વેરાશાખ બાબતે અમૂક અગત્યની જોગવાઈ
– વેચાણવેરો : સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ વેરાશાખ બાબતે તકરાર થવાની અને જડબેસલાખ જોગવાઈના લીધે વેપારીઓનો વેરાશાખાનો દાવો ડામાડોળ થવાનો સરકાર દ્વારા GST નો કાયદો આવ્યો ત્યારથી જ અવારનવાર વેરાશાખ બાબતે સુધારા કરાતા રહેવાયા છે અને વેપારીની તકલીફો વધતી રહી છે.
આજરોજ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮ તથા ૨૦૧૮- ૧૯ માટે વેરાશાખ બાબતે બેફામ નોટિસ આપવામાં આવી રહી છે અને જો ફોર્મ GSTR 2A માં વેરાશાખ દેખાતી ન હોય તો વેપારીને પૈસા ભરવા માટેના આદેશ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વેપારીએ અગાઉના વેટ કાયદા હેઠળ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરી હોય અને મનાઈ અરજીની સુનાવણી ન થઈ હોય તો પણ ખાતા દ્વારા બેંક ટાંચના ફૂંફાડા મારવામાં આવી રહ્યા છે. ખેર, અંધેરી નગરી અને ગંડુ રાજા આજના લેખમાં GST કાયદા હેઠળ વેરાશાખ બાબતે અગત્યના મુદ્દાઓ વિષે ચર્ચા કરવામાં આવી છે.
તારીખ ૧-૭-૧૭થી ૩૦-૯-૧૯
જે વ્યવહારો તારીખ ૧-૭-૨૦૧૭થી ૩૦-૯-૨૦૧૯ સમય દરમ્યાન કરવામાં આવ્યા છે. તે બાબતે આજરોજ ખાતા દ્વારા GSTR 2A સાથે મિસમેચ બતાવીને વેપારીને દંડો મારવામાં આવતો હોય છે. વાસ્તવમાં આવું થઈ ના શકે. સરકાર દ્વારા વેરાશાખ બાબતે જોગવાઈ CGST કાયદાની કલમ ૧૬માં કરવામાં આવી છે. આ કલમ ૧૬માં જોગવાઈ પ્રમાણે વેરાશાખનો દાવો મજરે લેવા માટે સપ્લાયરની પાસે ચુકવણું થયેલું હોવું જોઈએ એવી કલમ ૧૬માં કોઈ જ જોગવાઈ કરવામાં આવી નથી કે GSTR 2A માં બિલ દેખાય તો જ વેરાશાખ મળાપાત્ર રહેશે કારણ કે સરકાર દ્વારા કલમ ૪૧ હેઠળ મેચિંગની જોગવાઈ અમલમાં લવાઈ હતી નહીં તદઉપરાંત સરકાર દ્વારા તારીખ ૧૮-૧૦-૨૦૧૮ એક પ્રેસ રિલિઝ પ્રમાણે એમ જાણ કરવામાં આવી હતી કે ફોર્મ GSTR 2A તો એક માહિતી પત્રક છે અને તેનાથી કોઈ વેરાકીય જવાબદારીમાં ફેર પડવાનો નથી. વધુમાં કલમ ૪૧ની જોગવાઈ અમલમાં લાવવામાં આવી ન હતી માટે જો કોઈ બિલની વિગત GSTR 2A માં ન દેખાય તેવા કિસ્સામાં તારીખ ૧-૭-૧૭થી ૩૦-૯-૧૯ સુધીના વ્યવહારો માટે વેરાશાખ નામંજૂર થઈ શકે. માટે જે પ્રમાણે આજરોજ GSTR 2A ની વિસગંતતા બાબતે નોટિસ આપવામાં આવી રહી છે તે રદબાતલ કરવાની થાય.
તારીખ ૧-૧૦-૨૦૧૯થી જોગવાઈ
નિયમ ૩૬ (૪)નો જન્મ તારીખ ૧-૧૦-૨૦૧૯થી કરવામાં આવેલ છે. આ સુધારાથી એમ ફલિત થાય છે કે તારીખ ૧-૧૦-૨૦૧૯ પહેલાના સમય માટે GSTR GSTR 2Aની કોઇ લીગલ સ્ટેટસ હતું જ નહીં.બાદ સરકાર દ્વારા તારીખ ૧-૧-૨૧થી GSTR 2B લાવવામાં આવેલ છે અને તે પ્રમાણે જો પત્રક ભરવામાં વિલંબ થયેલ હોય તો વેચનાર દ્વારા તો બીલની વિગત જે તે માસના GSTR 2B માં દેખાતી નથી અને ત્યાર પછી દેખાય છે. આના લીધે વેરાશાખ મળવામાં વિલંબ થાય છે.
તારીખ ૧-૧-૨૦૨૨થી એમ જોગવાઈ કરવામાં આવી છે કે GSTR 2B માં દેખાતી રકમ કરતા વધુ વેરાશાખ માંગી શકાશે નહીં. આ બધાના લીધે એમ ફલિત થાય છે કે જો આજરોજ વેપારીથી પત્રક ભરવામાં કોઈ પણ ભૂલ થશે તો વેરાશાખનો દાવો પડી ભાંગવાનો.