NSE સ્કેમ : ભારતમાં કોર્પોેરેટ ગવર્નન્સને આકરા બનાવવાની જરૂર
નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ના પૂર્વ એમડી અને સીઇઓ ચિત્રા રામકૃષ્ણ અને તેમના હિમાલયમાં રહેલા ‘યોગી’ વચ્ચેના કથિત ઇ-મેલ અને ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમને મનસ્વી પગાર વધારાનું ‘સ્કેમ’ બહાર આવ્યા બાદ આવકવેરા વિભાગ અને તપાસ એજન્સી સીબીઆઇ દોડતી થઇ ગઇ છે.
સેબીએ સપ્તાહ પહેલા એનએસઇના કો-લોકેશન સ્કેમ અંગે આપેલા ૧૯૦ પાનાનાં અંતિમ આદેશમાં ચિત્રા રામકૃષ્ણ, સુબ્રમણ્યમ અને રહસ્યમયી યોગી વિશે જે સ્ફોટક માહિતીઓ આપી છે તેનાથી કોર્પોરેટ ગવર્નન્સ અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. જો દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જમાં આટલું મોટુ કૌભાંડ થતુ હોય તો નાની કંપનીઓની વાત જ ક્યાં કરવી. કોર્પોેરેટ ગવર્નન્સની નિષ્ફળતાથી કોર્પોરેટ માળખાં અને કંપનીઓમાં ગેરરીતિ રોકવાના પગલાંઓ અંગે ફેર વિચારણા કરવાનો સમય પાકી ગયો છે.
વર્ષ ૨૦૧૩થી ૨૦૧૬ દરમિયાન ચિત્રા રામકૃષ્ણ એનએસઇની રજેરજની માહિતી એક ઇ-મેલથી કોઇ અજ્ઞાાત યોગી બાબાને આપતા રહ્યા હતા અને તેના ઇશારે સ્ટોક એક્સચેન્જનું સંચાલન કરતા રહ્યા તે ગંભીર ઘટના છે. તેમાંય ચિત્રા રામકૃષ્ણની એનએસઇમાંથી હકાલ પટ્ટી કરાયાના લગભગ ૬ વર્ષ બાદ ચુકાદો આવવો એ બાબત બજાર નિયામક કેટલું સજાગ અને સક્રિય છે તેની ચાડી ખાય છે.
નિયામકને સમયસર આ કૌભાંડની જાણકારી ન આપવા બદલે એનએસઇને નાણાંકીય દંડ અને ઝાટકણી કાઢીને સેબીએ સંતોષ માન્યો છે. જો કે આ એક ગંભીર અપરાધ છે અને તેમાં ઉંડી તપાસ કરવાની જરૂર છે જેથી ભવિષ્યમાં આવા કૌભાંડ- ગેરરીતિઓને રોકી શકાય. એનએસઇ સ્કેમમાં તત્કાલિન બોર્ડના અન્ય સભ્યોની પણ સંડોવણી હોવાની શક્યતાને નકારી શકાય નહીં.
સ્ટોક એક્સચેન્જના ઉંચા હોદ્દા પર આનંદ સુબ્રમણ્યમની કરોડો રૂપિયાના સેલેરી પેકેજ સાથે નિમણુંક અને ત્યારબાદ અધધ… પગાર વધારો, સવલતો સામે શા માટે એનએસઇના બોર્ડ મેમ્બરોએ વાંધો ન ઉઠાવ્યો અને નિયામકને જાણ ન કરી. એનએસઇમાં ગવર્નન્સની ગંભીર ક્ષતિઓ એવા સંકેત આપે છે કે પ્રમોટર-સંચાલિત ન હોય તેવી કહેવાતી વ્યાવસાયિક રીતે સંચાલિત સંસ્થાઓમાં પણ કેવી રીતે ગેરરીતિ થઈ શકે છે. તેથી આવી સંસ્થાઓ માટે એક્ઝિક્યુટિવ ચેરમેનની નિમણૂક કરવાનો સમય પાકી ગયો છે જેથી ચેરમેન અને સીઈઓ વચ્ચેની જવાબદારીઓને ફરીથી સંતુલિત કરી શકાય. એક કોર્પોરેટ માળખું જ્યાં સત્તાનું કેન્દ્રિકરણ કરવાને બદલે વિતરણ કરવામાં આવે છે.
એનએસઇ સ્કેમમાં ગંભીર ગવર્નન્સ ઉલ્લંઘનને જોતા વિવિધ તપાસ એજન્સીઓ, ઓડિટ ફર્મ, ફોરેન્સિક રિપોર્ટ અને સાયબર એક્સપર્ટની મદદ લેવી જોઇએ. નવેસરથી તપાસ અગાઉ નજર બહાર રહી રહેલી ગેરરીતિઓને શોધી શકે છે અને રહી ગયેલી કોઇ છટકબારીઓને બંધ કરવામાં મદદ કરી શકે છે. આ કૌભાંડને કોઇ નાની ઘટના ગણવાની ભૂલ ન કરવી જોઇએ કે તે દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જમાં ઘટી છે જ્યાં હજારો કંપનીઓ લિસ્ટેડ છે અને તેમાં નાના રોકાણકારોની મહામૂલી મૂડીનું રોકાણ થયેલુ છે. જો સ્ટોક એક્સચેન્જ તેના પગ તળે થઇ રહેલા કૌભાંડને જ રોકવામાં નિષ્ફળ રહ્યુ હોય, કોર્પોરેટ ગવર્નન્સનું ગંભીર ઉલ્લંઘન થયુ હોય તો તેને ત્યાં લિસ્ટેડ કંપનીઓનું કેવી રીતે સંચાલન – સર્વેલન્સ કરતુ હશે? આ ઘટનામાં કડક તપાસની જરૂર છે જેથી ભવિષ્યમાં કોઇ સીઇઓ આવી ગેરરીતિ આચરતા ડરે…