સોનાની આયાત વધી 1000 ટન થશેઃ ડયુટી નહિં ઘટતાં દાણચોરી ચાલુ રહેવાની ભીતિ
– બુલિયન બિટ્સ : દિનેશ પારેખ
– વૈશ્વિક સ્તરે ફુગાવો વધતાં વ્યાજ દરમાં વૃદ્ધીનો દોર શરૂ થતાં સોનાના ભાવ વિશ્વ બજારમાં દબાણ હેઠળ જોવાશે
વિશ્વબજારમાં ડોલરની વધઘટ સોનાના ભાવને મર્યાદિત રેન્જ વચ્ચે રમવા મજબૂર કરે છે. સોનું ૧૮૦૮ અને ૧૭૯૨ ડોલર પ્રતિ ઔંસની વચ્ચે રમીને ૧૮૦૦ ડોલર પ્રતિ ઔંસની આસપાસ અથડાય છે.
જે.પી. મોરગનના રીપોર્ટ જણાવે છે કે છેલ્લા ૧૦ દીવસમાં સોનું ૩૫ ડોલર ઘટી ગયેલ અને હવે ફરી ૧૮૦૦ ડોલર પ્રતિ ઔંસની આસપાસ અથડાય છે. ઉપરાંત ઉમેરે છે કે ૨૦૨૧માં સોનાની ૫૫.૭ બીલીયન ડોલરની રેકોર્ડ તોડ ખરીદી થઈ જે ૨૦૧૧ના વર્ષના ૫૪ બીલીયન ડોલરની ખરીદીને વટાવી ગઈ.
ભારતની સોનાની આયાત ૨૦૨૧ના વર્ષમાં ૯૨૪.૬૦ ટનની રહી. ત્યારે જ્વેલરીમાં ૬૧૦.૪૦ ટન સોનું વપરાયું ે છે અને ઈન્વેસ્ટમેન્ટ રૂપે ૭૯ ટન સોનામાં રોકાણ થયું છે.
ભારત સરકારે સોના માટે ઘણી સ્કીમ દાખલ કરી છે. પરિણામે સરકાર પર સોનાની આયાતનો ભાર ઓછો થશે. ૨૦૨૧ના વર્ષ કરતા ૨૦૨૨માં સોનાની આયાત ઓછી થશે. રોકાણકારો સોના તથા રીયલ એસ્ટેટમાં રોકાણ ઓછા- વત્તા પ્રમાણમાં કરશે. ૨૦૨૨માં સોનાના દાગીનાની માંગ ૨૦૨૧ કરતા ઓછી રહેશે.
ભારતમાં સોનાની માંગમાં ભાવ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેથી લોકોની માંગ ભાવ પર નિર્ભરતા રાખશે. ભારતના લોકો સોનાના ભાવ પ્રત્યે સંવેદનશીલ છે. જો સોનાનો ભાવ ઘટશે તો ૨૦૨૨માં ભારતની સોનાની આયાત ૧૦૦૦ ટનની થઈ શકે.
તેલના ભાવનો વધારો સોનાના ભાવને ઘટવા નહીં આવે અને સોનું ભલે અસ્થિર દેખાય પણ મંદીના વમળમાં નહીં ફસાય. વિશ્વબજારમાં ડોલરની વધઘટે ચાંદીના ભાવમાં ૪૫/૫૦ સેન્ટ પ્રતિ ઔંસની વધઘટ કરાવીને ચાંદી નીચામાં ૨૨૩૪ અને ઉંચામાં ૨૨૭૨ સેન્ટના ભાવો ક્વોટ કરી આવી.
ચાંદી બજાર સોના કરતાં ૧/૧૦ ગણી ઓછી સાઈજમાં રહેતા તે સોનાના ભત્રીજા તરીકે ઉભરી આવી અને ફુગાવાને નિયંત્રિત કરવા અઢળક નાણાના પ્રવાહે કિંમતી ધાતુ ખરીદવા રોકાણકારોને આકર્ષિત કર્યા છે.
ચાંદીનો ઉપયોગ સોલાર ક્ષેત્રે, ઈલેકટ્રોનીક્સ તથા મેડીકલ ક્ષેત્રે વધી રહ્યો છે અને લાંબા ગાળે ચાંદીની અછત વર્તાતા ભાવોમાં ઝડપી સુધારો જોવા મળે. ૨૦૨૨ના વર્ષમાં ચાંદીમાં મોટો ઉછાળો નથી જણાતો પણ ચાંદી ૨૨૦૦ અને ૨૮૦૦ સેન્ટ પ્રતિ ઔંસ વચ્ચે અથડાશે તેવું લાગે છે.
સ્થાનિક સોના બજારમાં વૈશ્વિક સોનાની વધઘટ સાથે સાથે ડોલર- રૂપિયાના વિનિમય દરની વધઘટ વધુ પ્રભાવ પાડે છે. સોનું ગુરુવારના રોજ રૂ.૪૯૪૦૦ પ્રતિ દસ ગ્રામ ક્વોટ થતું હતું. સોનાનો વાયદો રૂ.૪૮૦૬૦ પ્રતિ દસ ગ્રામની સાથે સાથે રૂ.૪૭૪૪૦ પ્રતિ દસ ગ્રામના નીચા ભાવ પણ દાખવે છે.
શોરૂમમાં ઘરાકી સાધારણ છે. લગ્નસરાની ઘરાકી નીકળવાને વાર છે. દુકાનદારો નવો સ્ટોક નથી બનાવતા. નોંધનીય છે કે હવે રીટેલ વેપારીઓ પહેલાની જેમ કારીગરોને સોનું આપીને દાગીના બનાવરાવતા નથી. પરંતુ આજકાલ રીટેલ દુકાનદારો હોલસેલ વેપારીઓ પાસેથી નવી નવી ડીઝાઈનના દાગીના પસંદ કરીને દુકાનમાં સ્ટોક કરે છે. માત્ર ઓર્ડરનો માલ જો હોલસેલ વેપારીઓ બનાવી આપે તો પ્રથમ શોરૂમવાળાની પસંદગી હોલસેલ વેપારી પાસેની રહે છે. નહિવત કારીગરોને સોનું આપીને ઓર્ડરનો માલ બનાવરાવે છે. બજેટમાં સોના વિશે કશું નથી જણાવાયું તેથી બજારમાં હાશકારો છે.
જુના સોનાની આવક સારી છે. બજેટમાં સોનાની ડયુટી યથાવત રહેતા સોનાની દાણચોરી વધશે તેવી ચર્ચા થઈ રહી છે તેમાં ગુરુવારે દક્ષિણમાં કોઝીકોડીમાં ૨૩ કીલો સોનાની દાણચોરી વાળું સોનું જપ્ત થવાના સમાચાર દાણચોરીની વાતને અનુમોદન આપે છે.
એકંદરે સોનાના ભાવો રૂપિયા ડોલરનો વિનિમય દર તથા વૈશ્વિક સોનાની વધઘટ ભાવની દીશા નક્કી કરશે.
સ્થાનિક ચાંદીના ભાવમાં મંદી ચાંદીને છોડતી નથી. ચાંદીના ભાવોમાં રૂ.૧૦૦૦ પ્રતિ કિલોની વધઘટ નોંધાઈ છે. ત્યારે વાયદા અને હાજર ચાંદીના ભાવ વચ્ચે ગાળો વધતો જાય છે. જે ગાળો રૂ.૧૬૦૦ પ્રતિ કિલો હતો તે ગુરુવારે રૂ.૨૦૦૦ પ્રતિ કિલો થયો છે. બજારમાં ભાવની મોટી વધઘટને કારણે બુલીયનના વેપારીઓ વાયદાના ભાવની વધઘટને અનુસરીને હાજર ચાંદીનો ભાવ ક્વોટ કરે છે. બીલની અંદર ચાંદી રૂ.૩૨૫ પ્રતિ કિલો ડીસ્કાઉન્ટમાં વેચાય છે.
ચાંદીના શોરૂમમાં ઘરાકી સાધારણ છે ત્યારે રોકાણકારો નીચા ભાવે ખરીદી કરીને ટુંકે નફે ભાવ વચ્ચેથી ચાંદી વેચી નફો બાંધે છે. જુની ચાંદીની આવક ઘણી ઓછી છે. આયાતી ચાંદી જ બજારની તથા ઉદ્યોગની માંગ સંતોષે છે. એકંદરે ચાંદી રૂ.૬૨૫૦૦ અને રૂ.૬૪૫૦૦ પ્રતિ કિલો વચ્ચે અથડાશે. ચાંદીમાં સટ્ટાકીય માનસ ધરાવનાર રોકાણકારો કમાશે.