બજેટમાં સરકારની અગ્રતાઓમાં જોવા મળેલો બદલાવ
નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટની રજુઆત કરતી વેળા દેશના ખેડૂતોની આવક બમણી કરવાની વડા પ્રધાનની જાહેરાતનું શું થયું તે અંગે કોઈ પ્રકાશ પડાયો નથી. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી થતી જોવા મળશે તેવી વડા પ્રધાને ૨૦૧૬માં જાહેરાત કરી હતી, પરંતુ આગામી નાણાં વર્ષના બજેટની રજુઆત કરતી વેળા નાણાં પ્રધાન તરફથી આ મુદ્દે કોઈ જ નિવેદન જોવા મળ્યું નથી. કોરોનાના કાળમાં દેશના આર્થિક વિકાસને ટકાવી રાખવામાં મહત્વનું યોગદાન આપનારા કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રો પર ઘણો જ મર્યાદિત પ્રકાશ પડાયો છે. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે એકંદર ફાળવણીમાં કોરોના પહેલાના વર્ષની સરખામણીએ માત્ર ૨.૨૦ ટકા જેટલો જ વધારો કરાયો છે. નાણાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે રૂપિયા ૧.૪૮ લાખ કરોડ સામે આગામી નાણાં વર્ષ માટે કૃષિ તથા સંલગ્ન ક્ષેત્ર માટે એકંદર રૂપિયા ૧.૫૧ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાણાં વર્ષ ૨૦૨૦-૨૧ તથા ૨૦૨૧-૨૨માં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર અનુક્રમે ૩.૬૦ ટકા અને ૩.૯૦ ટકા રહ્યો હતો.
લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે દેશના ખાસ કરીને પંજાબ તથા હરિયાણાના ખેડૂતોની લાંબી લડત છતાં બજેટમાં ટેકાના ભાવ મુદ્દે કોઈ નિવેદન આવ્યું નથી. ખેડૂતો પાસેથી ખરીદીમાં વધારો કરવાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. તાજેતરના વર્ષોમાં અનેક કારણોસર કૃષિ તથા ગ્રામ્ય આવકો તાણ હેઠળ રહી છે. કૃષિ કાચા માલો માટે તથા બિન-કૃષિ ખર્ચાઓ ખાસ કરીને આરોગ્ય સંભાળ જેવા ખર્ચાઓ પેટે ખેડૂતોએ વધુ નાણાં ચૂકવવાનો વારો આવે છે, જે ખેડૂતો માટે સાનુકૂળ બાબત નથી. તાજેતરમાં જ જાહેર થયેલા આંકડામાં ગ્રામ્ય સ્તરે વેતન વૃદ્ધિના ખાસ પ્રોત્સાહક નહીં હોવાનું જણાવાયું હતું. લેબર બ્યુરોના ડેટા પ્રમાણે સપ્ટેમ્બર ૨૦૨૧થી ગ્રામ્ય વેતનમાં વધારો થયો છે ખરો, પરંતુ આ વધારો એટલો સામાન્ય છે કે તેમાં વૃદ્ધિનો અંદાજ પણ ન આવી શકે.
ખેત મજુરો (પુરુષ)ના વેતનમાં સપ્ટેમ્બરમાં ૨.૬૪ ટકા, ઓકટોબરમાં ૩.૧૦ ટકા તથા નવેમ્બરમાં ૨. ૬૩ ટકા વધારો થયો હતો.જો કે તે પહેલાના સાત મહિના એટલે કે ડિસેમ્બર ૨૦૨૦થી ઓગસ્ટ ૨૦૨૧ દરમિયાન મે મહિનાને બાદ કરતા વેતન દરમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.લાંબા સમય સુધી વેતનમાં સ્થિરતાનો અર્થ આર્થિક રિકવરીનો દેશના નીચલા વર્ગને લાભ થઈ રહ્યો નથી. ગ્રામ્ય સ્તરે વેતન દરમાં નીચી વૃદ્ધિ ગ્રામ્ય વિસ્તારમાં રિકવરી અસ્થિર હોવાનું કહી શકાય. વેતનમાં સામાન્ય વૃદ્ધિ ગ્રામ્ય ઉપભોગતાની ખર્ચશક્તિ વધારતી નથી. દેશના અર્થતંત્રમાં ગ્રામ્ય માગનું ઘણું મહત્વ રહેલું છે.
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશનના સિચ્યુએશન એસેસમેન્ટ સર્વે પ્રમાણે, એક સામાન્ય ખેડૂતને વાવણીની પ્રવૃત્તિમાંથી પ્રતિ દિન રૂપિયા ૧૨૭ની આવક થાય છે, જ્યારે કૃષિ સાથે સંલગ્ન અને બિન-કૃષિ સ્રોતો મારફતની મળીને એક ખેડૂતની દૈનિક આવક રૂપિયા ૩૪૧ જેટલી રહે છે. કોરોનાના કાળમાં ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ તથા ટુ વ્હીલર્સનું ગ્રામ્ય વિસ્તારમાં વેચાણ મંદ રહ્યું છે. આ હકીકતને ધ્યાનમાં રાખી બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે વધુ રાહતો જાહેર કરાશે તેવી અપેક્ષા રખાતી હતી. દેશના એકંદર વિકાસનો ગ્રામ્ય માગ પર વધુ આધાર રહે છે.
કૃષિ ક્ષેત્ર માટે બજેટ જાહેરાત પર નજર નાખીએ તો તેમાં, કેમિકલમુકત કુદરતી ખેતી, લણણી બાદ મૂલ્યવૃદ્ધિને પ્રોત્સાહન, તેલીબિયાંનું ઘરઆંગણે ઉત્પાદન વધારવા માટેની સ્કીમ, રાજ્યોના સહભાગ સાથે ફૂડ પ્રોસેસિંગ માટે વિસ્તૃત પેકેજનો મુખ્યત્વે સમાવેશ થાય છે. ટેકાના ભાવે ખેડૂતો પાસેથી વધુ માલ ખરીદ કરવાની જાહેરાત કરાઈ છે, ખરી પરંતુ અત્યારસુધીના આંકડાઓ પર નજર નાખતા જણાય છે, કે ટેકાના ભાવે ખરીદી મર્યાદિત કૃષિ માલો પૂરતી જ થાય છે. તાજેતરની જ સ્થિતિને ધ્યાનમાં લઈએ તો ઈંધણના ભાવમાં હાલમાં જોરદાર વધારો થયો છે એટલું જ નહીં ખાતર તથા પેસ્ટિસાઈડસની કિંમતો પણ ઘણી ઊંચે ગઈ છે. આ ઉપરાંત પશુઆહારના ખર્ચમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં કૃષિ મારફતની આવકમાં વધારો થવા સામે શંકા છે. ટેકાના ભાવ નિશ્ચિત કરાયા બાદ વધી જતાં ખર્ચ ખેડૂતો માટે પડકારરૂપ સ્થિતિ બનાવે છે.
ગ્રામ્ય વિકાસ તથા કેટલીક મહત્વની સ્કીમ્સ માટે બજેટમાં ફાળવણી વધારાઈ નથી. ગ્રામ્ય વિકાસ પાછળનો ખર્ચ રૂપિયા ૨.૦૬ લાખ કરોડ જેટલો જાળવી રખાયો છે. મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ (મનરેગા) હેઠળ માગ રહેતી હોવા છતાં, તે માટેની ફાળવણી રૂપિયા ૯૮૦૦૦ કરોડથી ઘટાડી રૂપિયા ૭૩૦૦૦ કરોડ કરાઈ છે. ગ્રામ્ય સ્તરે ઉપભોગ વધાર્યા સિવાય એકંદર આર્થિક વિકાસ સાધવાનું મુશકેલ છે.
કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ડિજિટલ ટેકનોલોજીસ, હાઈ-ટેક સર્વિસીઝ અને ડ્રોન્સના ઉપયોગની બજેટમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે. પરંતુ દેશના કુલ ખેડૂતોમાંથી કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ અને રિઅલ ટાઈમ એલર્ટસ મેળવવા માટે ખેત વ્યવસાય સંબંધિત મોબાઈલ એપ્સનો ઉપયોગ કરતા ખેડૂતોની સંખ્યા માત્ર બે ટકા જ હોવાનો તાજેતરના એક અભ્યાસમાં દાવો કરાયો હતો. ખેડૂતોમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ જેવા ટેક સોલ્યુશન્સના સ્વીકારનું સ્તર પણ ઘણું નીચું છે. ટેકોનોલોજીના સ્વીકારમાં ઉદાસીનતાને કારણે જ કદાચ દેશમાં કાર્યરત સ્ટાર્ટ-અપ્સ અને ટેક આધારિત કંપનીઓમાંથી ૯૦ ટકા એવા જ સોલ્યુશન્સ પૂરા પાડે છે જે લણણી પહેલાની કામગીરી પર જ ધ્યાન કેન્દ્રીત કરે છે.
ખેડૂતોની આવક બમણી કરવાની વાતો જે ગયા વર્ષના બજેટ સુધી જોવા મળતી હતી તેનો આ વખતના બજેટમાં એકડો નીકળી ગયો છે. મહત્વની એવી કેટલીક કૃષિ સ્કીમ્સ અટકાવી દેવાઈ છે અથવા તો એકબીજામાં ભેળવી દેવાઈ છે. એકંદરે નાણાં વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ સરકારની અગ્રતાઓમાં બદલાવ આવી ગયાના સંકેત આપે છે.