Day Special

રશિયા તરફ ચાની નિકાસ રૂધાતાં દેશના નિકાસકારોની અન્ય દેશો તરફ નજર

રશિયા તરફ ચાની નિકાસ રૂધાતાં દેશના નિકાસકારોની અન્ય દેશો તરફ નજર content image 09345760 f037 4772 b02e c061d8f95282 - Shakti Krupa | News About India

– ભારતની જેમ કેન્યાની ચાની નિકાસ પણ રશિયા તરફ નોંધપાત્ર થતી રહી છે 

– પ્રસંગપટ

– 1970માં આવી સ્થિતી સર્જાઈ હતી એ વખતે ભારતથી ચાની નિકાસ પશ્ચિમી એશિયાના દેશો તરફ વધારવામાં આવી હતી

દેશના ચા બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. આ પૂર્વે કોરોનાનો ઉપદ્રવ તથા લોકડાઉનની સ્થિતિ વચ્ચે હોટલ્સ, રેસ્ટોરન્ટો, જાહેર સમારંભો વિ. પર અંકુશો લાદવામાં આવ્યા હતા અને આ ગાળામાં ચા બજારમાં આવા બલ્ક વપરાશકારોની માગને અસર પડી હતી.

જોકે આ ગાળામાં ચાની ઘરગથ્થુ માગ ઉંચી ગઈ હતી. હવે કોરોનાનો ઉપદ્રવ હળવો થતાં તથા લોકડાઉનના બદલે હવે રિઓપનિંગની પ્રક્રિયા શરુ થતાં ચા બજારમાં બલ્ક વપરાશકારોની માગ તથા પૂછપરછો પણ ફરી શરૂ થયાના નિર્દેશો મળ્યા છે. જોકે કોરોના કાળના ફટકામાંથી બજાર હજી બહાર આવી રહી હતી ત્યારે હવે રશિયા- યુક્રેન વચ્ચે વોર શરૂ થતાં ભારતથી વિશ્વબજારમાં થતી ચાની નિકાસના સંદર્ભમાં નવેસરથી સમીકરણો બદલાતા જોવા મળ્યા છે.

ભારતથી ચાની જે કુલ નિકાસ થાય છે એ પૈકી આશરે ૧૪થી ૧૫ ટકા ચાની નિકાસ રશિયા તરફ થતી હોય છે. વોરના પગલે તાજેતરમાં આવી નિકાસને ફટકો પડયાના વાવડ મળ્યા છે. કોલ્ડ વોરના યુગ પછી તાજેતરમાં આવા વોરના પગલે અણધારી સ્થિતિ સર્જાઈ છે. ચામાં તાજેતરમાં એક બાજુ ઘરઆંગણે બલ્ક વપરાશકારોની માગ વધી છે ત્યારે બીજી બાજુ દરીયાપારની માગને હવે વોર ઈફેકટનો સામનો કરવો પડતો થયો છે. રશિયા તરફ માલ લઈ જતી મોટાભાગની શિપીંગ લાઈનોએ હાલ તુરત આ રૂટ પર કામગીરી થંભાવી દીધી હોવાનું ચા બજારના જાણકારોએ જણાવ્યું હતું.

હાલની સ્થિતિમાં ભારતના ચાના નિકાસકારો માટે કુલ નિકાસના આશરે ૧૪થી ૧૫ ટકાનો જથ્થો રાતોરાત સરપ્લસ થઈ ગયો છે અને આવા સરપ્લસ જથ્થાની હવે ક્યા દેશ તરફ નિકાસ કરવી એ વિશે ચાના નિકાસકારો મુંઝવણ અનુભવતા જોવા મળ્યા છે. ચા નિકાસ ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ હાલના સંજોગોમાં હવે ચાના નિકાસકારો પશ્ચિમ એશિયાના દેશો તરફ નજર દોડાવી રહ્યા છે.

આ પૂર્વે આવી સ્થિતિ ૧૯૯૦ આસપાસના સમયમાં જોવા મળી હતી અને એ વખતે સોવિયેત યુનિયનના ભાગલા પડતાં એ વખતે વિવિધ દેશો રશિયાથી છૂટા પડયા હતા અને એ વખતે પણ ભારતથી રશિયા તરફ થતી ચાની નિકાસની પ્રતિકૂળ અસર પડી હતી. એ વખતે દેશના ચાના ઘણા નિકાસકારોએ ચાનો સરપ્લસ જથ્થો વેસ્ટ એશિયાના દેશો તરફ મોકલ્યો હતો. હવે ઘણા વર્ષો પછી નવેસરથી આવી પરિસ્થિતિ ઉભી થઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન, તાજેતરમાં બહાર આવેલા આંકડા મુજબ એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૧ના ગાળામાં દેશમાંથી ચાની કુલ નિકાસ આશરે ૧૪૯૦ લાખ કિલો જેટલી થઈ હતી અને આ પૈકી આ ગાળામાં રશિયા ખાતે ચાની નિકાસ આશરે ૨૩૦ લાખ કિલો જેટલી થઈ હતી. ૨૦૨૦ના આ ગાળામાં ચાની કુલ નિકાસ ૨૦૨૦ લાખ કિલો થઈ હતી જે પૈકી એ ગાળામાં રશિયા ખાતે નિકાસ આશરે ૩૫૬થી ૩૫૭ લાખ કિલો જેટલી થઈ હતી. આ આંકડા સરકાર હસ્તકના ટી- બોર્ડના સૂત્રોમાંથી મળ્યા છે. ગયા વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન ભારત ખાતેથી ચાની કુલ નિકાસ મુલ્યના સંદર્ભમાં આશરે રૂ.૩૨૪૦થી ૩૨૪૫ કરોડની થઈ હતી તથા  આ પૈકી રશિયા ખાતે આવી નિકાસ આશરે રૂ.૩૯૦થી ૪૦૦ કરોડની થઈ હતી. જોકે હવે વોરના પગલે સ્થિતિ બદલાઈ ગઈ છે.

રશિયાની કરન્સી રુબલના ભાવ પણ નવા નીચા તળીયે ઉતરી ગયા છે અને તેના પર પણ નિકાસકારોની નજર રહી છે. રશિયા તથા યુક્રેન વચ્ચેના વિખવાદની અસર જેવી ભારત પર પડી છે એવી જ અસર કેન્યા પર પણ પડી હોવાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું. ભારતની જેમ કેન્યાની ચાની નિકાસ પણ રશિયા તરફ નોંધપાત્ર થતી રહી છે તથા હવે યુધ્ધના માહોલમાં ભારતની જેમ કન્યાના નિકાસકારો પણ રશિયાના બદલે અન્ય દેશો તરફ ચાની નિકાસ માટે નજર દોડાવતા થયા છે. ભારતની સામે કેન્યાની ચાના ભાવ વિશ્વબજારમાં સ્પર્ધાત્મક રહ્યા છે. 

આ ઉપરાંત ભારતની જેમ કેન્યાની ચાની ગુણવત્તા પણ ચડીયાતી રહી છે. કેન્યાની ચામાં સ્વચ્છતા ચડીયાતી આવે છે. ત્યાં  જંતુનાશક દવાઓ પણ પર્યાવરણને લક્ષમાં રાખી વાપરવામાં આવે છે. હવે રશિયા તરફ નિકાસને બ્રેક લાગતાં કેન્યાના નિકાસકારો બ્રિટન તથા સાઉદી અરેબીયા તરફ નજર દોડાવતા થયા છે. ભારતમાં ઘરઆંગણે પણ ચાની માગ નોંધપાત્ર રહેતી હોય છે જ્યારે કેન્યામાં ઘરઆંગણે ચાની માગ નોંધપાત્ર ઓછી રહેતાં કેન્યાના નિકાસકારો વધુને વધુ ચાની નિકાસ કરવા પ્રયત્નો કરતા હોય છે એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. 

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button