વોર ઈફેકટઃ સોના-ચાંદી પછી હવે પેલેડીયમ, પ્લેટીનમના ભાવમાં પણ સ્પ્રિંગ જેવો ઉછાળો
– પેલેડીયમના ભાવ વેગથી વધી ૩૦૦૦ ડોલર કુદાવી જતાં હવે ૩૦૦૦ ડોલર પર નજરઃ પ્લેટીનમ ૧૧૦૦ ડોલર પાર કરી ગયું
રશિયા તથા યુક્રેન વચ્ચેની તંગદીલીના પ્રત્યાઘાતો ઘરઆંગણે તથા વિવિધ વૈશ્વિક બજારો પર તાજેતરમાં જોવા મળ્યા છે. ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સની બજારોમાં ખાસ્સી ઉછળકૂદ દેખાઈ છે. વૈશ્વિક સ્તરે અમુક એવી પણ મેટલ્સ દેખાઈ છે જે કિંમતી ધાતુઓની શ્રેણીમાં આવે છે તથા આવી મેટલ્સનો ઉપયોગ વિવિધ ઔદ્યોગિક વપરાશમાં થતો રહ્યો છે. આવી મેટલ્સમાં વિશેષરૂપે પ્લેટીનમ તથા પેલેડીયમનું નામ મોખરે રહ્યું હોવાનું વિશ્વ બજારના જાણકારોએ જણાવ્યું હતું, આવી મેટલ્સના ભાવ પણ તાજેતરમાં રશિયા-યુક્રેનના વિવાદના પગલે ઊંચા જતાં જોવા મળ્યા છે. રશિયા-યુક્રેનની તંગદીલી પૂર્વેના સમયગાળામાં પણ વૈશ્વિક સ્તરે પેલેડીયમ શોર્ટ સપ્લાયમાં રહ્યું હતું અને આ ગાળામાં પણ પેલેડીયમના ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ તાજેતરમાં રશિયા-યુક્રેન વચ્ચે વિખવાદ વધતાં પેલેડીયમની તેજીની આગેકૂચ માટે બજારને નવું કારણ મળી ગયું હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ડિસેમ્બર ૨૦૨૧થી વધવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ જાન્યુઆરી અને ફેબુ્રઆરીના મહિનાઓ પણ તેજીના માહોલમાં વિતતાં પેલેડીયમના ભાવ સતત ત્રણ મહિનાથી ઉંચે જઈ રહ્યા હોવાનું જોવા મળ્યું છે. સોનાના ભાવમાં ફેબુ્રઆરી મહિનામાં જોવા મળેલી મંથલી તેજીએ નવ મહિનાનો નવો રેકોર્ડ બનાવ્યો છે જ્યારે ચાંદીના ભાવ ફેબુ્રઆરીમાં આશરે ૯થી ૧૦ ટકા ઉછળ્યા ઠછે. સોના-ચાંદીના ભાવ ઉછાળાની પણ પોઝીટીવ અસર પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ પર જોવા મળી છે.
દરમિયાન, પેલેડીયમના ભાવ તાજેતરમાં ઔંશદીઠ ઉછળી ઉંચામાં ૩૦૦૦ ડોલરની સપાટી વટાવી જતાં તેજીની વિક્રમ દોટ વણ થંભી આગળ વધતાં બજારના મોટા-મોટા ખેલાડીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા. તાજેતરમાં પશ્ચિમના વિવિધ દેશોએ રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદયાના સમાચાર આવતાં પેલેડીયમના ભાવ એક જ દિવસમાં ૬થી ૭ ટકા ઉછળતાં જોવા મળ્યા હતા. રશિયા પર પ્રતિબંધોના પગલે વૈશ્વિક સ્તરે પેલેડીયમનો પુરવઠો વધુ ખોરવાઈ જવાની ભીતિ ઊભી થઈ હતી. રશિયામાં પેલેડીયમનું વિશેષ ઉત્પાદન થાય છે તથા રશિયામાં કાર્યશીલ નોરનિકલ નામની કંપની વિશ્વની સૌથી મોટી પેલેડીયમ સપ્લાયર કંપની તરીકે ગણાતી રહી છે. વૈશ્વિક સ્તરે કેટાલીટીક કન્વર્ટર્સ માટે વાહન ઉત્પાદકો દ્વારા પેલેડીયમનો વ્યાપક ઉપયોગ થતો હોય છે. રશિયા-યુક્રેન વિવાદ તથા વિવિધ દેશો દ્વારા રશિયા સામે લાદવામાં આવેલા વિવિધ અંકુશોના પગલે વિશ્વ બજારમાં પેલેડીયમની સપ્લાય ડેફીસીટ વધવાની ભીતિ જાણકારો બતાવી રહ્યા છે.તાજેતરમાં કોરોનાનો ઉપદ્રવ હળવો બનતાં તથા લોકડાઉનના બદલે વિશ્વના વિવિધ દેશોમાં રિઓપનિંગની પ્રક્રિયા શરૂ થતાં વાહનોની બજારમાં બાયરોની ચહલપહલ વધી છે તથા વાહનોની માગ વધી છે ત્યારે હવે પેલેડીયમની અછત ઊભી થતાં વાહન ઉત્પાદકો સામે નવો પડકાર ઊભો થયો છે અને અજંપો પણ તેના પગલે વધ્યો છે. સોનાના વૈશ્વિક ભાવ ફેબુ્રઆરીમાં ૬થી ૭ ટકા વધ્યા છે. તાજેતરમાં સોનાના ભાવ ઉછલી ઔંશના ૧૯૭૩થી ૧૯૭૪ ડોલર સુધી પહોંચી જતાં દોઢ વર્ષની નવી ઊંચી ટોચ જોવા મળી હતી આની અસર પણપ્લેટીનમ તથા પેલેડીયમની બજાર પર દેખાતી રહી છે. પ્લેટીનમના ભાવ ઉછળી ઔંશના ૧૧૦૦ ડોલર ઉપર ૧૧૨૮થી ૧૧૨૯ ડોલર બોલાતા થયા હતા. પેલેડીયમના ભાવ વધી ૬ મહિનાની ટોચે પહોંચ્યા છે. રશિયાની વિશ્વની સૌથી મોટી પેલેડીયમ ઉત્પાદક કંપની નોરનિકલે ૨૦૨૧માં આશરે ૨૬ લાખ ઔંશ પેલેડીયમનું ઉત્પાદન નોંધાવ્યું હતું ં તથા વૈશ્વિક કુલ ઉત્પાદનમાંઆ કંપનીએ આશરે ૪૦ ટકા ઉત્પાદન નોંધાવ્યું હતું. આ કંપનીએ ૨૦૨૧માં પ્લેટીનમનું ઉત્પાદન ૬ લાખ ૪૦થી ૪૧ હજાર ઔંસનું કર્યું હતું જે વૈશ્વિક કુલ ઉત્પાદનનો આશરે ૪૦ ટકાનો હિસ્સો મનાય છે. હવે યુક્રેન સાથે વિખવાદ વધતાં રશિયામાં પેલેડીયમ તથા પ્લેટીનમના ઉત્પાદનને ફટકો પડયો છે અને તેના પગલે વૈશ્વિક ભાવમાં તેજીનો ચમકારો દેખાયો છે. પેલેડીયમમાં આવી તેજી આ પૂર્વે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં દેખાઈ હતી, પ્લેટીનમ તથા પેલેડીયમનો ઉપયોગ વાહન ઉત્પાદકો દ્વારા કાર એક્ઝોસ્ટ ફયુમ્સકલીન કરવા વપરાતા કેટાલીટીક કન્વર્ટર્સમાં થાય છે. સોનાના વૈશ્વિક ઉત્પાદનમાં રશિયા ત્રીજા ક્રમાંકે આવે છે અને વૈશ્વિક સોનાના કુલ ઉત્પાદનમાં રશિયાનો હિસ્સો આશરે દસ ટકાનો રહ્યો છે. પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ વચ્ચેનો તફાવત વધતાં હવે પેલેડીયમમાં રહેતી માગ પ્લેટીનમ તરફ વળવાની શક્યતા પણ જાણકારો બતાવતા થયા છે.