EVની બોગસ વેબસાઈટ : બુકિંગ-ડાઉન પેમેન્ટના નામે કરોડોની છેતરપિંડી
– ગુગલ એડ અને સોશિયલ મીડિયા પેજથી ગ્રાહકોને બોગસ ઇલેક્ટ્રિક વ્હિકલની વેબસાઇટ પર લઇ જઇ છેતરપીંડિ થઇ રહી હોવાનો ઘટસ્ફોટ
ટેકનોલોજીનો સારા ઉદ્દેશ્યો પાછળ જેટલો ઉપયોગ થઇ રહ્યો છે તેનાથી વધારે દૂરોપયોગ સાયબર ફ્રોડ, હેકિંગ માટે થઇ રહ્યો છે. ક્ડ ઓઇલનું જંગી આયાત બીલ અને પ્રદૂષણ ઘટાડવા માટે ભારત સરકાર બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વ્હિકલને પ્રોત્સાહન આપી રહી છે. જેમાં ઇલે. વ્હિકલ ખરીદવા પર ગ્રાહકોને સરકાર તરફથી સબસીડી સહિત ઘણા લાભો આપવામાં આવી રહ્યા છે. તેમાં પણ લેભાગુ તત્વો ભારતીય ગ્રાહકોના ભોળપણનો ગેરલાભ ઉઠાવવાની કોઇ તક છોડી રહ્યા નથી.
ઇલેક્ટ્રિક વ્હીકલ કંપનીની બોગસ વેબસાઇટ બનાવીને હેકરો ભારતીય ગ્ર્રાહકો સાથે છેતરપીંડી કરી રહ્યા છે. એક સંશોધનમાં ભારતમાં ઇલેક્ટ્રિક વ્હિકલના વિક્રેેતાઓ અને ગ્રાહકોને ટાર્ગેટ કરીને વ્યાપક સ્તરે સર્ચ એજન્સી પર ગુગલ એડ મારફતે ફિશિંગ કેમ્પેઇન ચાલી રહ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ છેતરપીંડીમાં ભારતીયો પાસેથી લગભગ ચારથી આઠ કરોડ રૂપિયા ખંખેરવામાં આવ્યા હોવાનો અંદાજ છે. બીજા શબ્દોમાં કહીયે તો અધધધ… આટલી રકમની છેતરપીંડી કરવામાં આવી છે.
એક સિક્યોરિટી ફર્મ ક્લાઉડ્સેક (CloudSEK) એ ઘટસ્ફોટ કરતા જણાવ્યુ કે, એક એવા કેમ્પેઇનના પર્દાફાશ કરાયો છે, જેમાં ગુગલ એડનો ઉપયોગ કરીને ગ્રાહકો પાસેથી બોગસ વેબસાઇટ પર ઇલેક્ટ્રિક વ્હિકલના બુકિંગ અને ડાઉન પેમેન્ટના નામે બેથી ચાર કરોડ રૂપિયા મેળવ્યા છે.
કેવી રીતે કરે છે શિકાર ?
આ છેતરપીંડિમાં સંડોવાયેલા લોકો ગુગલ એડની મારફતે સંભવિત ગ્રાહકોને ઇલેક્ટ્રિક વ્હિકલની ફિશિંગ સાઇટ એટલે કે બોગસ વેબસાઇટ પર લઇ જાય છે. આવા લેભાગુ તત્વો અસલી કંપનીના નામ જેવા ભળતા નામે ડોમેન નેમનું રજિસ્ટ્રેશન કરાવે છે અને ત્યારબાદ તેની માટે ગુગલ એડ આપે છે. આ લોકો એસઇઓ એટલે કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનને પણ હાથતાળી આપી બચી જાય છે, એટલે કે ઇન્ટરનેટ પર કંપની અંગે સર્ચ કરવા પર બોગસ વેબસાઇટને અસલી વેબસાઇટની તુલનાએ વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે.
સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનને હાથતાળી આપીને આ બોગસ વેબસાઇટોની ગુગલ એડ સર્ચમાં ઉપર દેખાવા લાગે છે. ગ્રાહકો જ્યારે આવી ગુગલ એડ પર ક્લિક કરે છે ત્યારે તે જાહેરાત તેમને ફિશિંગ ડોમેન એટલે કે બોગસ વેબસાઇટ પર લઇ જાય છે. બોગસ વેબસાઇટ સંપૂર્ણપણે જે-તે કંપનીની અસલી કંપની જેવી જ દેખાતી હોય છે. આવી બોગસ વેબસાઇટ પર જે-તે અસલી કંપનીના ફોટા અને લખાણ સહિતની સામગ્રીઓ દેખાતી હોય છે. ગ્રાહકોને ઇલેક્ટ્રિક વ્હિકલ કંપનીની બોગસ વેબસાઇટ પર ખેંચી લાવવા માટે સોશિયલ મીડિયા પેજ પણ બનાવવામાં આવ્યા છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતો ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરને વટાવી જતા ભારતીયો હવે ધીમી ધીમે ઇલેક્ટ્રિક વ્હિકલ તરફ ફંટાઈ રહ્યા છે. એક પ્રાથમિક અંદાજ મુજબ ભારતમાં ઇલેક્ટ્રિક વ્હિકલના બજારનું કદ ૧૪૩૪.૦૪ અબજ ડોલરનું છે અને તે સરેરાશ ૪૭ ટકાના વાર્ષિક દર વૃદ્ધિ પામીને વર્ષ ૨૦૨૭ના અંતે ૧૫૩૯૭.૧૯ અબજ ડોલરે પહોંચવાનો અંદાજ મૂકાયો છે.