વિવિધ કોમોડિટીના ભાવમાં વધારો થવાની શક્યતા
– યુદ્ધનું પરિણામ એલિવેટેડ રિસ્ક પ્રિમિયમ અને ઉચ્ચ ટ્રાન્ઝિટ ખર્ચામાં પરિણમશે
વિશ્લેષકો માને છે કે, ક્રૂડ ઓઇલ, એમોનિયા, યુરિયા, પોટાશ અને ફોસ્ફેટ્સ જેવી કી કોમોડિટીના ભાવમાં વધારો થઇ શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ૨૦૧૪ પછી પ્રથમ વખત બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ બેરલદીઠ ૧૦૦ ડોલરના આંકને આંબી ગયા છે. આ માત્ર તેજીની શરૂઆત છે. આગામી સમયમાં તેમાં વધારો થવાની સંભાવના છે. ક્રૂડની રેલી કદાચ હમણાં જ શરૂ થઇ હશે. કારણ કે વૈશ્વિક તેલ અને ગેસના પુરવઠા પરની સંપૂર્ણ અસર હજુ જોવાની બાકી છે.
યુરોપ તેની તેલની જરૂરિયાતના ૩૦ ટકા રશિયા પાસેથી અને ૩૫ ટકા કુદરતી ગેસ માટે આયાત કરે છે. તે જોતાં સૌ પ્રથમ તેનો પ્રભાવ પડશે. યુદ્ધનું પરિણામ એલિવેટેડ રિસ્ક પ્રિમિયમ અને ઉચ્ચ ટ્રાન્ઝિટ ખર્ચમાં પણ પરિણમશે. તેના આધારે ક્રૂડ બેરલ દીઠ ૧૨૫ ડોલર અને કુદરતી ગેસ ૨૦૦ ડોલર પર પહોંચી શકે છે. રાબો બેંકના અંદાજ મુજબ વિશ્વનો ૨૩ ટકા એમોનિયા રશિયામાંથી ૧૭ ટકા પોટાશ, ૧૪ ટકા યુરિયા અને ૧૦ ટકા ફોસ્ફેટસ મોકલવામાં આવે છે. જો બેલારુસની નિકાસ, જે રશિયા સાથે નજીકથી સહયોગ કરી રહી છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવે, તો કુલ પોટાશના ૩૦ ટકા થાય છે.
રશિયા વિશ્વના મુખ્ય ધાતુઓના સૌથી મોટા નિકાસકારોમાંનું એક છે, નિકલની કુલ વૈશ્વિક નિકાસમાં તેનો બજાર હિસ્સો આશરે ૪૯ ટકા હોવાનો અંદાજ છે. પેલેડિયમ ૪૨ ટકા, એલ્યુમિનિયમ ૨૬ ટકા, પ્લેટિનમ ૧૩ ટકા, સ્ટીલ ૭ ટકા, અને કોપર ૪ ટકા, પરંપરાગત રીતે, યુદ્ધ આ તમામ ઔદ્યોગિક ધાતુઓની પુરવઠામાં વિક્ષેપ અને માગમાં વધારો જુએ છે, અને ખરેખર ભાવમાં વધારો થવાની સંભાવના છે. જો કે, મોટો મુદ્દો પ્રતિબંધોની ધમકી છે.
આ બધાનો અર્થ એ છે કે રોકાણકારો અને કંપનીઓએ ઊંચા ફુગાવા માટે તૈયારી કરવી પડશે. એપ્રિલ ૨૦૨૦-માર્ચ ૨૦૨૧ દરમિયાન દ્વિપક્ષીય વેપાર ૮.૧ બિલિયન ડોલરનો હતો. ભારતીય નિકાસ ૨.૬ બિલિયન ડોલર હતી જ્યારે રશિયામાંથી આયાત ૫.૪૮ બિલિયન ડોલર હતી. જો કે, ભારત ક્રૂડ ઓઇલ ખાતર, ધાતુઓના ભાવો તેમજ ફોરેક્સ માર્કેટમાં પરિણમી શકે તેવી ઉથલપાથલના સંદર્ભમાં અસરથી અળગું રહી શકશે નહીં.
ભારત વિશ્વમાં ખાદ્યતેલની આયાત કરતો સૌથી મોટો દેશ છે. ભારત ઇન્ડોનેશિયા અને મલેશિયાથી પામતેલ, આર્જેન્ટીનાથી સોયાતેલ અને યુક્રેનથી સનફલાવર તેલની આયાત કરે છે. ભારતની સનફલાવર તેલની કુલ આયાતમાં યુક્રેનનો હિસ્સો ૭૦ ટકા છે. યુક્રેન જે વિસ્તારમાં આવેલું છે તેને બ્લેક સી પ્રદેશ કહે છે. દુનિયાના સનફ્લાવર તેલનું કુલ ૬૦ ટકા ઉત્પાદન અને ૭૬ ટકા નિકાસ અહીંથી થાય એમ છે એટલે વિકલ્પ પણ ઓછા છે. આટલી મોટી આયાત (ગત વર્ષે ૧૩.૯૮ લાખ ટન) અન્ય કોઈ દેશમાંથી ભારત ખરીદવા જાય અથવા તો આટલું જ અન્ય તેલ ખરીદે તો જંગી જથ્થાના કારણે તેલના ભાવ ભડકે બળી શકે છે. અત્યારે આયાતી તેલનો ભારતના ઉત્પાદકો પાસે જથ્થો પડયો હશે એટલે તરત અસર નહી થાય પણ તેની અસર બજારભાવ મારફત ચોક્કસ પડી શકે છે.
રશિયાએ આજે હુમલો કરતા અમેરિકન બજારમાં ઘઉંના ભાવ નવ વર્ષની ઉંચી સપાટીએ, મકાઈ આઠ મહિનાની અને સોયાબીનના ભાવ દસ વર્ષની ઉંચી સપાટીએ પહોંગી ગયા છે. રશિયા અને યુક્રેન ભેગા મળી વિશ્વના ૨૯ ટકા ઘઉંની નિકાસ અને ૧૯ ટકા મકાઈની નિકાસ ઉપર ઈજારો ધરાવે છે એટલે બન્ને ચીજોના ભાવમાં તેજી જોવા મળી હતી.