બજેટમાં બે મહત્ત્વના મુદ્દે નિરાશા ડિસઇન્વેસ્ટમેન્ટ અને સ્વાસ્થ્ય
– અર્થકારણના આટાપાટા : ધવલ મહેતા
પહેલી ફેબુ્રઆરી ૨૦૨૨ના રોજ રજૂ થયેલા બજેટમાં સૌથી મોટી નિરાશાજનક બાબત એ છે કે આ બજેટમાં સ્વાસ્થ્ય પાછળના બજેટમાં તદ્દન નજીવો વધારો કરવામાં આવ્યો છે. બીજી નિરાશાજનક બાબત એ છે કે આપણે ડીસઇન્વેસ્ટમેન્ટની બાબતમાં એટલે કે ખોટ કરતા સરકારી એકમોને ખાનગી હાથોમાં વેચી દઈને લોકકલ્યાણની યોજનાઓ માટે વધુ નાણાં મેળવવાના હતા તેમાં નિષ્ફળ નીવડયા છીએ. બીએસએનએલના વેચાણનું કોઈ ઠેકાણું નથી. ગયા બજેટમાં સરકાર ૧,૭૫,૦૦૦ કરોડની જાહેર મિલકત વેચી દેશે તેવું ફાયનાન્સ મીનીસ્ટરે વચન આપ્યું હતું તે પૂરું ન થયું માત્ર ૭૮,૦૦૦ કરોડ રૂપિયા આવ્યા તેથી આ બજેટમાં તે માત્ર ૬૫,૦૦૦ કરોડ કરવામાં આવ્યું છે. આપણે કલ્યાણ રાજ્યની દિશામાં આગળ વધવું હોય તો શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓને યુરોપના કલ્યાણ રાજ્યોની જેમ મફત અને ઉચ્ચ ગુણવત્તાવાળી બનાવવી પડશે. કમભાગ્યે ગયા બજેટમાં સ્વાસ્થ્ય સેવાઓ પાછળનો બજેટેડ ખર્ચ ૮૨,૦૦૦ કરોડ રૂપિયા હતો તેમાં તદ્દન નજીવો વધારો માત્ર ૮૩,૦૦૦ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. આ રકમ આપણી જીડીપીના દોઢ કે બે ટકા કરતા પણ ઓછી છે જ્યારે પશ્ચિમી જગત આરોગ્ય સેવાઓ પાછળ તેની જીડીપીમાં ૬ ટકા સુધીનો જંગી ખર્ચ ગણે છે. ભારતમાં એક મોટી પસંદગીમાં એટલે કેે મધ્યમ વર્ગ કે ગરીબવર્ગના કુટુંબમાં આર્થિક પાયમાલી સર્જાય અને તેથી દેવાના ડુંગર થાય તેવી પરિસ્થિતિ યુરોપના કલ્યાણ રાજ્યો કે અમેરિકામાં જોવા મળતી નથી. આ બજેટનું સારું પાસું એ છે કે તેમાં આપણા પ્રત્યક્ષ વેરાની રકમ જે પ્રથમ બજેટમાં અનુમાનિત ૧૨.૫૦ લાખ કરોડ રૂપિયા હતી કે ૨૦૨૨-૨૩ના બજેટમાં વધીને ૧૪.૨૦ લાખ કરોડ અને અપ્રત્યક્ષ કરવેરાની (કસ્ટમ્સ જીએસટી અને એક્સાઇઝ) આવક ગયા બજેટમાં અનુમાનિત ૧૨.૫૮ લાખ કરોડ રૂપિયાથી વધીને ૨૦૨૨-૨૩માં ૧૩.૨૮ લાખ કરોડ રૂપિયા પર પહોંચી જશે. આ બજેટને વિકાસલક્ષી અને ભવિષ્યના ૨૫ વર્ષ માટે આધારરૂપ બજેટ ગણવામાં આવે છે પરંતુ આ બજેટમાં આપણા દેશનું ગ્રોસ ડોમેસ્ટિક કેપિટલ ફોર્મેશન માત્ર ૩૦ ટકા જ થશે તેવું અપેક્ષિત છે જે એક જમાનામાં ૩૩થી ૩૬ ટકા સુધી પહોંચી ગયું હતું. ગ્રોસ કેપિટલ ફોર્મેશનના વધારા સિવાય કોઈ દેશ પોતાની આવક કઈ રીતે વધારી શકે ? વધુ ઉત્પાદનનો પાયો જ ઉંચુ મૂડીરોકાણ છે. વળી આપણે અર્થવ્યવસ્થામાં સ્વનિર્ભર થવા માંગીએ છીએ તેથી ૨૦૨૨-૨૩ના બજેટમાં વિદેશની ૩૫૦ ચીજવસ્તુઓ જે અત્યારે કન્સેશનલ આયાત કરવેરા હેઠળ આયાત કરી શકાય છે તે માટેના કન્સેશન્સ ધીમે ધીમે પાછા ખેંચી લેવામાં આવશે.
અસમાનતા ઃ
આ બજેટમાં આર્થિક વૃદ્ધિ અને વિકાસની વાતો છે પરંતુ આર્થિક સમાનતા ઘડવાનો કોઈ મુસદ્દો જણાતો નથી. આ બજેટ ૨૦૨૨-૨૩ માટે ફીસ્કલ ખાધને જીડીપીથી ૬.૪ ટકા અંદાજે છે. ૨૦૨૧-૨૦૨૨માં તે અનુમાનિત ૬.૯ ટકા હતી ફીસ્કલ ડેફીસીટ ૨થી ૬ ટકા સુધીના પટ્ટામાં રાખવાની સરકારની નેમ હતી તે આ બજેટમાં સફળ થઈ શકશે નહીં. બજેટમાં ફીસ્કલ ખાધ પુરવા સરકારે દેવું કરવું પડે છે. સરકારી દેવા માટે વ્યાજની અને મુદ્દલની ચુકવણીની જંગી રકમનો ખર્ચ આપણે બજેટરી આવકમાંથી આપવો પડે છે. ભારતનું દેવું જે થોડા વર્ષ પહેલાં જીડીપીના ૬૦થી ૭૦ ટકા હતું તે એક અંદાજ પ્રમાણે ૯૦ ટકા થવાની શક્યતા છે. જો સરકારે વ્યાજની જંગી રકમ દેવા પેટે સરકારી આવકમાંથી આપી દેવી પડે તો શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવાઓ માટેની રકમ ક્યાંથી ઉભી થઈ શકવાની હતી. આ બજેટમાં મનરેગા માટેનું બજેટ સરકારે ઘટાડી નાખ્યું છે તે લોક કલ્યાણકારી સરકાર માટે પીછેહઠનું પગલું છે પરંતુ શીક્ષણ માટેના ગયા બજેટમાં ફાળવેલા ૮૮૦૦૦ કરોડ રૂપિયાથી વધારીને એક લાખ ચાર હજાર બસો એંસી કરોડ રૂપિયા કરી નાખ્યા તે સરકારનું શાબાશીજનક પગલું છે. આપણો ટેક્ષ- જીડીપીનો રેશિયો જે ગઈસાલ ૧૦.૮૧ ટકા હતો તે નજીવો ઘટીને ૧૦.૭ ટકા રહેશે.