US ફેડરલ વ્યાજદર વધારશે તો બજાર પર કેવી અસર પડશે ?
હાલ રોકાણકારોના મનમાં એક મોટો પ્રશ્ન એ છે કે શું યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કર્યા બાદ બજાર વધશે ? આ પ્રશ્ન તદ્દન માન્ય છે. એ અલગ વાત છે કે આપણો ભૂતકાળનો અનુભવ કહે છે કે જો યુએસમાં વ્યાજદર વધે તો શેરો ઘટે છે. ગયા વર્ષના અંતથી યુએસમાં મોંઘવારી વધ્યા બાદ ભારતીય શેરબજારો દબાણ હેઠળ છે. તેથી રોકાણકારો હવે ચિંતિત છે. જાન્યુઆરીના મધ્યમાં આ આશંકા સાચી સાબિત થઈ. ૨૦૨૧માં કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ ૭ ટકા વધ્યા પછી, ફેડરલ રિઝર્વે વ્યક્ત કર્યું છે કે તે વ્યાજ દરોને નિયંત્રિત કરવા માટે આક્રમક અભિગમ અપનાવશે. જૂન ૧૯૮૨ પછી પ્રથમ વખત યુએસમાં છૂટક ફુગાવામાં આટલો વધારો નોંધાયો હતો. રોકાણકારોને ડર હતો કે યુએસ સેન્ટ્રલ બેંક કટોકટીના પગલા તરીકે વ્યાજ દરોમાં ૫૦ ટકા સુધીનો વધારો કરી શકે છે. ફેડરલ રિઝર્વ સરકારી બોન્ડ્સ અને મોર્ટગેજ આધારિત લોન પણ ઘટાડી રહ્યું છે. આ પગલાની તાત્કાલિક અસર એ થશે કે રોકાણકારો જોખમી શેરોમાંથી તેમના નાણાં પાછા ખેંચી લેશે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધાર્યા પછી ભૂતકાળમાં શું થયું તેના પર નજર ફેરવીએ તો ઈતિહાસ બતાવે છે કે જીઃઁ ૫૦૦ ઈન્ડેક્સે ૧૯૫૦થી વ્યાજ દરમાં વધારાના ૧૨ પ્રસંગોએ સરેરાશ વાર્ષિક ૯ ટકા વળતર આપ્યું છે. તેમાંથી ૧૧ વખત બજારમાં તેજી જોવા મળી છે. ૨૦૦૪ના મધ્યથી ૨૦૦૬ના મધ્ય સુધી, ફેડરલ રિઝર્વે ૧૭ વ્યાજ દરો વધાર્યા હતા. વ્યાજદરમાં વધારો થવા છતાં આ સમયગાળા દરમિયાન એસએન્ડપી ૪૬ ટકા સુધી વધ્યો છે. ડિસેમ્બર ૨૦૧૫ અને ડિસેમ્બર ૨૦૨૦ વચ્ચે વ્યાજ દરમાં નવ વખત વધારો કરવામાં આવ્યો છે. ડિસેમ્બર ૨૦૧૫માં એસએન્ડપી ૧૯૦૦ના સ્તરથી વધીને ડિસેમ્બર ૨૦૧૭માં ૨,૮૦૦ સુધી પહોંચી. ત્રણ વર્ષ માટે વ્યાજદરમાં વધારો કરવાનો ટ્રેન્ડ અંત સુધી પહોંચ્યો ત્યારે ઈન્ડેક્સ લપસી ગયો હતો. ઓગસ્ટ ૨૦૧૮માં ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં ઘટાડો કર્યા પછી, બજાર ફરી ઊંચકાયું અને આ ટ્રેન્ડ માર્ચ ૨૦૨૦ સુધી ચાલુ રહ્યો. આ પછી, કોવિડના કારણે આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ. આમ એ સ્પષ્ટ છે કે જો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તો બજારમાં ઘટાડો જોવા મળે તે જરૂરી નથી. સામાન્ય રીતે, જ્યારે આર્થિક સ્થિતિ મજબુત હોય ત્યારે ફેડરલ રિઝર્વ દર વધારવાનું શરૂ કરે છે. જ્યારે અર્થવ્યવસ્થા ઝડપથી વધે છે ત્યારે કંપનીઓનો નફો પણ વધે છે. જો કંપનીઓનો નફો વધે છે, તો તેમના શેર વધે છે. હકીકતમાં, શેરો આપણી પરંપરાગત વિચારસરણીથી બંધાયેલા નથી. જેમ જેમ અર્થતંત્ર મજબુત થતો રહે છે, તો કંપનીઓનો નફો વધુ વધે છે અને તેમના શેર વધુ ઝડપથી ચઢે છે. આને ધ્યાનમાં રાખીને, ફેડરલ રિઝર્વ ફરીથી વ્યાજ દરોમાં વધારો કરે છે અને વલણ ચાલુ રહે છે. આ ક્રમ સમજાવે છે કે જ્યારે વ્યાજ દરો વધે ત્યારે શેરના ભાવ શા માટે વધે છે. આર્થિક વિકાસ દર અને કંપનીઓના નફા વચ્ચે મજબુત સંબંધ છે.
રસપ્રદ વાત એ છે કે આ જ તર્ક પર વ્યાજદરમાં વધારાનો ટ્રેન્ડ અટક્યા પછી બજાર નીચે સરકી શકે છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે અર્થતંત્રમાં નાણાંના ઝડપી પ્રવાહને રોકવા માટે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે છે. જો વ્યાજદરમાં વધારો કરવાથી અર્થતંત્રને થોડી અસર થાય છે, તો તેની અસર દેખાવામાં સમય લાગે છે. ફેડરલ રિઝર્વ નબળા આર્થિક વૃદ્ધિ વચ્ચે દર વધારવાનું ચાલુ રાખે છે અથવા તેમાં ઘટાડો કરવાનો ઈનકાર કરે છે, તો તે સ્થિતિમાં સ્ટોક ઘટશે. મોંઘવારી પણ એક બાજુ છે. જો ફુગાવો ઊંચો રહેશે, તો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનું ચાલુ રાખશે. ભૂતકાળમાં માર્ચ ૧૯૮૦માં, ફેડરલ રિઝર્વના ભૂતપૂર્વ ચેરમેન પૌલ વોલ્કરે વ્યાજ દરો ઊંચા સ્તરે વધાર્યા હતા. તે સમયે મોંઘવારી દર ૧૪.૮ ટકા પર પહોંચી ગયો હતો.