઝર્વ માર્ચમાં જલ્દીથી જલ્દી વ્યાજદર વધારવાનો નિર્ણય લઇ શકે છે કે તેને ત્યાં ફુગાવો ૪૦ વર્ષની ટોચે પહોંચ્યો છે અને લોકો માટે ઘરખર્ચ ચલાવવું મુશ્કેલ બની ગયુ છે. અમેરિકા બાદ ભારત સહિત દુનિયાભરના દેશોની મધ્યસ્થ બેન્કો વ્યાજદરમાં વૃદ્ધિ મામલે ગંભીરતાપૂર્વક આગળ વધશે. રિઝર્વ બેન્ક પણ વહેલાસર વ્યાજદર વધારે તો નવાઇ ન પામતા. પરિણામે ભારતમાં વ્યાજદર વધતા સામાન્ય વ્યક્તિઓ અને કંપનીઓ માટે લોન મોંઘી થશે.
RBI હૂંડિયામણ વેચી ટેકો આપશે
યુક્રેન પર રશિયાના આક્રમણના દિવસે જ ડોલર સામે રૂપિયો ૧૧૦ પૈસા તૂટીને ૭૫.૬૫ના સ્તરે પહોંચી ગયો હતો જે ભારતીય ચલણ માટે ૧૦ મહિનાનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો બન્યો છે. યુદ્ધ બાદ હવે યુદ્ધને પગલે મોંઘવારી વધતા અમેરિકાની મધ્યસ્થ બેન્કે ઝડપથી વ્યાજદર વધારશે જેની અસર કરન્સી માર્કેટમાં ડોલર મોંઘો થશે અને રૂપિયાનું મૂલ્ય ઘટશે. ફોરેક્સ એનાલિસ્ટોએ ૧ ડોલરનું મૂલ્ય ૭૬ રૂપિયા થવાની આગાહી કરી રહ્યા છે. રૂપિયાનું મૂલ્ય ઘટતુ રોકવા નાછુટકે રિઝર્વ બેન્કે પોતાની પાસે રહેલા ડોલર રૂપી વિદેશી હૂંડિયામણનું વેચાણ કરવુ પડશે. ડોલર સામે રૂપિયો નબળો પડતા ભારત માટે વિદેશમાંથી આયાત વધુ ખર્ચાળ બની જશે.
વિદેશી રોકાણકારો ઉચાળા ભરશે
યુએસ ફેડ રેટના હાઉ વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી ચોખ્ખા વેચવાલીની ભૂમિકામાં રહેલા વિદેશી રોકાણકારો તીવ્ર ગતિથી ઉચાળા ભરશે, જેના પરિણામે ભારતીય શેરબજારમાં વધુ ઘટાડો આવી શકે છે જેની સીધી અસર માર્કેટમાં રોકાણ કરનાર વ્યક્તિઓને થશે. નોંધનીય છે કે, છેલ્લા પાંચ મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી લગભગ રૂ. ૧.૭૫ લાખ કરોડનું રોકાણ પાછું ખેંચ્યુ છે.
સરકારના બોરોઇંગ પ્લાનમાં અવરોધ સર્જાશે
બજેટમાં બોરોઇંગ વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કેન્દ્ર સરકારે બજારમાંથી અધધધ… રૂ. ૧૪.૯૫ લાખ કરોડ ઉધાર લેવાની યોજના બનાવી છે. કોરોના મહામારી દરમિયાન અર્થતંત્રને ટેકો આપવા અને સબસીડિ પેટે પહેલાંથી જ જંગી ખર્ચ કરાયો છે જેનાથી સરકારી તિજોરી પર દબાણ આવ્યુ છે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે સરકારે રૂ. ૧૨.૦૫ લાખ કરોડના બોરોઇંગનો અંદાજ મૂક્યો હતો જે સુધારીને રૂ. ૧૦.૪૬ લાખ કરોડ કર્યો છે.