મસાલા, તેલીબીયામાં ફંડામેન્ટલ સપોર્ટથી લાલચોળ તેજીના એંધાણ
– કોમોડિટી કરંટ : જયવદન ગાંધી
કોમોડિટી સેકટરની એગ્રો, બુલિયન, કાચુ તેલ, મેટલ, સહિત મોટાભાગની ચીજોમાં હાલમાં તેજીનો માહોલ છવાતાં સટ્ટાકીય વર્ગ ખૂબ જ સક્રિય થયો છે. ખાસ કરીને એગ્રી સેકટરમાં મસાલા, તેલીબીયાંમાં હાજર બજારના ફંડામેન્ટલ સપોર્ટને કારણે સીઝન અગાઉ મોટી તેજીને સપોર્ટ મળતાં સટોડીયા વર્ગને મોકળુ મેદાન મળી રહ્યું છે. જીરૂ, વરીયાળી, ધાણા, હળદર જેવી મસાલા ચીજોના ઓછા વાવેતરની સાથે સાથે માવઠાઓને કારણે ઉત્પાદન ઉપર પણ અસર પડતાં સરેરાશ ૩૦થી ૩૫ ટકા બજારમાં ભાવ વધારો થયો છે. વાયદા બજારમાં પ્રતિ ક્વિન્ટલે જીરૂ ૨૧૦૦૦ની સપાટી તેમજ હળદર-ધાણા બજારે દશ હજારની સપાટી કુદાવી લાલચોળ તેજી થાય તેવો માહોલ ઉભો થયો છે. ઉંચા ભાવોને કારણે ઘરાકી નબળી પડતાં જીરાનું હાજર બજાર પાછું પડયું છે. નવા જીરાની ગુણવત્તા નબળી હોવા ઉપરાંત ઉત્પાદનમાં ૩૦થી ૩૫ ટકાનો ઘટાડો હોવાના અનુમાનને કારણે ઉંઝા બજારમાં જીરાની વિક્રમી ભાવો જોવા મળે તેવી લાલચોળ તેજીની સંભાવના પ્રવર્તી રહી છે. જેને લઇને સટોડિયો વર્ગ મજબૂત થતાં વાયદો ૨૨૫૦૦ સુધી ઉંચે જાય તેવી ચર્ચાઓએ માહોલ ગરમ કર્યો છે. જીરાની આવકનું પ્રમાણ આગામી માર્ચથી ગતિ પકડયા બાદ લોકલ તથા વિદેશી ઘરાકી કેવી રહે તેની ઉપર તેજી મંદીનો આધાર રહેલો છે. હાલમાં જીરાની સ્ટોકિસ્ટોની ૧૦થી ૧૨ હજાર બોરી દૈનિક નફા રૂપી વેચવાલીનું પ્રેસર રહે છે. જો કે સામાન્ય વેપારી વર્ગ જરૂરિયાત પ્રમાણે માલની લે-વેચ કરી એકંદરે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. જીરાની સમાંતર અન્ય મસાલા ચીજો મરચું, હળદર, લવીંગ અજમો જેવી દરેક ચીજોમાં ભાવો દોઢાથી ડબલ થઇ ગયા છે. નવા વર્ષમાં હળદરના ભાવોમાં પાંચ ટકાનો વધારો થયો છે. હળદર ઉત્પાદિત પ્રદેશોમાં માવઠાઓને કારણે પાકને ભારે નુકશાન થતાં નવો પાક ઓછો આવવાની ગણત્રીએ હળદર બજારમાં ગરમી પકડાઈ છે. જેના લીધે હળદર વાયદો દશ હજારની સપાટી પાછળના દિવસોમાં કુદાવી હતી. જો કે નફારૂપી વેચવાલીનું પ્રેસર વધતાં વાયદો વધતો અટક્યો છે. મરચામાં પણ માવઠાઓને કારણે ઉત્પાદન ઉપર અસર પડતાં ૩૦૦થી ૪૦૦ની રેન્જમાં કાશ્મીરી મરચાના ભાવો ૬૦૦થી ૭૦૦, સુકા મરચાના ભાવો ૨૦૦થી ઉછળીને ૪૦૦, ધાણા બજાર ૫૦૦થી ઉછળીને ૭૦૦-૮૦૦ તથા લવિંગ બજાર ૮૦૦થી ૧૦૦૦ની સપાટીએ દોઢાથી ડબલ ભાવો થઇ ગયા છે. જો કે સીઝન અગાઉ તેજી પકડાતાં ખેડૂતોને તેમની ઉપજના સારા ભાવો મળી રહ્યા છે તેમ છતાં હજુ વધુ ભાવો મળવાની અપેક્ષાએ ખેડૂત વર્ગની વેચવાલી સંદર્ભે વેઇટ વોચની સ્થિતિ છે.
બીજી તરફ ખાદ્ય તેલોમાં વધેલી નોંધપાત્ર મોંઘવારીને કંટ્રોલ કરવા માટે સરકાર હરકતમાં આવી લાલઆંખ કરી છે. તેલીબીયાં તેમજ ખાદ્યતેલોની સ્ટોક લિમીટ ૩૦ જૂન સુધી લંબાવી છે. કાળાબજારી તેમજ સંગ્રહાખોરી ઉપર કડક પગલાં લેવા ઉપર રાજ્ય સરકારોને અપીલ કરવામાં આવી છે. ખાદ્ય તેલના વેપારીઓની સ્ટોક લિમીટ મર્યાદા ૩૦ ક્વિન્ટલ કરવામાં આવી છે. તેલીબીયાંના શિકાગો તથા મલેશિયા જેવા વિદેશી વાયદા બજારોમાં પણ ઉછાળો આવતાં સ્થાનિક બજારો ઉપર અસર પડી છે. જેને લઇને સરકાર સચેત થઇ અગમચેતી પગલાં રૂપે સ્ટોક લિમીટ કાયદાની મર્યાદા વધારી ભાવ કંટ્રોલ કરવા કમર કસી છે. તેલીબીયાં આત્મનિર્ભર બનવા માટે સરકારી પ્રોત્સાહક નિતીઓ તેમજ ઉંચા ભાવોને કારણે રાયડો, એરંડા, સરસવ, મગફળી, તલ, સોયાબીન સહિત મોટાભાગની તેલીબીયાંના ઉચા પોષણક્ષમ ભાવોને કારણે વાવેતરમાં તથા ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને રાયડા ઘણા વર્ષો બાદ ઉંચા ભાવો જોઇને ખેડૂતોએ રાયડાની મન મુકીને ખેતી કરી છે. દેશભરમાં રાયડાનું વાવેતર ૭૩ લાખ હેકટરથી ઉછળીને ૯૧ લાખ ઉપરાંત હેકટરમાં વધુ થવાની સાથે સાથે સરકારે રાયડાના ટેકાના ભાવોમાં ૫૦૦ રૂપિયાનો ઉછાળો કરીને પ્રતિ ક્વિન્ટલે ૫૦૫૦ રૂપિયા કર્યો છે. જો કે હાલમાં ઉદ્ભવેલી માંગને કારણે ખેડૂતોને ટેકાના ભાવો કરતાં પણ વધુ ભાવો મળે તેવી સ્થિતિ છે.
મસાલા, તેલીબીયાંની સાથે સાથે દાળોના વાવેતરમાં પણ વધારો થઇ ૧૬૮ લાખ હેકટર ઉપરાંત થતાં સરકારે રાહતનો દમ ખેંચ્યો છે. અનાજ, તેલ, તેમજ દાળોનું ઉત્પાદન વધારવામાં સફળતા મળતાં સરકારે તેનો બફર સ્ટોક લક્ષ્યાંક પૂર્ણ કરવા પ્રયાસો શરૂ કરી દીધા છે. પંજાબ, હરિયાણાથી અનાજની ખરીદીની સાથે તેલીબીયાં તેમજ દાળોની ખરીદી માટે સરકારે અત્યારથી કવાયત હાથ ધરી છે. દાળોમાં હાલમાં જથ્થાબંધ તેમજ છુટક ઘરાકી નબળી હોવાને કારણે ભાવો ઉપર પ્રેસર રહેતાં તમામ દાળોની બજારો ઘટાડા તરફ જઇ રહી છે. ગવાર તથા ગવાર ગમમાં નબળી ઘરાકીને કારણે ગવાર ગમમાં પીછેહઠ થઇ બજાર ૧૧૮૦૦થી ૧૧૯૦૦ની રેન્જમાં અને ગવાર સીડ બજાર ૬૩૦૦થી ૬૪૦૦ની રેન્જમાં મર્યાદિત લેવલે છે. જો કે કાચાતેલ બજાર ઉચું જઇ રહ્યું હોવાથી આગામી સમયમાં ગવાર ગમની ડિમાન્ડ વધવાની અપેક્ષા છે. ગવાર નિકાસ મુખ્યત્વે અમેરિકા, જર્મની, રશિયા, ચીન, યુકે, જાપાન, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ જેવા દેશોમાં વધુ થાય છે. આ વર્ષે ગવારનું વાવેતર ઓછું થતાં ઉત્પાદન ૫૦થી ૫૫ લાખ બોરી આસપાસ થાય તેવી સંભાવના વચ્ચે ગવાર તેમજ ગમમાં તેજી થવાની શક્યતાઓ વધુ હોવાનું વેપારી વર્ગમાં ચર્ચાસ્પદ છે.