IPOનો ઉન્માદ ઓસર્યો, લિસ્ટિંગની યોજના મુલત્વી રાખતા સ્ટાર્ટઅપ્સ
– પેટીએમ, ઝોમેટો, નાયકા જેવા સ્ટાર્ટઅપ્સના ધમાકેદાર લિસ્ટિંગ બાદ શેરમાં ઝડપી કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન
– રેકોર્ડ આઇપીઓના સથવારે પ્રોત્સાહક રહેલા વર્ષ ૨૦૨૧ના અંતિમ મહિનામાં શરૂ થયેલું કરેક્શન વર્ષ ૨૦૨૨માં તીવ્ર બન્યું
અગાઉ બમ્પર લિસ્ટિંગથી રોકાણકારોને કમાણી કરાવનાર લિસ્ટેડ ઇ-કોમર્સ કંપનીઓ હવે ચિંતાનું કારણ બની ગઇ છે. કારણ કે તાજેતરમાં શેરબજારમાં આવેલા કરેક્શનથી ઇ-કોમર્સ કંપનીઓના શેરમાં જંગી ધોવાણ થયુ છે જેથી આવી ન્યુ-એજ કંપનીઓમાં રોકાણ કેટલું સુરક્ષિત છે અને તેના મૂળિયા કેટલાં મજબૂત છે તે અંગે શંકા ઉપજી છે. જેના પગલે આઇપીઓ લાવવા થનગની રહેલી અન્ય ઇ-કોમર્સ કંપનીઓએ તેમના લિસ્ટિંગની યોજના મુલત્વી રાખી છે કે પાછળ ઠેલવી છે. આવા સ્ટાર્ટઅપ્સમાં કેબ સર્વિસ પ્રોવાઇડર ઓયો, લોજિસ્ટિક ફર્મ ડેલ્હીવેરી સહિતના અગ્રણી ટેકનોલોજી કંપનીઓનો સમાવેશ થાય છે.
રેકોર્ડ આઇપીઓના સથવારે પ્રોત્સાહક રહેલા વર્ષ ૨૦૨૧ના અંતિમ મહિનામાં શરૂ થયેલું કરેક્શન વર્ષ ૨૦૨૨માં તીવ્ર બની રહ્યુ છે. નાયકા અને ઝોમેટાના પ્રોત્સાહક લિસ્ટિંગથી આકર્ષાઇ ઘણી સ્ટાર્ટઅપ્સ કંપનીઓ આઇપીઓ લાવી ભોળા રોકાણકારો પાસેથી જંગી નાણાં એક્ત્ર કરવાની યોજના ઘડી રહી હતી. જો કે રોકાણકારોને ‘દૂધથી દાઝયા’ જેવો અનુભવ થયા બાદ આઇપીઓ ઇચ્છુક કંપનીઓ યોજનામાં ફેરફાર કરી રહી હોવાથી તેમાં વિલંબ થઇ રહ્યો છે.
બજાર જાણકારોનું માનીયે તો રોકાણકારો હવે સ્થાનિક સ્ટાર્ટઅપ્સ પ્રત્યે આસક્ત નથી, તેઓ નફાકારકતા અને રિટર્ન માંગે છે નહીં કે ‘હથેળીમાં ચાંદ સમાન’ માત્ર વાયદાનો વેપાર.
ડેલ્હીવેરી જેણે ડિસેમ્બરમાં આઇપીઓ લાવવાની યોજના ઘડી હતી તેણે પેટીએમના લિસ્ટિંગ ધબડકા બાદ પોતાના પબ્લિક ઇશ્યૂની યોજના મુલત્વી કરી છે. કંપની હાલ પોતાના આઇપીઓ પ્લાનની સમીક્ષા કરી રહી છે. તેવી જ રીતે કેબ સર્વિસ પ્રોવાઇડર ઓયો પણ નિયામકીય પ્રશ્નોનો સામનો કરી રહી છે. આઇપીઓ માટે અરજી કર્યા બાદ ઓનરશિપના માળખાં અને જંગી નુકસાનને પગલે હાલ આ કંપની તપાસના દાયરામાં છે. ઓયોના આઇપીઓના રસ્તામાં ઝોસ્ટેલ હોસ્પિટાલિટી સૌથી મોટો અવરોધ છે જેણે કંપનીના આઇપીઓમાં પોતાનો હિસ્સો હોવાનો દાવો કર્યો છે. ઓયોનો લગભગ ૧.૨ અબજ ડોલરનો આઇપીઓ સેબીની મંજૂરીની રાહ જોઇ રહ્યો છે. તેના રોકાણકારોમાં સિકોઇયા કેપિટલ અને લાઇટસ્પીડ વેન્ચર પાર્ટનર્સ સહિત સોફ્ટબેન્કનો સમાવેશ થાય છે. નિયામકના પ્રશ્નનો પ્રત્યુત્તર આપવા વધારે સમય ઇચ્છતી હોવાથી કંપની જાણી જોઇને લિસ્ટિંગની યોજનામાં વિલંબ કરી રહી છે. લિસ્ટિંગની રેસમાં ઓનલાઇન ફાર્મા પ્રોડક્ટ વેચતી કંપની ફાર્મઇઝી પણ સામેલ છે. ઉપરાંત ડ્રવા ઇંક, ઇનમોબી પીટીઇ અને પાઇન લેબ્સે પણ તેમની લિસ્ટિંગની યોજનાને વર્ષ ૨૦૨૨ના બીજા ભાગ અથવા ત્યારબાદ સુધી મુલત્વી રાખી છે.
સ્ટાર્ટઅપ્સનો IPO એટલે વૈશ્વિક રોકાણકારો માટે એક્ઝિટની તક…
ભારતમાં વર્ષ ૨૦૨૧માં સ્ટાર્ટઅપ્સ કંપનીઓના આઇપીઓનું ઘોડાપૂર એ વૈશ્વિક રોકાણકારો માટે નફો ગાંઠે બાંધીને એક્ઝિટ કરવાની તક હોવાનું પ્રતિબિંબિત કરે છે. પેટીએમ તરીકે ઓળખાતી વન૯૭ કોમ્યુનિકેશને નવેમ્બરમાં આઇપીઓ લાવીને રૂ. ૧૮,૩૦૦ કરોડ એક્ત્ર કર્યા હતા જે ભારતીય શેરબજારનો અત્યાર સુધીનો સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ છે. જો કે લોક-ઇન પીરિયડ સમાપ્ત થતા બાદ મોટા સંસ્થાકીય રોકાણકારો કહેવાતા એન્કર ઇન્વેસ્ટરોએ ઉંચા ભાવે વેચવાલી કરતા સ્ટાર્ટઅપ્સ કંપનીઓના શેરમાં તેમના ઇશ્યૂ પ્રાઇસથી ૬૦ ટકાથી વધારે ધોવાણ થતા રોકાણકારો નિરાશ થાય છે અને સેબી પણ ચિંતિત થઇ છે. ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ ટેકનોલોજી સ્ટોક્સમાં તાજેતરમાં આવેલા કરેક્શને ચિંતા વધારી દીધી છે.
LICનો મેગા IPO પહેલા સ્ટાર્ટઅપ્સ કંપનીઓ સાવધ…
સરકારી માલિકીની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એલઆઇસી એ આઇપીઓ માટે સેબીમાં અરજી દાખલ કરી દીધી છે. એલઆઇસીનો પબ્લિક ઇશ્યૂ એ ‘Mother of All IPOs in India’ એટલે કે ભારતીય શેરબજારનો સૌથી મોટો આઇપીઓ હોવાનું મનાય છે. આ મેગા આઇપીઓનું અંતિમ મૂલ્યાંકન અને રોકાણકારોની રૂચિ ટેકનોલોજી કંપનીના લિસ્ટિંગ યોજનાનો માર્ગ નિર્ધારિત કરી શકે છે. બજારના જાણકારોનું કહેવુ છે કે, બે વર્ષની ‘રોકેટ તેજી’ બાદ આઇપીઓના રોકાણકારોની ચિંતા તીવ્ર બની છે. ગત વર્ષે શેરબજારમાં લાલચોળ તેજી અને ચોતરફ લેવાલીનો માહોલ હતો. હાલ રોકાણકારો ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી રહ્યા છે.