મહામારીની પ્રતિકુળતા વચ્ચે પણ કૃષિ વૃદ્ધિદર નેગેટીવ થયો નથી
– અર્થકારણના આટાપાટા : ધવલ મહેતા
ચાલુ બજેટમાં આવકવેરાના દરમાં કોઈ ફેરફાર કર્યા નથી તેથી નિરાશ થવાની જરૂર નથી. ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં આવકવેરાના દરો વધુ પડતા નથી. ઓમીક્રોન મહાપ્રહાર ના કરે અને કાબૂમાં લઈ શકાશે તો ભારતનું અર્થતંત્ર ૧ એપ્રિલ ૨૦૨૧થી ૩૧ માર્ચ ૨૦૨૨ના ગાળામાં ૯.૩ ટકાના દરે રીકવરી દર્શાવે છે. ભારતની જીડીપી ૯.૨ ટકાનો સૂચિત વૃદ્ધિ દર આપણા અર્થકારણની ૨૦૧૭-૨૦૧૮માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર ૬.૮ ટકા, ૨૦૧૮-૨૦૧૯માં ૬.૫ ટકા, ૨૦૧૯-૨૦૨૦માં ૪ ટકા અને ૨૦૨૦- ૨૦૨૧માં નેગેટીવ ૭.૩ ટકા નોંધાયો હતો. ઉપર જણાવ્યું તેમ ૨૦૨૦- ૨૦૨૧નું ફા. વર્ષ જે ૩૧ માર્ચ ૨૦૨૨માં પૂરું થશે તે દરમિયાન ભારતની રાષ્ટ્રીય આવક ૯.૨ ટકા વધવાનું અનુમાન છે. આ ૯.૨ ટકાના વૃદ્ધિદરથી આપણે બહુ ખુશ થઈ જવાનું નથી કારણ કે તેની આગળના વર્ષમાં ઘટેલી રાષ્ટ્રીય આવક પર તેની ગણતરી થઈ છે પરંતુ એક આશ્વાસન જરૂર લઈ શકાય કે ફાયનાન્સીયલ વર્ષને અંતે કોવિડ મહામારી પહેલાની રાષ્ટ્રીય આવકને આપણે થોડાક અંશે વટાવી દીધો હશે.
કૃષિ ક્ષેત્રની કમાલ :
ભારતના ખેતીવાડી ક્ષેત્રે કમાલ કરી છે અને તેણે કોવિડની મહામારી દરમિયાન પણ ખેતીવાડીના વૃદ્ધિદરને નેગેટિવ થવા દીધો નથી તેણે ભારતના વસતી વધારાના દરને પાછળ પાડી દીધો છે. ૨૦૧૯-૨૦૨૦ દરમ્યાન ભારતનું કૃષિ ક્ષેત્ર ૪.૩ ટકાના દરે, ૨૦૨૦- ૨૦૨૧માં ૩.૬ ટકાના દરે વધ્યું અને ૨૦૨૧-૨૦૨૨માં તે (અનુમાનિત) ૩.૯ ટકાના દરે વધશે તેથી એમ કહી શકાય કે ભારતમાં ઉત્તરોત્તર માથાદીઠ અનાજની પ્રાપ્યતા વધતી જાય છે. કોવિડની મહામારીમાં સૌથી વધુ ભોગ બનેલા ફા.વ. ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન મેન્યુફેક્ચરીંગમા નેગેટિવ ૭.૨ ટકા કન્સ્ટ્રક્શનમાં નેગેટીવ ૮.૬ ટકા અને સર્વિસ સેક્ટરમાં પણ ૮.૪ ટકા નેગેટીવ દર નોંધાયો હતો. હવે આ તમામ ક્ષેત્રો પોઝિટીવ વૃદ્ધિ દર્શાવી રહ્યા છે. ૨૦૨૦- ૨૦૨૧નું ફા. વર્ષ મહામારીનું વર્ષ હોવા છતાં ભારતનું કૃષિ ક્ષેત્ર તે વર્ષે ૩.૬ ટકાનો વૃદ્ધિદર સાધી શક્યું છે તેથી ઘણા અર્થશાસ્ત્રીઓ પણ આશ્ચર્યચક્તિ થઈ ગયા છે.
ગ્રોસ મૂડીરોકાણમાં ઘટાડો :
ભારતમાં ઘણાં વર્ષો ગ્રોસ મૂડીરોકાણ (ગ્રોસ એટલે ઘસારા સહિતનું) જીડીપીના ૩૦ ટકાથી ઉપર રહ્યું છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં તે ૩૦ ટકાથી નીચે જતું રહ્યું છે. ૨૦૧૯-૨૦૨૦માં તે જીડીપીના ૨૮.૮ ટકા હતું તે ૨૦૨૦- ૨૦૨૧માં જીડીપીના ૨૭.૧ ટકા અને ૨૦૨૧-૨૦૨૨માં તે જીડીપીના અનુમાનીત ૨૯.૬ ટકા રહેશે આમ ભારતનું ગ્રોસ મૂડીરોકાણ છેલ્લા ત્રણ વર્ષ પછી પણ ૩૦ ટકાને પાર કરી શકશે નહીં.
લોકોના કન્ઝમ્પશનમાં ઘટાડો :
ભારતમાં મૂડી રોકાણ ઉપરાંત કુટુંબોનો ઉપભોગ ખર્ચ (પ્રાઇવેટ કન્ઝમ્પશન) પણ વધતુ નથી. કુટુંબો પૂરતો ખર્ચો ના કરે તો ઉદ્યોગો કેવી રીતે ચાલે ? જેને અંગ્રેજીમાં ‘પ્રાઇવેટ ફાયનલ કન્ઝમપ્શન એક્સપેન્ડીચર’ કહેવામાં આવે છે તે ફા.વ. ૨૦૨૨માં અનુમાનિત ૮૦.૮ ટ્રિલિયન રૂપિયા હશે જ્યારે તે ફા.વ. ૨૦૨૦માં ૮૩.૨ ટ્રિલિયન ડોલર્સ હતું. આમ, મૂડી રોકાણ અને કન્ઝમ્પશન બંનેની ટકાવારીમાં ઘટાડો એ સૂચવે છે કે ભારતનું અર્થકારણ પોતાની કોવિડ પહેલાની સ્થિતિમાં આવી ગયું છે. પરંતુ તે રીકવરીનો પાયો બહોળો નથી પરંતુ સાંકડો છે. ભારતની રાષ્ટ્રીય આવક ૨૦૨૦- ૨૦૨૧માં ૭.૩ ટકા ઘટી ગઈ હતી જે ઘણી વધારે કહેવાય પરંતુ તે વર્ષે ભારતની સરાસરી માથાદીઠ આવક ૪ ટકા ઘટી ગઈ હતી. ભારત સરકારની ચાલુ વર્ષની આવક તેના ખર્ચાને પહોંચી વળી શકી નથી. તેથી સરકારની ફીસ્કલ ડેફીસીટ (રાજકોષીય ખાધ) ચાલુ વર્ષે ૬.૯ ટકા જેટલી અને ૨૦૨૨- ૨૦૨૩માં ૬.૪ ટકા રહેશે આ ખાધને પુરવા સરકાર જાહેર દેવાનો આશ્રય લેશે પરંતુ ભારતનું રાષ્ટ્રીય દેવું તેની રાષ્ટ્રીય આવકના અત્યાર સુધી ૭૦ ટકા જેટલું રહેતું હતું તે હવે ૯૦ ટકાની નજીક પહોંચવાની તૈયારીમાં છે.