રોડ, રેલ્વેની જેમ હવે શીપીંગ અને શિપબિલ્ડીંગ માટે પણ સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે
– ૭૫૦૦ કિલોમીટરની દરિયો, ૧૨ મોટા અને ૨૨૫ મધ્યમ પોર્ટ છતાં શીપીંગની જેમ શિપબિલ્ડીંગ કેમ વિકસતું નથી
– ઓર્ડરનો અભાવ, જંગી ખર્ચ અને લાંબાગાળાની બિઝનેસ સાયકલના કારણે ત્રણ શિપયાર્ડ રૂ.૪૦,૦૦૦ કરોડમાં નાદાર થયા!
શિપ બિલ્ડીંગનો બિઝનેસ અત્યારે ચર્ચામાં છે. દેશના સૌથી મોટા બેંક કૌભાંડમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઈ) દ્વારા એબીજી શિપયાર્ડના પ્રમોટર રિશી અગ્રવાલ સામે કેસ કરવામાં આવ્યો છે. કંપનીએ લોન ભરવાનું બંધ કર્યું પછી બેંકોએ મદદ કરી નવું પેકેજ આપ્યું એ પછી પણ એબીજીનો બિઝનેસ પાટે ચડયો નહી. કંપની સામે નાદારીની કાયર્વાહી ચાલી રહી છે, મિલકત ખરીદવા માટે કોઈ બિડિંગ કરવા તૈયાર નથી એટલે જે કઈ બચ્યું છે તેની હરરાજી થઇ રહી છે. આટલા ઘોડા છૂટી ગયા પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ૧૯ મહિના જૂની ફરિયાદના આધારે હવે કેસ થયો છે. અનિલ અંબાણીએ પીપાવાવ શિપ બિલ્ડીંગ નામની કંપની ખરીદી અને હવે રિલાયન્સ નેવલ ડીફેન્સ નામની આ કંપની સામે પણ નાદારીની કાર્યવાહી ચાલી રહી છે. અગાઉ ત્રણ દાયકા જૂની ભારતી શિપયાર્ડ પણ નાદારી હેઠળ મોકલી દેવામાં આવી હતી.
આ ત્રણ કંપનીઓ મળી બેંકોએ કુલ રૂ.૪૦,૦૦૦ કરોડની વસૂલાત કરવાની છે. દરેક બેંકોને ચિંતા છે કે પૈસા પાછા આવશે કે નહી.
શિપ બિલ્ડીંગ એક જટિલ વિષય છે અને ભારતમાં ખાનગી કંપનીઓ કરતા સરકારી કંપનીઓની બોલબાલા છે. દેશમાં જેટલી શિપ બને છે એમાં સરકારી કંપનીઓ વધારે બનાવે છે. આમ છતાં, શિપબિલ્ડીંગના આ જંગી મૂડીરોકાણ વાળા બિઝનેસમાં વધુ વિદેશી રોકાણ આવે એ માટે આજે અને અગાઉ પણ સરકાર સતત પ્રયત્ન કરતી આવી છે.
વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતમાં સરકારી અને ખાનગી કંપનીઓ પાસે કુલ ૧૮૮ શિપ બનાવવાનો ઓર્ડર હતો તેમાંથી ૧૧૧ શિપ સરકારી કંપનીઓ અને બાકીની ૭૭ ખાનગી કંપનીઓ બનાવવાની હતી. આ દર્શાવે છે કે સરકારી કંપનીઓ પાસે વધારે આવડત, ઓર્ડર અને ક્ષમતા છે. બીજું, ત્રણ સરકારી કંપનીઓ એવી છે કે જે માત્ર દેશની નૌસેના, કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ માટે કાર્યરત છે.
બીજું, વિશ્વમાં શિપ બિલ્ડીંગ ક્ષેત્રે ધરખમ ફેરફાર જોવા મળી રહ્યા છે. યુરોપમાં કંપનીઓ બંધ થઇ રહી છે. શિપ બિલ્ડીંગથી પર્યાવરણને થતા નુકસાનના કારણે ત્યાં આ પ્રવૃત્તિ અટકી પડી છે અથવા ઘટી છે પણ એશિયામાં તેનો વિકાસ થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૮માં દુનિયામાં બનેલી કુલ શિપમાંથી ૯૦ ટકા ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન એમ ત્રણ જ દેશમાં બની હતી! ભારત પાસે ૭૫૧૭ કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, એક ડઝન મોટા અને ૨૨૦ જેટલા મધ્યમકદના બંદર આવેલા છે. આ બંદરો વિશ્વ વ્યાપારના એક હબ તરીકે તેમજ ભારતના આંતરિક માલ પરિવહનમાં મોટો હિસ્સો ધરાવે છે એટલે ભારતમાં પણ શિપ બિલ્ડીંગની તક છે પણ અત્યાર સુધીમાં જે ખાનગી ક્ષેત્રે મોટા પ્રયાસ થયા છે તેમાં સફળતા મળી નથી. આમ કેમ?
સૌથી પહેલા, શિપબિલ્ડીંગ એકદમ જટિલ પ્રક્રિયા છે. સ્ટીલ, ઇલેક્ટ્રોનીક્સ, મિકેનીકલ, સિવિલ અને ઓસન એન્જીનીયરીંગ ઉપરાંત તેના અંતે કુશળ કામદારો અને જંગી દરિયા કિનારાની જરૂર પડે છે. શિપની ડીઝાઇન, તેનું બાંધકામ અને તેનું વેચાણ એક લાંબી પ્રક્રિયા છે અને તેમાં જેટલી જવાબદારી ઉત્પાદકની છે એટલી જ ખરીદનારની પણ છે. વિશ્વમાં ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનની સામે ભારતનો કુલ જહાજ ઉત્પાદનમાં હિસ્સો માત્ર ૦.૦૫ ટકા છે. એટલું જ નહિ ભારતની શીપીંગ કંપનીઓ પાસે જે જહાજો છે તેમાંથી માત્ર ૧૦ જ ટકા ભારતમાં બનેલા હશે.
ઉપરોક્ત આંકડા દર્શાવે છે કે ખુદ ભારતના ગ્રાહકોને ભારતના બનેલા શિપ ખરીદવામાં રસ નથી. સ્થાનિક ઉત્પાદકોની ઉંચી કિંમત, સમય કરતા મોડી ડિલીવરી અને નબળી ગુણવતાના કારણે પણ આ સ્થિતિ પેદા થઇ શકે.
એવું નથી કે ભારતમાં શરૂઆત નથી થઇ. દેશમાં સૌથી પહેલી શિપબિલ્ડીંગ કંપની ૧૯૪૧માં સિંધિયા શિપયાર્ડના નામે શરૂ થઇ હતી. સિતેરના દાયકામાં દેશમાં ૪૫ જેટલા શિપયાર્ડ હતા હવે માત્ર ૨૮ જ બચ્યા છે જેમાં આઠ સરકારી અને ૨૦ ખાનગી શિપબિલ્ડર્સ છે. પણ સામે સરકારના કુલ ઓર્ડરમાંથી ૯૦ ટકા યુદ્ધ જહાજો કે પેટ્રોલિંગ બોટ્સ હોય છે એટલે તે સરકારી કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. સરકારી ઓર્ડર નથી મળતા એટલે ખાનગી કંપનીઓ પાસે કામ નથી. સરકારી કંપનીઓ પાસે અનુભવ વધી રહ્યો છે એટલે હવે ખાનગી શીપીંગ કંપનીઓ પણ સરકારી કંપનીઓ પાસે જહાજ બનાવડાવે છે.
શીપીંગ એટલે જે માલ પરિવહન, પોર્ટ મેનેજમેન્ટ, કાર્ગો હેન્ડલિંગ અને અન્યત્ર સેવાઓ અને શિપ બિલ્ડીંગ એટલે જહાજ બનાવવાનો વાડો, તેના માટે જરૂરી નેવિગેશન, ઓસન એન્જીનીયરીંગ, સ્ટીલ, એલ્યુમિનિયમ, ઇલેક્ટ્રોનીક્સ, ઈલેક્ટ્રીકલ, રડાર ટેકનોલોજી, કોમ્યુનિકેશન સહીતની ચીજોનું ઉત્પાદન, સમારકામ, તેની ડીઝાઇન અને અન્ય સગવડો ઉભી કરવી. આ બન્ને વચ્ચે અત્યારે ભેદભાવ કરવાનો સમય આવી ગયો છે. બન્ને શીપીંગ અને શિપ બિલ્ડીંગ માટે અનુસંગિક માળખું ઉભું કરવાનો સમય આવી ગયો છે. દેશમાં જેટલું રોકાણ કેન્દ્ર સરકારે રોડ, રેલ્વે અને રોડ બાંધકામ પાછળ કરે છે તેની સામે નહિવત ભાગ શીપીંગ અને શિપ બિલ્ડીંગ પાછળ કરવામાં આવી રહ્યો છે. આના કારણે શિપબિલ્ડીંગ દેશમાં એક એસેમ્બલી કરતી પ્રવૃત્તિ બની ગઈ છે. સમગ્ર શિપના ભાગ એકત્ર કરવામાં આવે છે, તેને જરૂરીયાત અનુસાર ફીટીંગ કરવામાં આવે છે અને શિપ બને છે. અસંખ્ય ચીજોની આયાત કરવી પડે છે અને એટલે જ ભારતમાં શિપ બનાવવું મોંઘુ પડે છે, શિપ ઉભી કરવા લાંબો સમય લાગે છે અને તેના કારણે વધારે ક્ષમતાના જહાજ બનતા નથી. આ સ્થિતિ અંગે સરકાર, ખાનગી મૂડીરોકાણ કરનારા અને અન્યત્ર જલ્દી વિચારણા નહી કરે, રણનીતિમાં ફેરફાર નહી કરે તો એબીજી, રિલાયન્સ નેવલ અને ભારતી શિપયાર્ડ જેવી ઘટનાઓ સતત બનતી જ રહેશે.