Day Special

સતત નીચા વ્યાજ દરથી સિનિયર સિટિઝન માટે જીવનનિર્વાહ ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ

સતત નીચા વ્યાજ દરથી સિનિયર સિટિઝન માટે જીવનનિર્વાહ ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ content image aec4374f 94fd 4d20 b15a 0ec0b210f5a9 - Shakti Krupa | News About India

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત  દાસની આગેવાની હેઠળ આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની ગયા સપ્તાહે  નાણાં નીતિની મળેલી સમીક્ષા બેઠકમાં  એમપીસીએ  દરેક મુખ્ય દરો જેમ કે રેપો રેટ, રિવર્સ રેપો રેટ તથા એકોમોડેટિવ  સ્ટાન્સ યથાવત રાખવાનો કરવાનો નિર્ણય કર્યો હતો. કોવિડ-૧૯ની અસરને ધ્યાનમાં રાખી દેશને મજબૂત આર્થિક રિકવરી પૂરી પાડવાના હેતુ સાથે સતત દસમી બેઠકમાં એમપીસીએ ઐતિહાસિક નીચા વ્યાજ દર જાળવી રાખ્યા છે.   

નીચા વ્યાજ દર ઉપરાંત ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં નાણાંની ઉપલબ્ધતા કરી આપવા રિઝર્વ બેન્કે તાજેતરના મહિનાઓમાં અનેક  ઉદાર પગલાં  હાથ ધર્યા હોવા છતાં જાન્યુઆરીના ઉત્પાદન  તથા સેવા ક્ષેત્રના પીએમઆઈ આંક નબળા આવ્યા છે. જે નીચા વ્યાજ દરે પણ ઉદ્યોગો જોશમાં કામ કરતા નહીં હોવાનું સૂચવે છે. 

ગયા સપ્તાહની બેઠકમાં એમપીસીએ એકોમોડિટિવ સ્ટાન્સ જાળવી રાખ્યું છે એનો અર્થ સ્થિતિને ધ્યાનમાં રાખી એમપીસી હવે પછીની બેઠકમાં રેપો રેટમાં વધારો કરે તેવી  શકયતા નકારાતી નથી. મહામારી તથા લોકડાઉનને કારણે અર્થતંત્ર પર પડેલી અસરમાંથી દેશને બહાર કાઢવા રિઝર્વ બેન્ક  છેલ્લા બે વર્ષથી સતત પગલાં હાથ ધરી રહી છે.   કોઈ દેશનો આર્થિક વિકાસ દર નીચો હોય ત્યારે તેના મુખ્ય વ્યાજદરમાં ઘટાડો કરવાના તર્ક સમજી શકાય એમ છે. જેથી ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થાય. નીચા વ્યાજ દરોને કારણે કંપનીઓની નફાશક્તિ પણ ઊંચી રહે છે. કંપનીઓના કુલ ખર્ચમાં વ્યાજ પાછળના ખર્ચની માત્રા પણ નીચી રહે છે. 

૨૦૨૦  તથા ૨૦૨૧ના કોરોના સંબંધિત આંચકાઓમાંથી બહાર આવીને વિશ્વની કેન્દ્રીય બેન્કો પોતાની ઉદાર ધિરાણ નીતિ રિવર્સ કરી રહી છે ત્યારે ભારતની રિઝર્વ બેન્કે  ઉદાર નાણાં નીતિ હજુપણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. નાણાં નીતિમાં કોઈપણ સખતાઈ લાવતા પહેલા દેશના નબળા આર્થિક સેગમેન્ટસને ધ્યાનમાં રાખવાના રહે છે એ હકીકતને નજરમાં રાખીને જ રિઝર્વ બેન્કે નીચા વ્યાજ દર કદાચ જાળવી રાખ્યા છે.  

લાંબા સમય સુધી નીચા વ્યાજ દરો અલગ જ પ્રકારની કટોકટી ઊભી કરી શકે છે. આર્થિક  મંદીના કાળમાં ધિરાણમાં સ્પર્ધા વચ્ચે  પોતાના ધિરાણ આંક વધારવા બેન્કો ક્યારે ક ખોટી પસંદગીઓ કરી નાખતી હોય છે અને તેના પરિણામો દેશની નિર્દોષ જનતા જે નિયમિત ટેકસ ચૂકવે છે તેણે ભોગવવાના આવતા હોય છે અથવા તો બેન્કોએ પોતે આનો સામનો કરવો પડતો હોય છે જે ભૂતકાળમાં એનપીએના ઊંચે ગયેલા આંકમાં જોવા  મળ્યું હતું. લેહમેન કટોકટી બાદ બેન્કોની એનપીએનું સ્તર ઊંચે ગયું  હતું. બેન્કોના નાણાં લઈ ફડચામાં ગયેલી કંપનીઓ પાસેથી નાણાં કઢાવવાની કવાયતો નિષ્ફળ રહી હોવાના અનેક દાખલા અગાઉ જોવા મળ્યા હતા. 

કોરોનાની અસરને કારણે મંદ માગ વચ્ચે  ઉદ્યોગો પોતાની ક્ષમતાના ૬૮થી ૭૦ ટકાએ કામ કરી રહ્યા હતા તે હવે ક્ષમતામાં વધારો કરી રહ્યા છે. પરંતુ   જ્યાં  સુધી વેપાર વિશ્વાસમાં વધારો નહીં ત્યાં સુધી ખાનગી ક્ષેત્રમાં નવા ઈન્વેસ્ટમેન્ટ આવવાની અપેક્ષા રાખવી અર્થહીન છે.આવા સંજોગોમાં  લાંબા સમય સુધી નીચા ધિરાણ દરની  નીતિ  પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. અમેરિકાએ છેલ્લા લાંબા સમયથી ધિરાણ દર શૂન્ય નજીક જાળવી રાખી હવે તેમાં વધારવાના સંકેત આપ્યા છે. 

 દેશના અર્થતંત્રમાં કુલ બચતમાં પારિવારિક અથવા વ્યક્તિગત બચતનો હિસ્સો ૬૦થી ૬૨  ટકા જેટલો રહે છે. આ ઘરેલું બચતમાંથી  મોટી માત્રાની  બચત બેન્ક થાપણ તરફ વળે છે. પરંતુ રેપો રેટમાં ઘટાડા સાથે બેન્કોએ ધિરાણ દર ઉપરાંત થાપણ દરો ઘટાડવાની પણ ફરજ પડે છે. થાપણ દર ઘટતા રોકાણકારો ખાસ કરીને વ્યાજ પર પોતાનું જીવન નિર્વાહ કરતા નિવૃત્તીધારકોએ પોતાની બચત ઊંચા વળતર આપતા હોય તેવા સાધનો તરફ લઈ જવી પડે છે. તો જ તેમના જીવનનિર્વાહનો ખર્ચ નીકળી શકે છે. રેપો રેટ યથાવત રખાતા બેન્કો થાપણ પરના દરોમાં વધારો નહીં કરે તેમ જ લોન્સના દર પણ  હાલ પૂરતા જાળવી રાખશે. 

કોરોનાના સમયગાળા બાદ દેશના આર્થિક વિકાસ દરમાં સ્થિરતા લાવવા નીચા વ્યાજ દર સાથે ઉપભોગતાના હાથમાં નાણાં પ્રવાહ વધારવાના  નીતિવિષયકોના પ્રયાસો  રહ્યા છે. જો કે આ નાણાં પ્રવાહથી ઉપભોગ માગમાં કેટલો વધારો થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. નીચા વ્યાજ દરે પણ  અર્થતંત્રના મહત્વના અંગ એવા  રિઅલ એસ્ટેટ કે ઓટો ક્ષેત્રમાં હજુ જોઈએ  તેટલી માગ નીકળી નહીં હોવાનું ચિત્ર છે. નીચા વ્યાજ દરે જો માગ વધતી હોત તો ગયા  નાણાં વર્ષમાં  દેશના આર્થિક વિકાસ દરમાં ઘટાડો જોવા મળ્યો ન હોત.  રિઝર્વ બેન્ક દ્વારા  જીડીપીના મુકાઈ રહેલા અંદાજિત આંકડા પરથી નીચા ધિરાણ દરોથી માગ વધે છે તે ધારણાં ભૂલભરેલી છે, એમ કહીશું તો ખોટું નહીં ગણાય, કારણ કે વર્તમાન નાણાં વર્ષના જીડીપીના અંદાજો ગયા નાણાં વર્ષના નબળા આંકોને કારણે જ થોડાક સન્માનજનક જોવા મળી રહ્યા છે. વ્યાજ દર નીચા જાળવી રાખીને રિઝર્વ બેન્કે દેશના ઉદ્યોગોને વધુ એક તક પૂરી પાડી છે. 

પ્રતિકૂળ સમયમાં  નીચા વ્યાજ દરની મદદથી ઉદ્યોગો ઈન્વેસ્ટમેન્ટ  કરતા થશે અને ઉદ્યોગોમાં ઈન્વેસ્ટમેન્ટ આવશે તો  આર્થિક વિકાસનો દર  સુધરશે એવી અપેક્ષા રખાતી હોય  છે.  વ્યાજ દર નીચા રાખવાની  રજુઆત કરવામાં આવે છે પરંતુ  દર કેટલા નીચા  હોવા જોઈએ જેના આધારે ઉદ્યોગો વિકાસ સાધી શકે તે અંગે કોઈ સ્પષ્ટ વાત થતી નથી.  રિઝર્વ બેન્કે હાલમાં તો પોતાનું કામ પૂરું કર્યું છે ત્યારે ઈન્વેસ્ટમેન્ટમાં કેટલો વધારો થાય છે  અને દેશનો આર્થિક વિકાસ દર કેવો રહે છે તે તો સમય જ બતાવશે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button