Day Special

સરકાર દ્વારા ગેરન્ટી છતાં MSME ક્ષેત્રમાં ધિરાણમાં અપેક્ષિત વધારો જોવા મળતો નથી

સરકાર દ્વારા ગેરન્ટી છતાં MSME ક્ષેત્રમાં ધિરાણમાં અપેક્ષિત વધારો જોવા મળતો નથી content image 06317c65 1cb4 476f b860 a72862f71718 - Shakti Krupa | News About India

માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ  (એમએસએમઈ)ને  ભારતના અર્થતંત્રનું પીઠબળ માનવામાં આવે છે. રોજગાર નિર્માણમાં તથા નિકાસ વધારવામાં આ ક્ષેત્રની મોટી ભૂમિકા રહેલી છે. ૨૦૨૦માં કોરોનાની પ્રથમ લહેરના પ્રારંભિક કાળમાં લોકડાઉન્સ તથા અન્ય નિયમનકારી પગલાંઓની એમએસએમઈ પર ગંભીર અસર જોવા મળી હતી, આ હકીકતને ધ્યાનમાં રાખી એમએસએમઈને નાણાંકીય ટેકો પૂરો પાડવા બેન્કોને પ્રોત્સાહિત કરવા સરકારે રૂપિયા ત્રણ લાખ કરોડની ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમની મે ૨૦૨૦માં જાહેરાત કરી હતી. રૂપિયા ત્રણ લાખ કરોડની મર્યાદાને વધારી બાદમાં રૂપિયા ૪.૫૦ લાખ કરોડ અને હવે રૂપિયા પાંચ લાખ કરોડ કરી તેની સમયમર્યાદા એક વર્ષ સુધી લંબાવવામાં આવી છે. 

કોરોનાના કાળમાં નાના વેપારગૃહો માટે ધિરાણ પ્રવાહ એક પડકારરૂપ મુદ્દો બની રહ્યો હતો. લિક્વિડિટીના અભાવે નાના વેપાર ગૃહોનો વિકાસ રૂંધાઈ ન જાય તેની સરકાર ખાતરી રાખવા માગે છે. સ્કીમને ધારી સફળતા નહીં મળતા સરકારે તેને વારંવાર લંબાવવા સાથે તેમાં અન્ય ક્ષેત્રોને પણ આવરી લેવાની ફરજ પડી છે. પરંતુ અત્યારસુધીના આંકડા પર નજર નાખવામાં આવતા જણાય છે, કે આ સ્કીમનો લાભ લેવામાં અથવા તો વેપાર ગૃહોને તે પૂરો પાડવાની ગતિ ધીમી રહી છે. સ્કીમ હેઠળ ફાળવાયેલી રૂપિયા ૪.૫૦ લાખ કરોડની રકમમાંથી  બેન્કોએ અત્યારસુધી રૂપિયા ૩.૧૦ લાખ કરોડની લોન્સ મંજુર કરી છે અને રૂપિયા ૨.૩૬ લાખ કરોડ  છૂટા કર્યા હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. 

કોરોનાની પ્રથમ બે લહેરમાં મંદ રહ્યા બાદ એમએસએમઈની પ્રવૃત્તિ વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વધી રહી હોવાનું જોવા મળ્યું હતું પરંતુ ઓમિક્રોનના ફેલાવાથી જાન્યુઆરીમાં દેશની સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ પર ગંભીર અસર પડી હોવાનું બન્ને ક્ષેત્રના પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) પરથી કહી શકાય એમ છે.   સ્કીમ હેઠળ નાણાં ઉપલબ્ધ કરનારા બોરોઅરોને રિપેમેન્ટસમાં ચોક્કસ સમયગાળા માટે મોરેટોરિઅમ પૂરા પાડવાની જોગવાઈ છે ત્યારે આ સમયગાળો સમાપ્ત થવા સાથે  બેન્કોની નોન-પરફોર્મિંગ એસેટસની સ્થિતિમાં વધારો જોવા મળવાની શકયતા નકારાતી નથી. 

 એમએસએમઈની  વાત કરીએ તો  દેશના  અંદાજિત ૬.૩૦ કરોડ જેટલા એમએસએમઈમાંથી ૯૯ ટકા એકદમ નાના સ્તરે કામગીરી કરી રહ્યા છે. દેશમાં કાર્યરત એમએસએમઈ ૧૧ કરોડ  આસપાસ કામદારોને રોજગાર પૂરા પાડે છે અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)માં અંદાજે ૨૫ ટકા જેટલું યોગદાન ધરાવે છે. દેશમાં નાના સ્તરની કંપનીઓની ઉત્પાદન ક્ષમતા કરતા મધ્યમ સ્તરની કંપનીઓની ઉત્પાદન ક્ષમતા બમણી હોવાનો અંદાજ છે ત્યારે  સુક્ષ્મ અથવા નાના એકમોની ઉત્પાદન ક્ષમતામાં  વધારો થાય અને તેઓ વધુ સ્પર્ધાત્મક બને તે માટેના પ્રોત્સાહનો આવશ્યક છે. 

નાણાંભીડ સહિતના કારણોસર  સામાન્ય સંજોગોમાં ં એમએસએમઈ વિસ્તરણ કાર્યક્રમો હાથ ધરી શકતી નથી. વિસ્તરણના અભાવે તેઓ વર્ષો સુધી એક જ સ્થિતિમાં જોવા મળે છે.  અત્યારસુધીની મોટાભાગની સરકારોએ આ ક્ષેત્રના વિકાસ માટે અનેક નીતિઓ તથા કાયદાઓની રચના કરી હોવા છતાં તેનું કોઈ અર્થપૂર્ણ પરિણામ જોવા મળ્યું નથી.  કોરોનાની મહામારીમાં એમએસએમઈ ક્ષેત્રને સૌથી વધુ ફટકો પડયો છે. લિક્વિડિટીની ખેંચ, ઢીલથી થતા પેમેન્ટસ, ડીફોલ્ટ જોખમ, પૂરવઠા સાંકળમાં ખલેલ તથા શ્રમિકોની અછત જેવા  પડકારોનો દેશના એમએસએમઈ સામનો કરી રહ્યા હતા તે પાર્શ્વભૂ પર સરકારે ક્રેડિટ ગેરન્ટી સ્કીમ મારફત  તેને ટેકો પૂરો પાડવાની કવાયત હાથ ધરી છે.  

મોટા ઉદ્યોગોની સરખામણીએ  પ્રમાણમાં નીચી આવકને કારણે એસેટસ ઊભી કરવાનું પણ આ એમએસએમઈ માટે શકય બનતું નથી. એસેટસના અભાવે તેમને બેન્કો સહિતની નાણાં સંસ્થાઓ ધિરાણ કરવામાં ઉદાસીન રહે છે. કૃષિ ક્ષેત્ર બાદ  રોજગાર પૂરા પાડવામાં એમએસએમઈ બીજા ક્રમે આવે છે, આવી સ્થિતિમાં એમએસએમઈને સામાન્ય સ્થિતિમાં પણ  ઉદાર હાથે ધિરાણ મળવાનું ચાલુ રહે તે આવશ્યક છે. ભારતીય અર્થતંત્રમાં એમએસએમઈની મહત્વની ભૂમિકાને ધ્યાનમાં રાખતા આ ક્ષેત્રની સમશ્યાઓને હળવેકથી લઈ શકાય નહીં. 

દેશમાં કાર્યરત ૬.૩૦ કરોડથી વધુ એમએસએમઈને ધ્યાનમાં લઈએ તો સરકારની સ્કીમનો લાભ  અપેક્ષિત સ્તર સુધી પહોંચ્યો નથી.  આ પાછળનું એક કારણ દેશના કુલ એમએસએમઈમાંથી ૭૦ લાખથી એક કરોડ જ એમએસએમઈ એવા હોવાનું મનાય છે જે વિધિસરના ધિરાણ મેળવવાને પાત્ર છે. બાકીના એમએસએમઈ એવા છે જે અસંગઠીત વાતાવરણમાં કામ કરે છે જેને કારણે વિધિસરનું ધિરાણ મેળવવામાં તેમની માટે મુશકેલ રહે છે.  આ ઉપરાંત  સ્કીમ વિશે  સરકારી સ્તરે  જોઈએ તેટલો પ્રચાર કરાતો નહીં હોવાનું જોવા મળે છે.

કોવિડ-૧૯ પછીની સ્થિતિમાં આર્થિક વિકાસ દરને ઝડપી બનાવવો હશે અને દેશને પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી તરફ આગળ વધારવો હશે તો  એમએસએમઈ માટે ટેકનોલોજીના  પીઠબળ  સાથેની સરળ ધિરાણ વ્યવસ્થા  ઊભી કરવાનો  વ્યૂહ હોવો જરૂરી છે.  રિઝર્વ બેન્કની સ્કીમ છતાં બેન્કો નાના ઉપક્રમોને નાણાં ધિરવામાં ખાસ ઉત્સાહ ધરાવતી નથી. આવી સ્થિતિમાં  નાના ઉત્પાદન એકમો માટે વૈકલ્પિક ધિરાણ યંત્રણા ઊભી થાય તે પણ સમયની માગ છે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button