વૈશ્વિક ફુગાવામાં વૃધ્ધિએ વ્યાજદર વધવાની ભીતિ વચ્ચે સોનામાં બે-તરફી વધઘટ
– બુલિયન બિટ્સ : દિનેશ પારેખ
– યુએસમાં વ્યાજ દર વધવાની ગણતરી વચ્ચે ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં સોનાના વૈશ્વિક ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા
વિશ્વબજારમાં ફેડની મીટીંગમાં ફુગાવાને નાથવા માટે નવી યોજના બનાવવામાં આવશે તથા વ્યાજનો દર માર્ચ માસમાં વધારાશે તેવી જાણકારી મળી છે. અમેરિકામાં જોબગ્રોથ વધતાં મોંઘવારી માઝા મૂકવા છતાં નાણાંકીય પ્રવાહમાં બોન્ડની ખરીદી માટે કાપ મૂકાશે તેવા સમાચારે ડોલર નરમ પડયો છે જે સોનાની તેજીને ટેકો આપીને સોનાના ભાવને ૧૮૩૫ ડોલર પ્રતિ ઔંસની સપાટી તોડીને ઉપરના ભાવોની દીશા તરફ દોરી રહ્યા છે. તેમાં તેલના ભાવોનો વધારો તથા ઉત્પાદનમાં વધારો કરાશે કે નહીં તેમાં અનિશ્ચિતતા રહેવાને કારણે પણ સોનાની તેજીને ધક્કો મળતાં સોનું ઉછળશે. જોકે વ્યાજ વૃદ્ધીની ભીતિએ ડોલર ફરી વધ્યો છે.
એનાલીસ્ટો જણાવે છે કે સોનું ૧૮૩૦ અને ૧૮૫૦ ડોલર પ્રતિ ઔંસની રેન્જ વચ્ચે રહીને ફરીને તેજીને આહવાહન મળે તેવા સંજોગો ઉભા થઈ રહ્યા છે જેમાં ટ્રેજરી બોન્ડની ખરીદી લાંબા ગાળે બંધ કરવું તથા વ્યાજના દરને તબક્કેવાર ૨૦૨૨ના વર્ષમાં ૪થી ૫ વાર વધારવું તેવા ફેડના નિર્ણયને કારણે ફુગાવો વધતો જાય છે અને અમેરીકાનું દેવું ૮૪૧ ટ્રીલીયન ડોલર જેવું થતા અનએમ્પ્લોયમેન્ટ વધશે. મોંઘવારી વધશે તે રોકાણકારો પોતાની મિલ્કતને સલામત રાખવા સોનાની ખરીદી પાછળ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરશે.
ડોલરની વધઘટ તથા બોન્ડની યીલ્ડની અસર સોના પર દેખાતી રહી છે.વિશ્વબજારમાં બુધવારે ટ્રેજરીના વળતરમાં પીછેહઠ દાખવી પાછા પરોઢના પગલા ભરાતા તથા ડોલરની નરમાઈ રોકાણકારોને ફુગાવા તરફ મીંટ માંડવાની ફરજ પડી છે અને નવી પરિસ્થિતિ કેવી રહે છે તેની રાહ જુએ છે અને સોનાની કેટલી ખરીદી કરવી તેનો નિર્ણય લેશે.
લંડન વોલ્ટમાં જાન્યુઆરી ૨૦૨૨ના અંતમાં સોનાનું હોલ્ડીંગ ૯૬૧૧ ટન ગયા માસથી ઓછું રહ્યું છે અને તેની કિંમત ૫૫૪.૭ બીલીયન ડોલરની થાય છે તથા તેમાં ૭૬૮૮૯૬ ગોલ્ડ બાર્સનો સમાવેશ થાય છે ત્યારે ચાંદીનું હોલ્ડીંગ ૩૫૫૨૨ ટન (-૧.૬૭ ટકા) ગયા માસથી ઓછું અને તેની કિંમત ૨૫.૭ બીલીયન ડોલરની થાય છે જેમાં ૧૧૮૪૦૬૯ સીલ્વર બાર્સનો સમાવેશ લંડન બજારમાં હાજર સોનાની લેવડદેવડમાં કશી અનિશ્ચિતતા નથી અને સરળતાપૂર્વક દરેક લેતી દેતી થાય છે.
એકંદરે સોનું ૧૮૩૦ અને ૧૮૭૫ ડોલર પ્રતિ ઔંસ વચ્ચે રમે તેવું જણાય છે. તેમાં ચીન તથા ભારતની માંગ મહત્ત્વનો ભાગ ભજવશે. વિશ્વ ચાંદી બજારમાં સોના સાથે ચાંદીના ભાવો પણ ઉછળીને ગુરુવારે ૨૩૨૬ સેન્ટ પ્રતિ ઔંસના ભાવ દાખવી ચાંદીમાં મજબૂતાઈ રહેશે તેવા સંકેત આપે છે.
એનાલીસ્ટો જણાવે છે કે હાલ તુરત ચાંદીમાં મોટી તેજી નહીં આવે અને ચાંદી ૨૨૭૦ અને ૨૪૫૦ સેન્ટ પ્રતિ ઔંસ વચ્ચે અથડાશે.સ્થાનિક સોના બજારમાં ઘરાકી ઓછી હોવા છતાં વૈશ્વિક સોનાના ભાવો મજબૂત થતા સોનાના ભાવમાં રૂ.૩૦૦- ૪૦૦ પ્રતિ દસ ગ્રામ ઉછાળો આવ્યો છે. ગુરુવારે જવેરી બજારમાં સોનાનો ભાવ રૂ.૪૯૮૦૦ પ્રતિ દસ ગ્રામ ક્વોટ થતો હતો ત્યારે વાયદો રૂ.૪૮૭૦૦ પ્રતિ દસ ગ્રામ બોલાતો હતો.
સોનાનો ભાવ વધતાં જુના સોનાની આવકમાં સુધારો નોંધાયો છે. વાયદા કરતાં રૂ.૨૦૦ ડીસ્કાઉન્ટમાં બીલમાં સોનું આયાતકારો વેચે છે. બજેટમાં સોના પર કશું નહીં આવતા બજારવાળા નિરાશ થયા છે.
લોકસભામાં ડાયમન્ડ પર વેરો ઘટાડીને ૫ ટકા કર્યો છે તેન ાપર કટાક્ષા આપતા એક સાંસદે જણાવ્યું કે નાણામંત્રી સેનીટરી પેડ પર ૧૨ ટકા ટેક્સ લગાડે છે ત્યારે હીરા પર માત્ર પાંચ ટકા- આ તો કેવો ન્યાય કે ગરીબ નારીઓની જરૂરીયાત પર વધુ ટેક્સ અને ડાયમન્ડ ઉદ્યોગને રાહત! આયાતકારો મર્યાદીત સોનું મંગાવે છે. પરંતુ ૨૦૨૨માં સોનાની આયાત વધશે તેવું લાગે છે.
સોનાના ભાવો વૈશ્વિક ભાવો, રૂપિયા ડોલરનો વિનિમય દર નક્કી કરશે. ચીનમાં આ નવા વર્ષે સોનાની માંગ વધી છે જે સોનાના ભાવ તો ઘટવા નહીં આવે. એકંદરે સોનું રૂ.૫૦,૦૦૦ પ્રતિ દસ ગ્રામની સપાટીઉપર રહેશે ત્યારે દાણચોરીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. સ્થાનિક ચાંદી બજારમાં સોના કરતા વધુ ઝડપી ભાવનો ઉછાળો નોંધાયો છે.
ગુરુવારે સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ રૂ.૬૪૪૦૦ પ્રતિ કિલો અને વાયદો રૂ.૬૨૪૦૦ પ્રતિ કિલો ક્વોટ થતો હતો.
બુલીયનના વેપારીઓ વાયદા તથા હાજર ચાંદી વચ્ચેનો ગાળો રૂ.૨૦૦૦ રહેતા સાવચેતી રાખીને નવી ખરીદી કરે છે.
શોરૂમમાં ઘરાકી સાધારણ છે અને દુકાનદારો જેટલો માલ વેચાય છે તેટલી જ ચાંદીની ખરીદી કરીને સ્ટોક યથાવત રાખીને નવી વધુ ખરીદી પર બ્રેક લગાડી છે.આયાતકારો વાયદા અને હાજર ચાંદીના ભાવ વચ્ચેના ગાળાને જોઈને રૂ.૨૦૦ પ્રતિ કિલો ડીસ્કાઉન્ટમાં ચાંદી વેચે છે.
જુની ચાંદીની આવક ઓછી છે પરંતુ ચાંદીના ડોરે બાર્સનું આયાત કરીને રીફાઈનરીઓ સ્થાનિક ચાંદીની માંગને શુધ્ધ ચાંદીનો પૂરવઠો પુરો પાડે છે.
ચાંદીના વાસણો તથા ગીફટ આર્ટીકલની નિકાસમાં થોડોક જીવ આવ્યો છે અને નિકાસ ચાલુ થતા નિકાસકારો હાશકારો અનુભવે છે.