મિલ્કત ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવાપાત્ર મહત્વના મુદ્દાઓ
– લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)
– કોર્પોરેશન કે સ્થાનિક સત્તા મંડળના વેરાઓ છેવટ સુધીના ભરપાઈ થયાની ખાત્રી કરો
(ગતાંકથી ચાલુ)
(૧૮)ભુદાન કે ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળની ફાજલ જમીન જૂની શરતમાં ફરી શકતી નથી. આથી આવી જમીન ખરીદવા ઉપર પ્રતિબંધ છે અને શરતભંગ બદલ જમીન ખાલસા કરવાપાત્ર છે.
(૧૯)‘દીવેલીયા’ કે દેવસ્થાન હેઠળની જમીન સબંધિત ધર્માદા સંસ્થાના માત્ર ને માત્ર નિભાવ માટેની હોવાથી જે તે મંદિરના પુજારી કે સંસ્થાના વહીવટકર્તાને માલિકીની જમીન બનતી નથી કે તેઓને ખેડૂતનું સ્ટેટસ મળતું નથી. જેથી આવી જમીન મહેસૂલ વિભાગના ૨૦૧૦ના પરિપત્ર મુજબ ચેરીટી કમિશ્નર તેમજ કલેક્ટરની મંજૂરી સિવાય વેચાણપાત્ર નથી.
(૨૦)જો જમીન ભાડાપટ્ટે અપાયેલ હોય તો ભાડાપટ્ટાની મુદ્દત તેમજ સબંધિત સત્તા પ્રકારની ખાત્રી કરવી અને આવી જમીનો સરકારની મંજૂરી મેળવ્યા સિવાય ખરીદ કરવી નહીં.
(૨૧)જો જમીન નવી શરતની હોય તો કે સાંથણીમાં જમીન ગ્રાન્ટ થઈ હોય તો જમીનના કબજા સોપ્યાના રોજકામ અથવા તો માપણીશીટની પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખો.
(૨૨)જો જમીન કે મિલ્કતના ઉત્તરોત્તર દસ્તાવેજો થયાનો અગાઉના દસ્તાવેજમાં ઉલ્લેખ હોય તો સબંધિત સબ રજીસ્ટ્રારની કચેરીએથી ઈન્ડેક્ષની નકલ મેળવો અને સબંધિત દસ્તાવેજની પ્રમાણિત નકલ અથવા તો ઈન્ડેક્ષની પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખો.
(૨૩)જો કુલમુખત્યારનામું મિલ્કત પરત્વે થયેલ હોય તો અસલ કુલમુખત્યારનામું મેળવવાનો આગ્રહ રાખો તેમજ કુલમુખત્યારનામું નોટરી સમક્ષ સબંધિતના ફોટોગ્રાફ્સ સાથે સોગંદ ઉપર થયેલ હોવું જોઈએ અથવા તો તેની નોંધણી થયેલ હોવાની ખાત્રી કરો.
(૨૪)સૂચિત સોસાયટીઓ દ્વારા કરવામાં આવેલ સાટાખતને સંલગ્ન વ્યવહાર અંગે તાજેતરમાં ખાસ કાયદો બનાવી રહેણાંક પૂરતો નિયમબધ્ધ કરતો કાયદો ઘડવામાં આવ્યો છે અને તે અંતર્ગત નિયમબધ્ધ થાય છે.
(૨૫)અગાઉના અસલ રજીસ્ટર્ડ દસ્તાવેજો મેળવવાનો આગ્રહ રાખો. જેથી મુંબઈ સ્ટેમ્પ અધિનિયમની કલમ-૩૨ ક હેઠળ ખુટતી સ્ટેમ્પ ડયુટી ન ભરવાને કારણે દસ્તાવેજ નાયબ કલેક્ટરશ્રી, સ્ટેમ્પ ડયુટીની કચેરીએ રોકવામાં આવેલ હોય તો ખાત્રી થઈ શકે.
(૨૬)છેવટ સુધીના બિનખેતી આકાર, લોકલ ફંડ, શિક્ષણ ઉપકર કે જિલ્લા પંચાયતના કર ભરપાઈ થયા છે કે કેમ ? તેની અવશ્ય ખાત્રી કરો.
(૨૭)દસ્તાવેજની સર્ચ ફી ભરી ટાઈટલ ક્લીઅરન્સ રીપોર્ટ મેળવવાનો આગ્રહ રાખો તેમજ મિલ્કત તમામ બોજા મુક્ત અને માર્કેટેબલ છે કે કેમ ? તે અંગે કાનુની અભિપ્રાય મેળવો.
(૨૮)જો બાંધકામ થયેલી મિલ્કત હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનની / મ્યુનિસિપાલીટી શહેરી વિકાસ સત્તા મંડળ તેમજ સ્થાનિક સત્તા મંડળની બાંધકામની પરવાનગી, લે-આઉટ પ્લાન તથા (સી.સી.બી.યુ.) વપરાશના દાખલાની ખરી નકલ મેળવવાનો આગ્રહ રાખો.
(૨૯)કોર્પોરેશન કે સ્થાનિક સત્તા મંડળના વેરાઓ છેવટ સુધીના ભરપાઈ થયાની ખાત્રી કરો અને છેવટ સુધીના વેરા ભરપાઈ થયા અંગેની સબંધિત પહોંચની ખાત્રી કરો.
(૩૦)સબંધિત વીજવિતરણ કંપનીઓના લાઈટ કનેક્શનની ડિપોઝીટ તથા છેલ્લા માસ સુધીના વિદ્યુત શુલ્ક ભરપાઈ થયાની ખાત્રી કરો.
(૩૧)જમીન મહેસૂલ નિયમો હેઠળ હક્કપત્રકમાં થતા ફેરફારો / વ્યવહારો હક્કપત્રકના નિયમોને આધીન વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી (Unless Contrary Proved) માન્ય રાખવાના છે. માલિકી હક્ક પ્રસ્થાપિત કરવાની સત્તા દિવાની કોર્ટને છે.
(૩૨)માત્ર દસ્તાવેજને મિલ્કતના અધિકૃત ટાઈટલ માનવાનું ટાળો.
(૩૩)કોઈપણ જમીન કે પ્લોટ બાબતે જમીન મહેસૂલ કાયદાની જોગવાઈ, ટૂકડાં પ્રતિબંધક ધારાની જોગવાઈ, યુ.એલ.સી. કે એ.એલ.સી. કાયદા કે જમીન સુધારણા ધારાની જોગવાઈનું ઉલ્લંઘન થતું નથી ને ? તેની અવશ્ય ખાત્રી કરો.
(૩૪)‘રેરા’ કાયદો ૨૦૧૬ થી અમલમાં આવ્યો છે જેથી સબંધિત કાયદા હેઠળની મંજૂરી મેળવેલ છે કે કેમ તેની ખાત્રી કરવી.
(૩૫)બહુમાળી મકાનના કિસ્સાઓમાં ગુજરાત ફ્લેટ માલિકી અધિનિયમની જોગવાઈઓ લાગુ પડે છે જેથી સામુહિક હિત / ઉપયોગના હક્ક અંગે ખાત્રી કરવી.