Day Special

યુદ્ધની આડ અસરોમાંની એક અસર બેન્કો પર પણ જોવા મળશે

યુદ્ધની આડ અસરોમાંની એક અસર બેન્કો પર પણ જોવા મળશે content image 8db05c4a 6747 4c4c a668 7e6f2fa148cb - Shakti Krupa | News About India

– એમએસએમઈ ક્ષેત્ર સામેના પડકારો બેન્કોની એસેટ કવોલિટી ફરી બગાડશે

કો રોના કાળમાં મંદ માગનો માર સહન કર્યા બાદ દેશના માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) સરકારના ટેકા સાથે ફરી પાટે ચડી રહ્યા હતા તેવામાં રશિયા-યુક્રેન યુદ્ધે સ્થિતિને ફરી રિવર્સ કરી નાંખી છે. કોમોડિટીઝના ભાવમાં જંગી ઉછાળો એમએસએમઈ માટે સ્પર્ધામાં ટકી રહેવાનું મુશકેલ બનાવી દેશે જેની સીધી અસર લોન્સના રિપેમેન્ટસની તેમની ક્ષમતા પર જોવા મળશે એવો બેન્કરો  દ્વારા ગણગણાટ શરૂ થયો છે. એમએસએમઈની લોન્સ રિપેમેન્ટસ ક્ષમતામાં કોઈપણ નબળાઈથી  બેન્કોની એસેટ કવોલિટી બગડતા વાર નહીં લાગે એ પણ એક હકીકત છે.

પોતાના પર આવી પડનારા વધારાના બોજને વપરાશકાર પર પસાર કરવાની એમએસએમઈ પાસે મર્યાદા રહેલી છે. કાચા માલના ઊંચા ખર્ચનો બોજ મોટી કંપનીઓ જે રીતે સહન કરી શકે છે, તેવી ક્ષમતા એમએસએમઈ પાસે હોતી નથી. છેલ્લા કેટલાક મહિનામાં મોટાભાગના કાચા માલ જેમ કે પેટકોક, કોલ, સ્ટીલ તથા એલ્યુમિનિયમના ભાવમાં ૩૫ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જેને પરિણામે ઉત્પાદકોના માર્જિન પર દબાણ આવ્યું છે. ક્રુડ ઓઈલ તથા ગેસના ભાવમાં ઉછાળાએ પણ એમએસએમઈ ક્ષેત્ર સામે પડકારો ઊભા કર્યા છે. 

યુદ્ધને કારણે દેશમાં કાચા માલની હેરફેર ખાસ કરીને આયાતી કાચા માલની હેરફેર ખોરવાઈ ગઈ છે. વિદેશના ખાસ કરીને  યુરોપ વિસ્તારના બંદરો ખાતેથી આવતા કાચા માલ પર લાગતા ભાડાં તથા તેની હેરફેર માટેના દરમાં જોરદાર વધારો થયો છે  જેનો એમએસએમઈને  માર પડી રહ્યો છે. 

કાચા માલના ખર્ચમાં થયેલા વધારાની અસર હાલ તુરંત જણાતી નથી પરંતુ આવનારા દિવસોમાં કંપનીઓ ખાસ કરીને નાની અને મધ્યમ કદની કંપનીઓ પર પ્રતિકૂળ અસર જોવા મળશે તે  હકીકત નકારી શકાય એમ નથી. કેમકિલ્સ, ઓટો તથા રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ પર ગંભીર અસર જણાય રહી છે.

ક્રુડ તેલના ઊંચા ભાવ કેમિકલ ક્ષેત્રની કંપનીઓ સામે સમશ્યા બની રહ્યા છે જ્યારે એલ્યુમિનિયમ, સ્ટીલ તથા પેલેડિયમમાં ઉછાળાએ ઓટો કંપનીઓ માટે મુશકેલી ઊભી કરી છે. સ્ટીલના ભાવમાં વધારાની રિઅલ એસ્ટેટ ક્ષેત્ર પર પણ ગંભીર અસર જોવા મળવાની સંભાવના છે. કોરોનાના કાળમાં ફેલાયેલી મંદી સામે દેશના અર્થતંત્રને ટકાવી રાખવા સરકારે વિવિધ પગલાં હાથ ધર્યા હતા. ખાસ કરીને એમએસએમઈ માટે કારણ કે રોજગાર નિર્માણમાં તથા નિકાસ વધારવામાં આ ક્ષેત્રની મોટી ભૂમિકા રહેલી છે. 

૨૦૨૦માં કોરોનાની પ્રથમ લહેરના પ્રારંભિક કાળમાં લોકડાઉન્સ તથા અન્ય નિયમનકારી પગલાંઓની એમએસએમઈ પર ગંભીર અસર જોવા મળી હતી, આ હકીકતને ધ્યાનમાં રાખી એમએસએમઈને નાણાંકીય ટેકો પૂરો પાડવા બેન્કોને પ્રોત્સાહિત કરવા સરકારે રૂપિયા ત્રણ લાખ કરોડની ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમની મે ૨૦૨૦માં જાહેરાત કરી હતી.

રૂપિયા ત્રણ લાખ કરોડની મર્યાદાને વધારી બાદમાં રૂપિયા ૪.૫૦ લાખ કરોડ અને હવે રૂપિયા પાંચ લાખ કરોડ કરી તેની સમયમર્યાદા એક વર્ષ સુધી લંબાવવામાં આવી છે.  સ્કીમ હેઠળ ફાળવાયેલી રૂપિયા ૪.૫૦ લાખ કરોડની રકમમાંથી અત્યારસુધી રૂપિયા ૩.૧૦ લાખ કરોડનો ઉપયોગ કરાયો હોવાનું છેલ્લામાં છેલ્લા ઉપલબ્ધ આંકડા જણાવે છે. 

કોરોનાના કાળમાં એમએસએમઈને બેઠા કરવા  બેન્કોએ સદર સ્કીમ  હેઠળ  પૂરા પાડેલા નાણાં પેટે સરકારે જ્યારે ગેરન્ટી પૂરી પાડે છે ત્યારે એમએસએમઈ ક્ષેત્રની કંપનીઓના ડિફોલ્ટસના કિસ્સામાં આવનારા દબાણ કોણ પોતાને માથે લે છે તે જોવાનું રહેશે. બેન્કો ઉપરાંત નોન-બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીસ (એનબીએફસીસ) સામે પણ એસેટ કવોલિટી તથા લિક્વિડિટીના નવેસરથી જોખમો ઊભા થવાની સંભાવના નકારાતી નથી. દેશમાં બેન્કિંગ ક્ષેત્ર બાદ નાના ઉદ્યોગો માટે એનબીએફસી ધિરાણ મેળવવાનું એક સાનુકૂળ માધ્યમ છે. કોરોનાને લગતા લોકડાઉનને ઉઠાવી લેવાયા બાદ એનબીએફસી ક્ષેત્રમાં તબક્કાવાર રિકવરી જોવા મળી રહી હતી.

કોરોનાની મહામારીની  સૌથી વધુ અસર લઘુ ઉદ્યોગો, કમર્સિઅલ વાહન ઓપરેટરો તથા અન્ય મોટા બોરોઅરો પર જોવા મળી હતી તેનું આંશિક પુનરાવર્તન તોળાઈ રહ્યું છે.  યુદ્ધને કારણે આર્થિક પ્રવૃત્તિઓ  પર કોઈપણ ઘેરી અસરથી એનબીએફસીસ માટે રોલિંગ અટકી પડવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. 

કોરોનાના કાળમાં જાહેર કરાયેલા ેમોરિટોરિઅમ તથા લોન્સ રિસ્ટ્રકચરિંગનો ગાળો સમાપ્ત થયા બાદ નાણાં સંસ્થાઓની સ્થિતિ સુધરી રહ્યાનું જોવા મળ્યું હતું, પરંતુ યુદ્ધને કારણે તેમાં બ્રેક લાગવાની શકયતા નકારાતી નથી.  આ હકીકતને ધ્યાનમાં રાખી  યુદ્ધ પછીના સમયમાં એનબીએફસીસ, મ્યુચ્યુઅલ ફન્ડસ તથા બેન્કો સહિતની નાણાં સંસ્થાઓની સમશ્યા વધુ ઘેરી ન બની જાય તે જોવાની સરકારની જવાબદારી બની રહે છે.

કોરોનાને કારણે કંપનીઓની  ડિફોલ્ટ જવાની શકયતા વધી ગઈ હતી તેવી જ સંભાવના યુદ્ધ  બાદ  ઊભી થવાની રહેલી છે. નાણાં સંસ્થાઓની મજબૂતાઈ જળવાય રહે તે આવશ્યક છે.  યુદ્ધને કારણે ઊભી થઈ રહેલી આર્થિક ચિંતાઓ   કોરોના દરમિયાન લેવાયેલા આર્થિક પગલાંઓનું ધોવાણ કરી નાખે તે પહેલા નીતિવિષયકો જરૂરી પગલાં લેશે તેવી અપેક્ષા રાખીએ.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button