ફરી એકવાર નિકાસ વૃધ્ધિની ગતિ ધીમી પડતા ચિંતામાં વધારો
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ડિસેમ્બરમાં માલસામાનની નિકાસમાં રેકોર્ડ ઉછાળો આવ્યા બાદ જાન્યુઆરીમાં ભારતની નિકાસમાં વૃદ્ધિની ગતિ ધીમી પડી હતી. જોકે, વિશ્વભરમાં ઓમિક્રોનના કેસોમાં વધારો થવા છતાં, તે સતત ૧૧મા મહિને ૩૦ બિલિયન ડોલરથી ઉપર રહી છે. જાન્યુઆરીમાં મર્ચેન્ડાઈઝ નિકાસ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૨૭.૫૪ ટકા વધીને ૩૪.૫ બિલિયન ડોલર થઈ છે, કારણ કે ભારતના ઉત્પાદનોની વૈશ્વિક માંગ સતત વધી રહી છે. એન્જિનિયરિંગ ગુડ્સ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ઓર્ગેનિક અને ઈનઓર્ગેનિક કેમિકલ્સ, દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સની નિકાસ મજબુત રહી હતી.
જોકે, અગાઉના મહિનાની સરખામણીએ નિકાસમાં ૮.૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં ભારતની વ્યાપારી ચીજવસ્તુઓની નિકાસ ૩૩૫.૮૮ બિલિયન ડોલર રહી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૪૬ ટકા વધુ છે. સરકારે ૨૦૨૨ના નાણાકીય વર્ષમાં ૪૦૦ બિલિયન ડોલરનો નિકાસ લક્ષ્યાંક રાખ્યો છે. આયાત પણ સતત વધી રહી છે. દેશે ૫૧.૯૩ બિલિયન ડોલરની આયાત કરી છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીમાં ૨૩.૫૪ ટકા વધુ છે. પરિણામે, ભારત ૧૭.૪૨ અબજ ડોલરની વેપાર ખાધ સાથે ચોખ્ખો આયાતકાર છે.
અભ્યાસી વર્તુળોના મતે સોનાની મુવમેન્ટમાં ઘટાડો અને ઓછી માંગ, કોરોનાની ત્રીજી લહેર અને લાદવામાં આવેલા નિયંત્રણોએ વ્યાપારી વેપાર ખાધને ઘટાડવામાં મદદ કરી છે અને તે જાન્યુઆરીમાં ૧૭.૪ બિલિયન ડોલરની ૫ મહિનાની નીચી સપાટીએ હતી.
ભારતે ૨.૪ બિલિયન ડોલરના સોનાની આયાત કરી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા ૪૦.૫ ટકા ઓછી છે. એકંદરે, જોકે, એપ્રિલ-જાન્યુઆરી દરમિયાન સોનાની આયાત ૯૪ ટકા વધીને ૪૦.૪ અબજ ડોલર થઈ હતી. સોનું ભારતના આયાત બિલમાં બીજી મુખ્ય કોમોડિટી છે.
૨૦૨૧માં સોનાની આયાતમાં વધારાનું મુખ્ય કારણ ૨૦૨૦માં માંગમાં ઘટાડો છે. અમારું માનવું છે કે ૨૦૨૨માં સોનાની આયાત ૩૦થી ૩૫ અબજ ડોલરની રહેશે. ચાલુ ખાતાની ખાધ ફાઈનલ ઇયર ૨૦૨૨ના ત્રીજા ક્વાર્ટરમાં વધીને ૨૬ થી ૨૯ બિલિયન ડોલર થવાની ધારણા છે. જ્યારે ફાઈનલ ઇયર ૨૦૨૨ના ચોથા ક્વાર્ટરમાં તે ઘટીને ૧૫-૧૭ બિલિયન ડોલર થઈ જશે.
નોન-પેટ્રોલિયમ અને નોન-જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ, જે સ્થાનિક ઔદ્યોગિક માંગ માટે સૂચક છે. તે જાન્યુઆરીમાં ૨૭.૧૦ બિલિયન ડોલર રહી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૧૯.૪ ટકા વધુ છે. આ વર્ષે નિકાસ ક્ષેત્રે સારો દેખાવ કર્યો છે, ખાસ કરીને સપ્ટેમ્બરમાં આયાત ઊંચી રહી છે. વ્યાપાર ખાધ નાણાકીય વર્ષમાં ૧૯૦ બિલિયન ડોલરની સર્વકાલીન ઊંચી સપાટીને સ્પર્શે તેવી શક્યતા છે. જોકે, સર્વિસ સેક્ટરે ટ્રેડ સરપ્લસ બનાવ્યું છે, જેની અસર જોવા મળશે.