યુદ્ધના પગલે સમગ્ર વિશ્વના અર્થકારણમાં જોવાયેલી પીછેહઠ
– અર્થકારણના આટાપાટા-ધવલ મહેતા
– અમેરિકા યુક્રેનને પ્રત્યક્ષ રીતે નહીં બલ્કે અપ્રત્યક્ષ રીતે મદદ કરશે
યુક્રેન પરના રશિયન આક્રમણે ભારતના કુટુંબોમા ભારે ચિંતા ઊભી કરી છે. કારણ કે ગુજરાતના અને સમસ્ત ભારતના વિદ્યાર્થીઓ આ યુદ્ધમાં સપડાયા હતા અને હજી કેટલાક સપડાયેલા છે. હજારો ગુજરાતી અને ભારતીય કુટુબો જેમના સંતાનો આ યુદ્ધ વિસ્તારમાં ભણી રહ્યા છે તેમની ઊંઘ ઊડી ગઈ છે. અત્યાર સુધી અફઘાનીસ્તાન, સીરીયા, ઇરાક, યેમેન વગેરે ઠેકાણે થયેલા સંઘર્ષોમાં હજારો લોકોએ જાન ગુમાવ્યા હતા પરંતુ તે વખતે ભારતીયજનોની ચિંતા થોડી અને થોડા સમય માટે હતી.
અન્યની પણ વિકટ પરિસ્થિતિ : જેમના સંતાનો ઉપર્યુક્ત યુદ્ધ વિસ્તારમાં ભણી રહ્યા નથી તેમને પણ યુક્રેન પર રશિયાના આક્રમણથી ચિંતા ઊભી થઇ છે અને આ ચિંતા વધતા જતા ભાવવધારા અંગેની છે. ક્રુડ ઓઇલના બેરલથી ભાવો ૧૧૦ ડોલર્સ પર પહોંચી ગયા ત્યારે જ આપણે ગભરાઈ ગયા હતા પરંતુ તે માર્ચ ૭,૨૦૨૨ના સોમવારે ૧૩૯ ડોલર્સ પર પહોંચી ગયા છે. ઇ.સ. ૨૦૦૮ પછી છેલ્લા ૧૪ વર્ષમા ક્રૂડ ઓઇલનો આ સૌથી ઊચો ભાવ છે. તે સમયે ૨૦૦૮મા ક્રૂડ ઓઇલનો ભાવ ૧૪ ડોલર્સ પહોંચી ગયો હતો. હાલનાં ઊંચા ભાવોને પગલે મુંબઇ શેરબજારનો સેન્સેક્સ ૧૫૦૦ અંક ઘટીને છેલ્લા સાત મહીનાની સૌથી ઓછી સપાટી ૫૨,૮૪૩ પર પહોંચી ગયો. વળી તેના લાંબા ઇતિહાસમાં સૌથી પહેલીવાર અમેરીકન ડોલરે ૭૭ રૂપિયાની મર્યાદા વટાવી દીધી અને ડોલરની સરખામણીમા રૂપિયાએ પોતાનું મૂલ્ય ફરીવાર ગુમાવ્યું.
એક અનુમાન પ્રમાણે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવવધારાને કારણે ભારતમા લીટર દીઠ પેટ્રોલનો ભાવ પાચથી છ રૂપિયા વધી જશે તેવુ અનુમાન છે. ઘણાને એ ખબર નથી કે ભારતની ઓએનજીસી જે જાહેર ક્ષેત્રની ઓઇલ કંપની છે તેનો રશિયામાં આવેલા વાનકોર ઓઇલ ફીલ્ડમા ૨૬ ટકા અને સેખલીન-૧ જેપણ રશિયામા આવેલુ ઓઇલ-ફીલ્ડ છે તેમા ૨૦ ટકા ભાગ છે. ઓઇલના ઝડપથી વધેલા ભાવોથી કદાચ ઓએનજીસીને ફાયદો થશે પરંતુ ભારતમા ફુગાવાનો દર વધી જતા સરકાર ભયમા મુકાશે. ઝડપી ભાવવધારો અને નવથી દસ ટકાનો ભાવવધારો જો મહીનાઓ સુધી ચાલુ રહે તો ભલભલી સરકારને તોડી નાખે છે.
અમેરીકા કરતા પણ જગતના ઓઇલ બજારમા સાઉદી અરેબીયાનો ભારે દબદબો અને સત્તા એ કારણે છે કે તેનુ ઓઇલ ઉત્પાદનનું ખર્ચ દુનિયામા સૌથી નીચુ છે આથી તે ઓછે ભાવે ઓઇલની નિકાસ કરી શકે છે તો આ બાજુ રશિયા જે ઓઇલ અને ગેસ ઉત્પાદનમા જગતના પ્રથમ ત્રણ દેશોમા સ્થાન ધરાવે છે તેણે ચીનને ઓઇલની મોટી જરૂરિયાત છે અને રશિયાએ ચીનને પોતાના ગેસનો વહન માટે મોટી પાઇપલાઈન નાખી આપી છે જે ૨૦૧૯થી કાર્યરત છે. આની સામે ચીન પાસે જગતમા સૌથી વધારે અછત ધરાવતુ, અલભ્ય ગણાય તેવી ‘રેર અર્થ’ નામે ઓળખાતુ ખનીજ છે. આ ધાતુજગતમા સ્વચ્છ ઊર્જા પ્રાપ્તી માટે અનિવાર્ય છે. ચીનની તે માટે લગભગ મોનોપોલી છે.
ટૂંકમાં જગતમા એર્નજી અંગે ભારે રાજકારણ ચાલી રહ્યું છે. જેને અંગ્રેજીમાં ‘જીઓ પોલીટીક્સ’ કહે છે. અત્યારે પુટીન, શીજીનપીંગ અને ક્રાઉન પ્રીન્સ મહમ્મદ બીન સલમાન (સાઉદી અરેબીયા) જગત પર અમલી સત્તા ભોગવે છે ચીન અને રશિયા એક થઇ જશે તે ડરથી અમેરીકા યુક્રેન-રશિયા વચ્ચેના સંઘર્ષમા પડવા માગતુ નથી. અફઘાનીસ્તાનનો અને વીયેટનામનો તેણે હસ્તક્ષેપ કર્યો તેનો અનુભવ અમેરીકા માટે કડવો સિધ્ધ થયો છે. હસ્તક્ષેપકરણથી તેને હાથના કર્યા હૈયે વાગ્યા છે. આથી અમેરિકા અપ્રત્યક્ષ રીતે યુક્રેનને મદદ કરશે. પ્રત્યક્ષ રીતે નહી.
આ દરમિયાન જગતનુ અર્થકારણ અને ખાસ કરીને જગતની ફાયનાન્સીયલ સીસ્ટમ ખળભળી ઊઠી છે. ભારત તેની ઓઇલ ગેસની માંગ ભવિષ્યમા કેવી રીતે પૂરી કરશે અને ઊર્જાની અછત ભારતમા ફુગાવાને ઘણે ઊચે લઇ જશે તો સરકાર કેવા પગલા લેશે તે અનુમાનનો વિષય છે પરંતુ ઇ.સ. ૨૦૨૨નો બાકી રહેલો સમય બહુ સુખદ જણાતો નથી.