ભારતીય સ્ટાર્ટ અપ્સમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ અકબંધ
– આગામી સમયમાં 45 થી વધુ સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન બને તેવી શક્યતા
મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ ભારત સ્ટાર્ટ અપ્સ મોરચે હરણફાળ ભરી રહ્યું છે. વિદેશી રોકાણકારો એક તરફ ભારતીય શેરબજારમાંથી પોતાનું ભંડોળ પાછું ખેંચી રહ્યા છે. તો બીજી તરફ તેઓ ભારતીય સ્ટાર્ટઅપ્સમાં વધુને વધુ નવું ભંડોળ ઠાલવી રહ્યા છે. વિદેશી રોકાણકારોના આ વલણના કારણે તાજેતરમાં એક્સપ્રેસબિઝ સ્ટાર્ટઅપ્સ આઠમું યુનિકોર્ન બન્યું છે. નિષ્ણાંતોના મત મુજબ આગામી સમયમાં ભારતમાં ૪૫ થી વધુ સ્ટાર્ટઅપ્સ ૧ બિલિયન ડોલરથી વધુનું મુલ્યાંકન હાંસીલ કરવાની ક્ષમતા ધરાવે છે.
તાજેતરમાં રજૂ થયેલા એક સર્વે મુજબ ૨૦૨૧ના વર્ષમાં પીઈ (પ્રાઈવેટ ઇક્વિટી) કંપનીઓ દ્વારા ભારતમાં ૧૨૫૮ ટ્રાન્ઝેક્શનમાં ૬૬.૧ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. આ સોદાનું પ્રમાણ ૨૦૨૦ની તુલનાએ ૩૨ ટકા વધુ છે. તેમાં મહત્વની બાબત એ છે કે પીઇ કંપનીઓ દ્વારા થયેલા આ રોકાણમાંથી ૩૫ અબજ ડોલર જેટલું રોકાણ સ્ટાર્ટઅપ્સમાં કરવામાં આવ્યું છે. આમ મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ વિદેશી રોકાણકારોમાં ભારતીય સ્ટાર્ટઅપ્સ પ્રત્યેનો વિશ્વાસ અકબંધ રહેવા પામ્યો છે. આ વિશ્વાસના કારણે જ તાજેતરમા લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ એક્સપ્રેસબિઝ ૩૦૦ મિલિયન ડોલર મૂડી એકત્ર કરીને ૨૦૨૨નું આઠમું યુનિકોર્ન બન્યું છે, જેનાથી કંપનીનું મૂલ્યાંકન ૧.૨ બિલિયન ડોલર થયું છે.
વેન્ચર ઇન્ટેલિજન્સના ડેટા અનુસાર, યુનિકોર્ન ફંડીંગ તબક્કામાં મૂડી એકત્ર કરવાની ગતિએ આ વર્ષે તેજી કરી છે. નાણાકીય વર્ષ ૨૧માં, ૧૩ યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સે મૂડી એકત્ર કરી હતી, જ્યારે નાણાકીય વર્ષ ૨૨માં આવી ૪૭ ટ્રાંચને અત્યાર સુધીમાં ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
એક્સપ્રેસબિઝ સહિત ચાર યુનિકોન્સે ગત અઠવાડિયે મૂડી ઉભી કરી છે. યુનિકોર્ન જૂથમાં જોડાનાર સૌ પ્રથમમાંની એક હોમ ડેકોર કંપની લિવસ્પેસ હતી, જેણે ૧.૨ બિલિયન ડોલરના મૂલ્યાંકન સાથે ખાનગી ઇકિવટી ફંડ કેકેઆરની આગેવાની હેઠળ ૧૮૦ મિલિયન ડોલર મૂડી એકત્ર કરી હતી. આગળ બ્લોકચેન સ્ટાર્ટઅપ પોલીગોન હતું, જેણે સેક્વોઇયા કેપિટલ, ટાઈગર ગ્લોબલ સોફટબેંક વગેરે જેવા રોકાણકારો પાસેથી ૪૫૦ મિલિયન ડોલર એકત્ર કર્યા હતા. તેનું મૂલ્યાંકન ૧૦ બિલિયન ડોલર સુધી પહોંચ્યું અને તે ભારતમાં વેબથ્રીની સૌથી મૂલ્યવાન કંપની બની હતી.
ગત અઠવાડિયે મલ્ટિ-બિલિયન ડોલરના જૂથમાં જોડાનાર ત્રીજી કંપની બીટુબી ઇ-કોમર્સ સ્પેસમાં ઇલાસ્ટિકરન હતી. તેણે સોફટબેંકની આગેવાની હેઠળ ૩૦૦ મિલિયન ડોલર મૂડી એકત્ર કરી છે. માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ પીજીએ લેબ્સના અહેવાલ મુજબ ૪૫ કે તેથી વધુ સ્ટાર્ટઅપ્સ નજીકના ભવિષ્યમાં ૧ બિલિયન ડોલરથી વધુનું મૂલ્યાંકન હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે.
યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ પર નજર
કંપની | ક્ષેત્ર | મુલ્ય |
એક્સપ્રેસબિઝ | લોજીસ્ટીક | ૧.૨ |
લાઈવ સ્પેસ | ઇન્ટી.ડિઝાઇનર | ૧ |
ઇલાસ્ટિકરન | લોજીસ્ટીક | ૧.૪ |
પોલિગોન | ઇન્ફ્રા. | ૨ |
ડીલશેર | સોશિયલ કોમર્સ | ૧.૬ |
ડાર્વિનબોક્સ | એચઆર | ૧ |
લીડસ્કૂલ | એજટેક | ૧.૧ |
ફ્રેક્ટલ | એનાલિટીક્સ | ૧ |
(આંકડા અબજ ડોલરમાં)