Day Special

માળખાકીય પ્રોજેકટસમાં સહભાગ વધારવા ખાનગી ઈન્વેસ્ટમેન્ટને બજેટમાં પ્રોત્સાહન જરૂરી

માળખાકીય પ્રોજેકટસમાં સહભાગ વધારવા ખાનગી ઈન્વેસ્ટમેન્ટને બજેટમાં પ્રોત્સાહન જરૂરી content image 3c96d7e9 dd9a 4b2f 81b9 51b5dd374013 - Shakti Krupa | News About India

નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા  ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી)ના રજુ કરાયેલા પ્રથમ અંદાજમાં વર્તમાન નાણાં વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર ૯.૨૦ ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી છે. સામાન્ય સ્થિતિમાં આ આંકડા આકર્ષક કહી શકાય પરંતુ ગયા નાણાં વર્ષમાં જીડીપીમાં ૭.૩૦ ટકાના સંકોચનના સ્તર પર જોવા જઈએ તો ૯.૨૦ ટકાનો આર્થિક વિકાસ દર આકર્ષક જણાતો નથી. વર્તમાન નાણાં વર્ષમાં અંદાજ પ્રમાણે ૯.૨૦ ટકાનો દર જોવા મળશે તો કોરોના પહેલાના વર્ષ એટલે કે નાણાં વર્ષ ૨૦૧૯-૨૦ના સ્તરેથી જીડીપીનો વિકાસ દર માત્ર ૧.૩૦ ટકા જ રહેશે. આ એક પ્રારંભિક અંદાજો છે અને તેમાં ફેરફારનો અવકાશ રહેલો છે, ખાસ કરીને કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખતા અંદાજમાં ઘટાડો થઈ શકે છે અને ખરા આંક પણ નીચા જોવા મળી શકે છે. 

કોરોનાની ત્રીજી લહેરને કારણે અનેક રાજ્ય સરકારોએ મોબિલિટી પર નિયમનો મૂકયા છે જેની સીધી અસર ઉત્પાદન પર પડી રહી છે. કોરોનાના ફેલાવા બાદ દેશના અર્થતંત્રને ટકાવી રાખવામાં કૃષિ ક્ષેત્રની મુખ્ય ભૂમિકા રહી હતી. મોટાભાગના ક્ષેત્રોનો વિકાસ ગયા નાણાં વર્ષમાં નકારાત્મક રહ્યો હતો. ગયા નાણાં વર્ષમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર  ૩.૬૦ ટકા રહ્યો હતો અને વર્તમાન નાણાં વર્ષમાં તે ૩.૯૦ ટકાનો વિકાસ હાંસલ કરશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે. આની સામે વેપાર, હોટેલ્સ, એફએમસીજી જેવા સેગમેન્ટનો વિકાસ દર નાણાં વર્ષ ૨૦૨૦ની સરખામણીએ નીચો રહેવા વકી છે. આ સેગમેન્ટસ નબળા રહેવા પાછળનું કારણ નીચો ખાનગી ઉપભોગ ખર્ચ રહેલું છે. કોઈપણ અર્થતંત્રને ગતિ આપવા ખાનગી ઉપભોગ ખર્ચમાં વધારો થાય તે પહેલી શરત છે. 

ઉપભોગ ખર્ચ વધારવો હશે તો માળખાકીય પ્રોજેકટસ પાછળના ખર્ચમાં વધારો થાય તે આવશ્યક છે. આ હકીકતને ધ્યાનમાં રાખી ગતિ શક્તિ પેનલે ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી  એન્ડ ઈન્ટરનલ ટ્રેડને બજેટમાં સમાવેશ કરી શકાય તેવા ઊંચી અસર સાથેના પ્રોજેકટસ ઓળખી કાઢવા નિર્દેશ આપ્યા છે. રેલ, રોડસ તથા બંદર બાંધકામ પ્રોજેકટસનો આમાં સમાવેશ થઈ શકે છે. આ પ્રોજેકટસ સમયસર શરૂ થઈ અને સમયની અંદર પૂરા થાય તેની પણ ખાતરી રાખવા જણાવાયું છે. સારા આયોજન સાથેના ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટસ તથા તેના પર ખાસ ધ્યાનથી પરિણામ મળી શકે છે. કોરોનાને કારણે ઉત્પાદન તથા વિકાસ પર અસરોને નજરમાં રાખીને માળખાકીય વિકાસ  થવો જરૂરી છે. હાલના સંજોગોમાં ખાનગી ઈન્વેસ્ટમેન્ટ જે છેલ્લા કેટલાક સમયથી નબળુ છે તેમાં વધારો થાય તે જરૂરી છે. 

આવી રહેલા બજેટમાં નાણાં પ્રધાન માળખાકીય ક્ષેત્રમાં ખાનગી ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થાય તે માટેની દરખાસ્તો રજુ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) વિવાદ નિવારણ યંત્રણાને મજબૂત બનાવવા, માળખાકીય વિકાસ કરતી કંપનીઓને બોન્ડ બજારમાં સરળ પ્રવેશ, વેરા રાહતો વગેરેનો સમાવેશ જોવા મળવાની શકયતા છે. કોરોનાની અસર હેઠળ આવી ગયેલા દેશના અર્થતંત્રને રિવાઈવ કરવા રોજગાર મારફત ઉપભોગમાં વધારો કરવાના પ્રયાસો આવનારા બજેટમાં જોવા મળશે. આ માટે સરકાર પીપીપીની શરતોમાં સુધારા કરી તેને ખાનગી રોકાણકારોની તરફેણમાં બનાવવા ઈરાદો ધરાવે છે. 

માળખાકીય પ્રોજેકટસ હાથ ધરવા ખાનગી કંપનીઓ બજારમાંથી સરળતાથી નાણાં ઊભા કરી શકે માટે બોન્ડસ માટેની શરતોને હળવી બનાવવાની શકયતા નકારાતી નથી. રૂપિયા ૧૧૧ ટ્રિલિયનના નેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર પાઈપલાઈન મારફત સરકાર માળખાકીય ક્ષેત્રનો વિકાસ કરવા ધારે છે. ૨૦૨૦થી ૨૦૨૫ના ગાળામાં  આમાં  અંદાજે ૨૨ ટકા અથવા તો રૂપિયા ૨૪ ટ્રિલિયન જેટલું ઈન્વેસ્ટમેન્ટ ખાનગી ક્ષેત્ર તરફથી આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. કોરોનાની ત્રણ લહેરો વચ્ચે પણ ભારતીય કંપનીઓની બેલેન્સ શીટસ મજબૂત રહી શકી છે, આમ છતાં નવા તથા જંગી ઈન્વેસ્ટમેન્ટસ કરવાની રોકાણકારોના ઈરાદા હાલમાં મંદ પડી ગયા છે.સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના તાજેતરના આંકડા જણાવે છે  કે, વર્તમાન નાણાં વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકમાં સરકારી તથા ખાનગી ક્ષેત્રની કંપનીઓએ રૂપિયા ૨.૧૦ ટ્રિલિયનના મૂડી ખર્ચની યોજના જાહેર કરી છે જે સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના આંક કરતા સાત ટકા નીચી છે. 

લાંબા ગાળે ઊભા થઈ શકે તેવા  માળખાકીય પ્રોજેકટોને ધિરાણ કરવા બેન્કોને દબાણ કરવાનું છેવટે બેન્કિંગ વ્યવસ્થા માટે સમશ્યારૂપ બની રહે છે અને તેની અસર હરીફરીને  ખાનગી ક્ષેત્રના ઈન્વેસ્ટમેન્ટ પર જ આવે છે. દેશમાં ઈન્વેસ્ટમેન્ટ માટે જંગી તકો રહેલી છે, જરૂર છે તે માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવાની.  માળખાકીય વિકાસ માટે ખાનગી ક્ષેત્ર  પોતાના ખર્ચ માટે આવશ્યક નાણાં જાહેર ક્ષેત્રની બેન્કો  પાસેથી મેળવતા હતા. પરંતુ  પ્રોજેકટોના ધીમા અમલીકરણને કારણે બેન્કોમાં નોન – પરફોર્મિંગ એસેટસની સમશ્યા ઊભી થવા લાગી અને તેણે એકસમયે  મહાકાય સ્વરૂપ ધારણ કરી લીધું  હકું  અને આ સમશ્યા એેટલી ઘેરી બની ગઈ હતી કે બેન્કો હવે ખાનગી ક્ષેત્રને ધિરાણ કરવાથી દૂર રહેવા લાગી છે. ખાનગી ક્ષેત્રના રોકાણ સાથેના જો પ્રોજેકટો સમયસર પૂરા થયા હોત તો ખાનગી ક્ષેત્રને ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે નાણાંનું રોકાણ કરવાનો ઉત્સાહ વધી ગયો હોત.  ખાનગી ક્ષેત્રના ઈન્વેસ્ટમેન્ટને ફરી વધારવું હશે તો  બેન્કોની એનપીએની સમશ્યા ફરી નહીં વધે તેવી સજ્જડ ખાતરી રાખવાની રહેશે જેથી બેન્કો ખાનગી ક્ષેત્રને રોકાણ કરવામાં આનાકાની કરવાનું ટાળે અને દેશમાં રોજગારની સ્થિતિમાં સુધારો જોવા મળે.  

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button