બ્રાન્ડ નેમ કોઈ ચીજની સફળતા અને નિષ્ફળતા નક્કી કરે છે
– ઉદ્યોગના કૌટુંબિક વિવાદ-વિભાજનમાં એટલે જ દાયકાઓ સુધી નવી પેઢી બ્રાન્ડનું નામ પોતાના નામે કરવા ઝઘડતી રહે છે
ભારતમાં ઉદ્યોગોનો ઈતિહાસ કૌટુંબિક વ્યાપારીઓ કે ઉદ્યોગપતિઓ થકી છે. દાયકા કે સૈકા પહેલા શરૂ થયેલા ઉદ્યોગો જ્યારે નવી પેઢીના હાથમાં આવે છે ત્યારે તેનું વિભાજન થાય છે. વિભાજન પછી કેટલાક કિસ્સાઓમાં આગલી પેઢીએ ઉભી કરેલી બ્રાન્ડ માટે ઝઘડો થાય છે. ક્યારેક વાત મધ્યસ્થીથી પતે છે અને ક્યારેક ઝઘડાં કોર્ટ સુધી પહોંચે છે. અત્યારે ૧૩૪ વર્ષ જૂના કિર્લોસ્કર જૂથ વચ્ચે ૬૬ વર્ષ જૂના હીરો જૂથ વચ્ચે ચાલી રહ્યો છે. બન્નેમાં કુટુંબીજનો કોર્ટમાં જંગે ચડયા છે. ભારતના કોર્પોરેટ ઈતિહાસમાં આ પ્રથમ કિસ્સા નથી, કદાચ છેલ્લા પણ નહી હોય!
વિવાદ અંગે વધુ જાણકારી મેળવતા પહેલા બ્રાન્ડ એટલે શું તે સમજવું જરૂરી છે. લગભગ છ દાયકાથી માર્કેટિંગ ક્ષેત્રે કામગીરી કરનાર અને વિશ્વમાં માર્કેટિંગના પિતામહ ગણાતા ફિલિપ કોટલર કહે છે, ‘બ્રાન્ડ એટલે નામ, શબ્દ, સિમ્બોલ કે આ ચીજોનું મિશ્રણ જેના આધારે બનાવનાર કે વેચાનારની ઓળખ શક્ય છે,’ એટલે સીધો મતલબ થયો કે ગ્રાહક વસ્તુની ખરીદી? આ કોણે બનાવી તે નામ, શબ્દ, સિમ્બોલના આધારે કરે છે. આ પ્રક્રિયાથી કોઈ કંપની, સંસ્થા, પ્રોડક્ટ કે સેવાના ગ્રાહકોના માનસમાં એક ચોક્કસ સ્થાન મળે છે. ‘ગ્રાહકો મતદાર છે. કોઈ બ્રાન્ડને સફળ કરવી કે તેને ધ્વસ્ત કરવી કે તેના આધારે ખરીદી કરવી કે નહી તેનો નિર્ણય ગ્રાહક લેતા હોય છે,’ એમ કોટલર ઉમેરે છે.
બ્રાન્ડની આ દુનિયા બહુ મોટી છે અને તેના આધારે વસ્તુના ભાવ, કોઈ ઉત્પાદક બીજા ઉત્પાદક કરતા તેને સસ્તી કે વધુ મોંઘી વેચી શકે છે. જેમકે, એપલ – કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન્સ બનાવતી આ કંપની એક મોટી બ્રાન્ડ છે અને તેના ઉત્પાદન સૌથી ઉંચી કિંમતે વેચાય છે. બ્રાન્ડ સાથે ગ્રાહકોનો અનુભવ તેને લોયેલ્ટી પણ આપે છે. ગ્રાહક એક સારા અનુભવ પછી ગ્રાહક, ભલે કોઈ સસ્તું વેચતું હોય, પણ વધુ પૈસા આપી તેને ફરીને ફરી ખરીદવા ઈચ્છે છે. આ અનુભવના આધારે વિશ્વાસ બંધાય છે. બીજી પ્રોડક્ટ કરતા તેને પ્રાથમિકતા મળે છે અને એટલે જ જ્યારે કુટુંબમાં બિઝનેસનું વિભાજન થાય છે ત્યારે ભાઈઓ કે પિતરાઈ નવી બ્રાન્ડ માટે નહિ પણ બજારમાં ઉપલબ્ધ, સ્થપાયેલી અને વિશ્વસનીય હોય તેવી બ્રાન્ડ ચાલુ રાખવા, તેની મલિકી પોતાની પાસે રહે તેના માટે ઝઘડે છે. વિવાદ ઉભા થાય છે.
કિર્લોસ્કર જૂથનો વિવાદ
દેશના સૌથી જૂના ઔદ્યોગિક જૂથ એવા કિર્લોસ્કરમાં અગાઉ પણ એક ઝઘડો જોવા મળ્યો છે. કુટુંબમાં પ્રથમ વખત બિઝનેસ વિજય કિર્લોસ્કર અલગ થઇ ગયા હતા અને જૂથના હેડક્વાર્ટર પુના છોડી બેંગ્લોર સ્થાયી થયા હતા. વિજય અત્યારે કિર્લોસ્કર ઇલેક્ટ્રિકલના ચેરમેન છે.
છેલ્લા બે વર્ષથી હવે બીજો વિવાદ શરૂ થયો છે અને આ વખતે ઝઘડો છે કે ‘કિર્લોસ્કર’ બ્રાન્ડનું માલિક કોણ? વિજય કિર્લોસ્કરે પોતાના પિતરાઈઓ અને તેના પુત્રો સામે આ બ્રાન્ડનો ઉપયોગ નહી કરવા માટે કેસ કર્યો છે. બીજી તરફ, બાકીના જૂથમાં સંજય, અતુલ વચ્ચે પુનામાં એક જમીન માટે પણ હવે બિઝનેસમાં બ્રાન્ડના નામ માટે ઝઘડો ચાલી રહ્યો છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોચેલો છે. મુંબઈ હાઈકોર્ટે અગાઉ બધા જ પક્ષકારોને વાતચીતથી આ મામલાનો હલ લાવવા માટે આદેશ કરેલો છે.
કિર્લોસ્કર જૂથ ઓઈલ એન્જીન, સબમર્સીબલ પમ્પ, વાલ્વ, તેને સંબંધિત ઇલેક્ટ્રિક મશીન, પાર્ટ્સ બનાવતું દેશનું સૌથી મોટું જૂથ છે અને દરેક પ્રોડક્ટ માત્ર કિર્લોસ્કરના નામ માત્રથી વેચાય છે. આ જૂથની સંખ્યાબંધ કંપનીઓ છે અને અલગ અલગ કંપનીઓનું નેતૃત્વ અલગ અલગ કુટુંબીજનોના હાથમાં છે. અત્યારે ઝઘડો કિર્લોસ્કર બ્રધર્સના સંજય કિર્લોસ્કર અને અતુલ વચ્ચે શરૂ થયો છે. સંજયના મોટાભાઈઓ અતુલ અને રાહુલે પોતાની પમ્પ બનાવતી કંપની થકી લા ગજ્જર મશીનરીમાં હિસ્સો ખરીદ્યો છે. આ કંપની પણ પમ્પ બનાવે છે અને જાહેરાતમાં લખે છે ‘૧૩૦ વર્ષની પરંપરા’ જે કિર્લોસ્કર તરફ નિર્દેશ કરે છે. બન્ને પક્ષનો વિવાદ છે કે કુટુંબમાં ભાગલા સમયે સમજૂતી કરાર થયા ત્યારે કિર્લોસ્કર બ્રાન્ડની માલિકી સંજય પાસે હતી અને હવે રાહુલ અને અજય તેનો ઉપયોગ કરી શકે નહી. જ્યારે બન્ને મોટાભાઈઓ કહે છે કે માત્ર મિલકતના ભાગ પડયા હતા બ્રાન્ડના નહી! હવે સુપ્રીમ કોર્ટ આ કેસમાં આગળ દલીલ સાંભળી નિર્ણય લેવાની છે.
હીરો જૂથમાં ઇલેક્ટ્રિક
વાહનો માટે લડાઈ
હીરો સાયકલની સ્થાપના ૧૯૫૬માં થઇ અને તેમાંથી એક જૂથ છુટું પડયું અને તેમણે એંસીના દાયકામાં હોન્ડા સાથે જોડાણ કરી હીરો હોન્ડા મોટરસાયકલ શરૂ કર્યા. હોન્ડા અને હીરો જૂથના આ જોડાણનો હવે અંત આવ્યો છે અને હીરો મોટોકોર્પ પવન મુંજાલ ચલાવે છે. હીરો મોટોકોર્પ આજે દેશમાં સૌથી વધુ મોટરસાયકલ વેચતી કંપની છે. હીરોસાયકલ પણ સૌથી મોટી સાયકલ ઉત્પાદક કંપની છે તેની સાથે હીરો ઇલેક્ટ્રિક નામની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બનાવતી કંપની પણ જોડાયેલી છે.
હીરો ઇલેક્ટ્રિક ૧૫ વર્ષથી વિજય મુંજાલ અને તેના પુત્ર નવીન મુંજાલ ચલાવે છે અને ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવે છે. વિજય મુંજાલે હીરો બ્રાન્ડ સાથે હીરો મોટોકોર્પના પવન મુંજાલ ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવે કે વેચે નહી તેના માટે દિલ્હી કોર્ટમાં કેસ કર્યો છે. આ કેસનો ઉકેલ આવે પહેલા વિવાદ ટાળતા પવન મુંજાલે પોતાના ઇલેક્ટ્રિક ટુવ્હીલર કંપની માટે અલગ ‘વીડા’ નામની બ્રાન્ડ તા.૪ માર્ચના લોન્ચ કરી છે. આ કંપની તા.૧ જુલાઈથી ભારતમાં ટુ-વ્હીલર ઉત્પાદન અને વેચાણ શરૂ કરશે.
બ્રાન્ડ માટે કેટલાક જૂના વિવાદ
એપોલો જૂથ
એપોલો ટાયર્સ બનાવતી આ કંપની માટે પહેલા પુત્ર ઓંકાર કંવર અને પિતા રૌનક સિંઘ વચ્ચે નેવુંના દાયકામાં વિવાદ થયો હતો. આ પછી દસ વર્ષ પહેલા ઓંકાર અને તેના ભાઈ નરીન્દર જીત કંવર વચ્ચે ઝઘડો થયો હતો.
રેનબક્સી
એંસીના દાયકામાં ભાઈ મોહન સિંઘે પોતાના બિઝનેસના ત્રણ ભાગ કરી પરવિંદર, મનજીત અને અંજલિતને સોંપ્યા હતા. તેમાંથી રેનબક્સી લેબોરેટરી પરવિંદર પાસે આવી હતી. આ પછી રેનબક્સી માટે પિતા અને પુત્ર વચ્ચે લાંબો ઝઘડો ૧૯૯૯માં જોવા મળ્યો હતો અને પિતાએ નમતું જોખવું પડેલું. આ પછી આ કંપની ત્રીજી પેઢી માલવિન્દર અને શિવેન્દરના હાથમાં આવી જેમને ફોર્ટીસ જૂથની સ્થાપના કરી. રેનબક્સી સન ફાર્માએ ખરીદી લીધી છે અને ફોર્ટીસમાં લોનની ઉચાપતમાં બન્ને ભાઈઓ સામે વિવિધ કેસ ચાલી રહ્યા છે, જેલમાં પણ જવું પડયું છે.
સિરિલ અને શાર્દુલ શ્રોફ
દેશની સૌથી મોટી લો ફર્મ અમરચંદ મંગળદાસ અને સુરેશ શ્રોફ એન્ડ કંપનીમાં પણ વિભાજન જોવા મળ્યું હતું. વર્ષ ૨૦૧૫માં આ કંપની સિરિલ શ્રોફ અને તેના ભાઈ શાર્દુલ વચ્ચે વહેચી દેવામાં આવી હતી. આ બન્ને ભાઈઓ વચ્ચે પણ ઝઘડો કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત, એસ્કોર્ટના નંદા બંધુઓ, બજાજ જૂથ, રિલાયન્સ જૂથ, નસ્લી વાડિયા અને તેના પિતા વચ્ચે પણ ઝઘડા જોવા મળ્યા છે.