RBIનું 'કેલ્કયુલેટિવ રિસ્ક', ફેડ બાજી બગાડે તેવા એંધાણ
– બોન્ડ યીલ્ડ ૭ ટકાની સપાટીને કૂદાવી જતા તાજેતરમાં રિઝર્વ બેન્કે બોન્ડની હરાજી રદ કરી હતી
વ્યાજદરમાં વૃદ્ધિની પ્રબળ સંભાવનાઓ વચ્ચે પણ સતત ૧૧મી વખત રેપોરેટ-રિવર્સ રેપોરેટ યથાવત રાખી રિઝર્વ બેન્કે સૌને સુખદ આંચકો આપ્યો છે. મધ્યસ્થ બેંક દ્વારા ગણતરીપૂર્વકનું જોખમ લઇને વ્યાજદર સ્થિર રાખવાનો નિર્ણય લેવાયો છે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ કે, આર્થિક રિકવરીને ટેકો આપવા ટકાઉ અને બ્રોડ-બેઝ્ડ ધિરાણનીતિની જરૂર છે. હકીકતમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૭.૮ ટકાની વૃદ્ધિનો અનુમાન બેઝ ઇફેક્ટની ગણતરી કરતા ઓછો છે.
મધ્યસ્થ બેન્કે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જ્યાં સુધી જરૂર હશે ત્યાં સુધી તે સાનુકુળ રહેશે. કેટલાંક એવી દલીલ કરે છે કે રિઝર્વ બેન્કની પાસે બોન્ડ ઓક્શન સિવાય મર્યાદિત વિકલ્પો છે. આરબીઆઇનો આ કડક અને કઠોર નિર્ણય એક મોટું રિસ્ક છે અને ગવર્નરનું સાનુકુળ નિવેદન ભલે બોન્ડ બજારને ભાવી ગયું હોય પરંતુ ભારત જેવા વિશાળ દેશની સેન્ટ્રલ બેંકના વડા તરીકે તેમનું નિવેદન અને નીતિગત ટિપ્પણી સમગ્ર દેશનું પ્રતિબિંબ છે.
ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રાએ કહ્યું કે વિશ્વની અન્ય મધ્યસ્થ બેંકોની જેમ વ્યાજદરમાં વધારો કરવાની અમને કોઈ ઉતાવળ નહિ કરી. સમગ્ર વિશ્વમાં કોરોનાકાળ બાદ મોંઘવારીના ભરડામાં લપેટાતા વ્યાજદરમાં વધારો કરવાની ફરજ પડી રહી છે. ભારતમાં મોંઘવારીનો પ્રકાર વિશ્વના અન્ય દેશો કરતા ભિન્ન છે. ભારતમાં આરબીઆઈ પાસે સિસ્ટમ લિક્વિડિટી કાબૂમાં કરવા માટે અને વ્યાજદરમાં વધારાના સંકેત આપવા માટે રિવર્સ રેપો રેટમાં ૧૫ બેસિસ પોઈન્ટનો વધારો કરવા માટેનો અવકાશ છે.
જોકે ફેબ્રુઆરીમાં વ્યાજદરમાં ફેરફાર ન કરતા હવે રિઝર્વ બેંક દ્વારા એપ્રિલ મહિનાની મોનિટરી પોલિસી બેઠકમાં ધિરાણદરમાં વધારાની શક્યતા પ્રબળ બની જાય છે કારણ કે તે મહિનાથી નવા નાણાંકીય વર્ષની શરૂઆત સાથે સરકારના બોરોઇંગ/ભંડોળ એકત્રીકરણની શરૂઆત થશે અને નાણાંકીય વર્ષ ૨૦૨૨ની રાજકોષીય ખાધની સ્થિતિ પણ સ્પષ્ટ થતા નક્કર રોડમેપ બનાવી શકાશે.
નવા વર્ષ માટે આરબીઆઈનો ૪.૫ ટકાનો મોંઘવારી અંદાજ પણ અનુમાનિત છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી સમાપ્ત થયા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે અને અન્ય કારણોસર પણ મોંઘવારીમાં સાર્વત્રિક વધારો થવાની આશંકા રિઝર્વ બેંકને છે. જાન્યુઆરીમાં આવેલ તમામ આર્થિક ડેટા અર્થતંત્રની રિકવરી મંદ પડવાના સંકેત આપે છે તેથી કહી શકાય કે આ સપ્તાહે આરબીઆઈ વ્યાજદરમાં વધારો ન કરીને કેલ્કયુલેટિવ રિસ્ક લીધું છે પરંતુ ફેડનો આકસ્મિક વ્યાજદર વધારો કે અન્ય કોઈ કારણ ઘટના રિઝર્વ બેન્કનું આ ગણિત બગાડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, બજેટમાં સરકાર દ્વારા જંગી બોરોઇંગની ઘોષણા અને વ્યાજદર વધવાની અટકળોને પગલે ધિરાણનીતિની પૂર્વે બોન્ડની યીલ્ડ ૭ ટકાની સપાટીને કુદાવી જતા રિઝર્વ બેન્કે ૧૧ ફેબ્રુઆરીએ યોજાનાર રૂ. ૨૪,૦૦૦ કરોડના બોન્ડની હરાજી રદ કરી હતી. જો કે ત્યારબાદ યીલ્ડ ઘટીને ૬.૯ ટકાના સ્તરે પરત આવી ગઇ હતી. જ્યાં સુધી યુએસ ફેડરલ રિઝર્વે લીધેલા પગલાંઓની અસર ભારતીય ચલણના મૂલ્ય પર નહીં થાય ત્યાં સુધી નાણાંકીય વર્ષ ૨૦૨૩માં વ્યાજદરમાં અપેક્ષા કરતા ઓછી વૃદ્ધિ જોવા મળશે. આમ હાલ પુરતું લોનધારકો નીચા વ્યાજદરનો આનંદ માણતા રહેશે…