બજેટમાં કોપર કોન્સન્ટ્રેટની ઈમ્પોર્ટ ડયુટી ઘટાડી ઝીરો કરવામાં આવે એવી શકયતા
– એલ્યુમિનિયમ સ્ક્રેપની ઈમ્પોર્ટ ડયુટી વધશે? આયર્ન-સ્ટીલ ઉત્પાદનોને આરઓડીટીઈપી યોજના હેઠળ આવરી લેવામાં આવશે એવી બજારમાં બતાવાતી આશા
દેશમાં કેન્દ્ર સરકારના નાણાંપ્રધાન દ્વારા મંગળવારે બજેટ રજૂ કરવામાં આવનાર છે દેશના વિવિદ બજારો તથા ઉદ્યોગોની નજર આ બજેટ પર રહી છે. ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સની બજારના ખેલાડીઓ પણ બજેટ પર મીટ માંડીને બેઠા છે. નોન-ફેરસ મેટલ્સ તથા ફેજડરલ મેટલ્સ ઉપરાંત કિંમતી ધાતુઓની બજારની નજર પણ નાણાં પ્રધાન પર રહી છે. દરમિયાન, દેશના ઉદ્યોગજગતનું પ્રતિનિધિત્વ કરતાએસોકેમ સંગઠનના સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં આયાત થતા કોપર કોન્સન્ટ્રેટ પરની ઈમ્પોર્ટ ડયુટી બજેટમાં ઘટાડવામાં આવશે એવી આશા જણાઈરહી છે. કોપર કોન્સન્ટ્રેટ પરની ઈમ્પોર્ટ ડયુટી જે હાલમાં અઢી ટકા રહી છે તે ઘટાડી ઝીરો કરવામાં આવે એવી શક્યતા મેટલ્સ બજારમાં હાલ ચર્ચાઈ રહી છે. આ પ્રશ્ને તાજેતરમાં દિલ્હીમાં નાણાં પ્રધાનને રજૂઆત પણ કરવામાં આવી છે. હવે મંગળવારે આ વિશે નાણાંપ્રધાન કેવો સંકેત આપે છે તેના પર બજારના ખેલાડીઓની નજર રહી છે. કોપર કોન્સન્ટ્રેટ પરની ઈમ્પોર્ટ ડયુટી નાબુદ કરાશે તો ઘરઆંગણે ઉદ્યોગ જગત માટે સમાન તકો (લેવલ પ્લેઈંગ ફિલ્ડ) સર્જાશે ઉપરાંત ફ્રી-ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) હેઠળના વિવિધ દેશોમાંથી દેશમાં જકાત મુક્ત ધોરણે થતી વેલ્યુ એડેડ કોપર ઉત્પાદનોની આયાત સામે ઘરઆંગણાના ઉદ્યોગને રક્ષણ તથા પીઠબળ મળશે એવું આ ક્ષેત્રના જાણકારોએ જણાવ્યું હતું. કોપર ઉદ્યોગમાં મૂળભૂત કાચો માલ (બેઝીક રો-મટીરીયલ)તરીકે કોપર કોન્સન્ટ્રેટનો ઉપયોગ થાય છે. ભારતમાં કોપર કોન્સન્ટ્રેટ બનતું નથી એ જોતાં આવા મહત્ત્વના કાચા માલ પર ઈમ્પોર્ટ ડયુટી ઉઘરાવવી તાર્કીક નથી એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આવી ઈમ્પોર્ટ ડયુટી ઝીરો કરી દેવી જરૂરી છે અને એ માટે દિલ્હીમાં રજૂઆત પણ કરવામાં આવી છે. દેશમાં કોપર કોન્સન્ટ્રેટનો જેટલો વાર્ષિક વપરાશ થાય છે એ પૈકી આશરે ૯૦થી ૯૫ ટકા જથ્થો દરિયાપારથી આયાત કરવામાં આવે છે. ઘરઆંગણે આવો ઉપલબ્ધ પુરવઠો માંડ ૫થી ૧૦ ટકા જેટલો જ મળે છે. બાકીના જથ્થા માટે આપણે આયાત પર આધાર રાખવો પડે છે. ફ્રી-ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળના દેશોમાંથી ઘરઆંગણે થતી રિફાઈન્ડ કોપરની આયાત પર ઝીરો ડયુટી રાખવાંમાં આવી છે. આ વાત આશ્ચર્યજનક રહી છે.
ભારતે હકીકતમાં જાપાન, ચીન, થાઈલેન્ડ, મલેશિયા વિ. દેશોનો દાખલો લેવો જોઈએ એવું જાણકારોએ જણાવ્યું હતું. આ સૂત્રોના જણાવ્યા મુજબ જાપાન, ચીન, થાઈલેન્ડ, મલેશિયા વિ. દેશમાં પણ ઘરઆંગણે કોપર કોન્સન્ટ્રેટનું વિશેષ ઉત્પાદન થતું નથી અને આવી સ્થિતિમાં આ દેશો ડયુટી ફ્રી ધોરણે કોપર કોન્સન્ટ્રેટની આયાત કરતા રહ્યા છે. તો પછી ભારત શા માટે અઢી ટકા ડયુટી ઉઘરાવે છે? એવો પ્રશ્ન બજારમાં પૂછાતો થયો છે. ભારતમાં આવી ડયુટીના પગલે ઘરઆંગણાના સ્મેસ્ટરોને ફટકો પડી રહ્યો છે. ઈન્ડોનેશિયાએ કોપર કોન્સન્ટ્રેટની નિકાસ પર વિવિધ અંકુશો લાદયા છે. આના પગલે ભારતે આવી આયાત માટે ચીલી પર આધાર રાખવો પડે છે. ચીલી જોકે આ માલોની નિકાસ ખાસ કરીને પ્રાથમિક્તાના ધોરણે જાપાન, ચીન વિ. તરફ કરે છે કારણ કે આ દેશોએ ચીલીની કોપર માઈન્સમાં મોટા પાયે ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. આવા માહોલમાં દેશમાં જો ઈમ્પોર્ટ ડયુટી નાબુદ કરવામાં આવે તો દેશના ઉદ્યોગોને ખાસ્સી રાહત થશે ઉપરાંત આ ઉદ્યોગોનો રુંધાયેલો વિકાસ વેગ પકડશે એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
દરમિયાન, આયર્ન એન્ડ સ્ટીલ ઉત્પાદનો ને આરઓડીટીઈપી યોજના હેઠળ લાવવા પણ નાણાંપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે . ઘરઆંગણે આર્યન એન્ડ સ્ટીલના ભાવ વધ્યા છે તથા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રતિકૂળ અસર પડી છે ત્યારે જો ઉપરોક્ત યોજનામાં આર્યન એન્ડ સ્ટીલ ઉત્પાદનોને લાવવામાં આવશે તો નિકાસ બજારમાં આવા ઉત્પાદનો માટે ભારત માટે સરસાઈ વધસે અને ભારત વિશ્વ બજારમાં સ્પર્ધામાં ઊભો રહી શકશે એવું ઈઈપીસીના સૂત્રોએ જણાવ્યું હતું. આ યોજનાને રેમીસન્સ એફ ડયુટીઝ એન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટ પ્રોડકટ તરીકે અળખવામાં આવે છે. દરમિયાન, દેશમાં આયાત થતા એલ્યુમિનિયમ સ્ક્રેપ પરની ઈમ્પોર્ટ ડયુટી વધારી ૧૦ ટકા કરવા પણ દિલ્હીમાં ચર્ચા શરૂ થઈ છે. એલ્યુમિનિયમ એસોસીએશનઓફ ઈન્ડિયા દ્વારા આવી રજૂઆત નાણાંપ્રધાનને કરવામાં આવી છે. હાલ આવી ઈમ્પોર્ટ ડયુટી અઢી ટકા છે. જે વધારી દસ ટકા કરવી જરૂરી છે એવું એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાઈમરી એલ્યુમિનિયમ પરની ઈમ્પોર્ટ ડયુટી હાલ ૭.૫૦ ટકા રહી છે જ્યારે ડાઉનસ્ટ્રીમ એલ્યુમિનિયમ પરની ઈમ્પોર્ટ ડયુટી ૭.૫૦થી ૧૦ ટકા ટકા રહી છે. એલ્યુમિનિયમ
સ્ક્રેપની વાર્ષિક આયાત વધી બે અબજ ડોલર થઈ ગઈ છે. આ બાબતે સરકારે લક્ષ આપવું જરૂરી છે.