Day Special

સોનાની તેજીએ નવ માસનો રેકોર્ડ તોડયો ટેરીફ વેલ્યુ વધતાં ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ

સોનાની તેજીએ નવ માસનો રેકોર્ડ તોડયો ટેરીફ વેલ્યુ વધતાં ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ content image 9843a1ac bb79 4bdf b76e f3270758eb11 - Shakti Krupa | News About India

– બુલિયન બિટ્સ : દિનેશ પારેખ

– રશિયા ક્રૂડતેલની  કુલ આવક પૈકી ૨૦ ટકા  રકમ સોનાની ખરીદીમાં  વાપરશે  એવી  વિચારણા શરૂ થયાના નિર્દેશો!

દેશના ઝવેરી બજારોમાં તાજેતરમાં પ્રવાહો ઓચીંતા પલ્ટાતા જોવા મળ્યા છે અને ભાવમાં તેજીના નવા- નવા કારણો બજારને મળતાં થતાં બજારમાં ઝડપી તેજી જોવા મળી છે. રશિયા તથા યુક્રેન વચ્ચે વધેલો તણાવ ઝવેરીબજારમાં ઘરઆંગણે તેમજ વિશ્વબજારમાં ટૂંકા ગાળામાં ખાસ્સી તેજી લાવ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે સંબંધો વણસતાં રશિયાના લશ્કરની અનેક ટુકડીઓ સરહદ પર મોકલી દેવામાં આવતાં ગમે તે ઘડીએ રશિયા યુક્રેન પર હુમલો કરી દેશે એવી ભીતી તાજેતરમાં સર્જાઈ હતી અને તેના પગલે વિશ્વબજારમાં સોનાના ભાવમાં સ્પ્રિંગ જેવો ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વબજારમાં સોનાના ભાવ  ઉછળી ઔંશના ૧૯૦૦ ડોલરને આંબી ગયા હતા.  સોનાના ભાવમાં આવી વૈશ્વિક તેજી નવ મહિના પછી જોવા મળી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. 

વિશ્વબજારમાં ભાવ ઉંચાં જતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે તાજેતરમાં ડોલરના ભાવ પણ ઉંચા જતાં દેશમાં આયાત થતા સોના- ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ છે. અધુરામાં પુરું દેશમાં આયાત થતા સોના- ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં પણ સરકારે વૃધ્ધિ કરતાં તથા ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર પણ સરકાર દ્વારા વધારવામાં આવતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃધ્ધિ થઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આની અસર પણ ઝવેરીબજાર પર પોઝીટીવ જોવા મળી છે. તાજેતરમાં સરકારે ૧૮મી ફેબુ્રઆરીથી અમલમાં આવે એ રીતે ડોલરના કસ્ટમ એક્સચેન્જ દર રૂ.૭૫.૭૫થી વધારી રૂ.૭૬.૦૫ કર્યાના સમાચાર હતા. આના પગલે સોના- ચાંદી પરની અસરકારક આયાત જકાત વધી છે. આ ઉપરાંત સોના- ચાંદીની ટેરીફ વેલ્યુ પણ સરકારે વધારતાં આવી ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઉંચી ગઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દિલ્હીથી મળેલા સમાચાર મુજબ સોનાની ટેરીફ વેલ્યુ ડોલરના સંદર્ભમાં ૧૦ ગ્રામદીઠ ૫૭૬ ડોલરથી વધીને હવે ૬૦૧ ડોલર થઈ ગઈ છે જ્યારે ચાંદીની આવી ટેરીફ વેલ્યુ ડોલરના સંદર્ભમાં કિલોદીઠ ૭૩૩ ડોલર હતી તે હવે વધીને ૭૭૧ ડોલર કરી દેવામાં આવી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વબજારમાં ભાવ વધતાં  ચેરીફ વેલ્યુમાં વધારો કરવામાં આવ્યો છે. આવા માહોલમાં દેશના ઝવેરીબજારોમાં આવેલી તેજી માટે બજારને નવા- નવા કારણો મળતા રહ્યા છે.

વિશ્વબજારમાં શેરબજારો ગબડતાં તેના કારણે પણ રોકાણકારો સોના- ચાંદી તરફ વળ્યા હોવાનો અંદાજ બજારમાં બતાવાઈ રહ્યો હતો. ઘરઆંગણે સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના રૂ.૫૨ હજાર બોલાતા થયા છે જ્યારે ચાંદીના ભાવ વધી કિલોના રૂ.૬૫ હજાર બોલાતા થયા છે. કોરાનાનો ઉપદ્રવ ચરમસીમાએ પહોંચ્યો હતો ત્યારે ૨૦૨૦માં ઝવેરીબજારમાં આવી તેજી જોવા મળી હતી અને એ પૂર્વે જ્યારે સરકારે નોટબંધી ઓચીંતી જાહેર કરી દીધી હતી એ વખતે ઝવેરીબજારમાં લોકો જૂની નોટો લઈને બજારમાં સોનું- ચાંદી ખરીદવા દોડયા હતા એ વખતે ભાવમાં મોટી તેજી આવી હતી. 

દરમિયાન, વિશ્વબજારમાં તાજેતરમાં ક્રૂડતેલના ભાવ ઉછળી બેરલના ૯૬ ડોલરની ઉપર પહોંચી જતાં નવી ટોચ જોવા મળી હતી અને તેની અસરે પણ વૈશ્વિક સોનામાં તેજી માટે બજારને નવું કારણ મળ્યું હતું. તાજેતરમાં બહાર આવેલા આંકડાઓ મુજબ અમેરિકામાં ફુગાવો ઝડપી વધતાં ૪૦ વર્ષનો રેકોર્ડ તૂટયો છે તથા આના પગલે ત્યાં હવે પછી ટૂંકમાં વ્યાજ દરમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા બળવત્તર બની છે. બ્રિટનમાં પણ ફુગાવો નોંધપાત્ર વધી ગયો છે તથા ત્યાં વ્યાજ દરમાં વધારો જાહેર પણ કરી દેવામાં આવ્યો હોવાના સમાચાર મળ્યા છે. અમેરિકામાં સરકારે બોન્ડ બાઈંગ પણ ઘટાડવાની શરૂઆત કરી દીધી છે તથા ત્યાં હવે માર્ચ મહિનામાં વ્યાજ દરમાં વધારો કરાશે એ વાત ચોક્કસ જણાઈ રહી છે. ત્યાં વ્યાજ દર વધશે તો વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ ઉંચો જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. સામાન્યપણે જ્યારે ડોલરનો ઈન્ડેક્સ ઉંચો જાય છે ત્યારે વિશ્વબજારમાં સોનાના ભાવ પર દબાણ વધતું હોય છે. આ જોતાં અમેરિકામાં વ્યાજ દર વધશે તો વૈશ્વિક સોનાના ભાવમાં ઉંચેથી પીછેહટ જોવા મળશે એવી ગણતરી પણ બજારના ખેલાડીઓ બતાવી રહ્યા છે. વિશ્વબજારમાં ક્રૂડતેલમાં આગળ ઉપર ઈરાનનો પુરવઠો વધવાની શક્યતા પણ ચર્ચાઈ રહી છે. ક્રૂડના ભાવ વધતાં અમેરિકામાં ક્રૂડતેલનું ઉત્પાદન કરતી ઓઈલ રિગ્સની સંખ્યા તાજેતરમાં ઝડપી વધી છે એ જોતાં ત્યાં હવે ક્રૂડતેલનું ઉત્પાદન વધવાનો અંદાજ વિશ્વબજારમાં વ્યક્ત થઈ રહ્યો છે. જોકે ક્રૂડતેલ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ઓપેકના ક્રૂડ ઉત્પાદક દેશો દ્વારા ક્રૂડનું ઉત્પાદન વધારવા માટે જાહેરાતો થતી રહે છે પરંતુ હકીકતમાં આ દેશોમાં ક્રુડનું ઉત્પાદન અપેક્ષા કરતાં ઓછું જ રહ્યું છે અને તેના  પગલે ક્રૂડતેલમાં વૈશ્વિક સ્તરે સપ્લાય ડેફીસીટ જેવી સ્થિતિ દેખાઈ રહી છે તથા વિશ્વના તજજ્ઞાોના જણાવ્યા મુજબ ક્રૂડતેલના વૈશ્વિક ભાવ આગળ ઉપર વધી બેરલના ૧૨૦થી ૧૨૫ ડોલર થઈ જવાની શક્યતા જણાઈ રહી છે. આમ થશે તો વિશ્વબજારમાં સોના માટે ફરી તેજીનું નવું કારણ બજારને સાંપડશે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button