યુદ્ધને કારણે કોમોડિટીઝ વાયદામાં અફડાતફડીનો માહોલ
– કોમોડિટી કરંટ : જયવદન ગાંધી
– યુદ્ધના કારણે ભારતીય નિકાસકારો નવા ઓર્ડરો લેવા બાબતે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં
રશિયા-યુક્રેન સંકટને કારણે ભારત સહિત ગ્લોબલ અર્થ વ્યવસ્થા ઉપર ભારે અસર પહોંચી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે આર્થિક નુકશાન બાદ માંડ માંડ પાટે ચડેલી ગાડીમાં ફરી રૂકાવટ આવે તેવી દહેશત ઉભી થઇ છે. યુદ્ધના કારણે એશિયામાં સૌથી વધારે અસર ભારત, થાઇલેન્ડ તથા ફિલીપાઇન્સ ઉપર પડે તેમ છે. કાચુ તેલ તથા ખાધ તેલ સૌથી વધારે ભારતમાં આયાત થાય છે. જેને લઇને દેશમાં મોંઘવારી દર ૪.૫ ટકાથી વધુ રહે તેવા સંજોગો છે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચુંટણીઓ બાદ પેટ્રોલ, ડિઝલ તેમજ નેચરલ તથા ઇંધણ રાંધણ ગેસના ભાવોમાં નોંધપાત્ર વધારો થાય તેવી ભીતિ છે. રશિયા ઉપર અમેરિકા તથા યુરોપિય દેશોના થનાર પ્રતિબંધોની અસરો કેવી રહેશે તે બાબતે કેન્દ્ર સરકાર તાબડતોબ અભ્યાસમાં લાગી છે. કાચા તેલની આયાત કરનાર વિશ્વમાં ભારત ત્રીજા નંબરે છે. વર્ષે દહાડે ૮૫ ટકા ઉપરાંત કાચુતેલ બહારથી આયાત થાય છે. રશિયાથી ભારત ખનીજ તેલ, મોતી, પરમાણુ રિયેકટર, મશીનરી, તેમજ યાંત્રિક ઉપકરણો મોટે પાયે આયાત કરે છે. જેનું પ્રમાણ વધુ છે જ્યારે દવાઓ, વીજળી મશીનરી, જૈવીક રસાયણ તેમજ વાહનોની નિકાસ પ્રમાણમાં ઓછી નિકાસ ભારત રશિયાને કરે છે.
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ભારતીય નિકાસકારો નવા ઓર્ડરો લેવા બાબતે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં આવી ગયા છે. ચાલુ વર્ષે ભારત-રશિયા વચ્ચે લગભગ ૯.૪ અબજ ડોલરના વેપાર થયા છે. રશિયા અને યુક્રેન બંને દેશો ભારતીય કોફીના સૌથી મોટા ખરીદનાર દેશ છે. વર્ષ ૨૦૨૧માં ભારતે રશિયાને ૧૬૫૦૦ ટન જેટલી કોફી અને યુક્રેને લગભગ ૬૨૦૦ ટન ઉપરાંત કોફીની નિકાસ કરી હતી. જો કે ભારત માટે કાચા તેલ તથા ખાધ તેલની આયાતનો પ્રશ્ન યુદ્ધની કટોકટીને કારણે શરદર્દ બની ગયો છે. ખાધતેલોમાં મુખ્યત્વે પામતેલ તથા સુરજમુખી તેલની આયાત સૌથી વધારે થાય છે. વર્ષ ૨૦૨૧માં સુરજમુખી તેલની સરેરાશ ૧૮થી ૧૯ લાખ ટનની આયાત પૈકી ૭૦ ટકા જથ્થો યુક્રેનથી આયાત થાય છે. ૨૦ ટકા રશિયાથી અને ૧૦ ટકા જથ્થો આર્જેન્ટિના પાસેથી મેળવાયો હતો. હવે યુદ્ધની વણસેલી પરિસ્થિતિને કારણે ભારતમાં સૂરજમુખી તેલની થનાર શોર્ટેજના કારણે રાયડા, મગફળી, સોયાબીન જેવા તેલોના બજારને ભારે ફાયદો થવાની ગણત્રી છે. રાયડામાં ટેકાના ભાવો કરતાં વધુ કિમતો ખેડૂતોને મળે તેવી સ્થિતિ છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે રાયડાના ટેકાના ભાવો પ્રતિ ક્વિન્ટલે ૫૦૫૦ રૂપિયા સરકારે નક્કી કર્યા છે. હવે રાયડાની સીઝન શરૂ થઇ છે ત્યારે આ વર્ષે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારા સાથે સરેરાશ ૩૭૦ લાખ ટન ઉપરાંતનું રહે તેવી સંભાવના છે. દેશમાં સૌથી વધુ વપરાશ પામતેલની ૮૦ લાખ ટન, સોયાબીન ઓઇલનો ૪૫ લાખ ટન, રાયડાના તેલનો ૩૦ લાખ ટન અને સુરજમુખી તેલનો ૨૫ લાખ ટન ચોથા ક્રમે છે. જે પૈકી અઢી લાખ ટન સુરજમુખી તેલનો જથ્થો યુક્રેનથી આયાત થાય છે. હાલમાં યુદ્ધને કારણે સુરજમુખી તેલની આયાતનો હાલમાં કોઈ સ્થિતિ નથી. જેથી સ્થાનિક ઉત્પાદિત ખાધતેલોમાં તેજી થવાનો સંકેત છે. આ સંજોગોમાં ખાધ તેલોમાં આત્મનિર્ભર બનવા ઉપર કેન્દ્ર સરકાર વધુ ભાર મુકી રહી છે.
રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધની અસરથી ગયા અઠવાડિયે એગ્રી, બુલિયન તેમજ મેટલ સહિત કોમોડિટી સેકટરમાં ભારે અફડાતફડી માહોલ રહ્યો હતો. એગ્રી કોમોડિટીમાં એરંડા સિવાય મોટાભાગે તમામ કોમોડિટીમાં લોઅર સર્કીટના મારા વચ્ચે બજારો તુટી ગયા હતા. સૌથી મોટું તોફાન જીરામાં રહ્યું હતું. જીરાવાયદો છ ટકાની સરકીટ સાથે તુટીને ૨૦૬૦૦ના લેવલે નોંધપાત્ર નીચા લેવલે રહ્યો હતો. જો કે બીજા દિવસે ઉછાળાના કારણે ૨૨૦૫૦ની સપાટીએ ફરી તેજી તરફી રહ્યો હતો. બે દિવસમાં ભારે વધ-ઘટના કારણે જીરામાં ભારે સોપો પડી ગયો હતો. આજ સ્થિતિ ધાણા, હળદર, સોયાબીન, રાયડો જેવી કોમોડિટીમાં પણ રહી હતી. ગવાર સીડમાં ૩ ટકાની અને ગવાર ગમમાં ૫.૬ ટકાનોઘટાડો રહ્યો હતો. એક તરફ કાચા તેલની બજાર વર્ષ ૨૦૧૪ બાદ પ્રથમવાર ૧૦૦ ડોલરને પાર થઇ હતી. જ્યારે કાચા તેલની સાથે જોડાયેલ ગવારની કિંમતો વધવાને બદલે ઘટાડા તરફી રહેતાં બજારમાં જાણકારો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.
યુદ્ધની કટોકટીની અસરથી મેટલ તેમજ બુલિયન કોમોડિટી ઉપર નોંધપાત્ર અસરો રહી છે. ચીનમાં સ્ટીલની ચીજવસ્તુઓ તથા કાચામાલની માંગ વધવાને કારણે ખનીજ લોખંડમાં તેજી છવાઈ છે. સાથે સાથે એલ્યુમીનીયમમાં પણ તેજી થતાં ભાવો વર્ષ ૨૦૦૮ની સપાટીએ ઉંચે થયા છે. સાથે સાથે સોના-ચાંદીમાં પણ ભારે અફડાતફડી સાથે સોનાના ભાવો ૫૩૦૦૦ની સપાટીએ અને ચાંદીના ભાવો ૬૫૦૦૦ની સપાટીએ ઉચા સ્તરે આવી ગયા હતા. જો કે બીજા દિવસે બજારો તુટતાં સોનું ૫૦૨૦૦ તથા ચાંદી ૬૪૦૦૦ની સપાટીએ નીચે રહ્યા હતા. યુધ્ધના કારણે અફડાતફડી એટલી બધી કાતીલ છે કે નવા રોકાણકારો માટે બજારમાં પ્રવેશવાનું કે નીકળવાનું જોખમી બને તેમ છે. શેરબજારોમાં પણ ભારે કડાકો રહેતાં અનિશ્ચિતતામાં વધારો થયો છે. જો કે યુધ્ધની સ્થિતિ સતત ચાલુ રહેશે તો બુલિયનમાં ફરીથી તેજી થઇ શકે છે. પણ હાલમાં અમેરિકાના વ્યાજદરોમાં વધારા થવાના સંકેતોના કારણે બુલિયન કોમોડિટીમાં તેજીને બ્રેક વાગી રહી છે.